કોરોના મહામારી બાદ બ્રિટન બન્યો કંગાળ
કોરોના મહામારી પછીના સમયગાળામાં બ્રિટનના નાગરિકોએ વિકસિત અને સમૃદ્ધ દેશોની સરખામણીએ પોતાની વ્યક્તિગત સંપત્તિમાં સૌથી મોટો ઘટાડો સહન કરવો પડ્યો છે.
લંડનઃ કોરોના મહામારી પછીના સમયગાળામાં બ્રિટનના નાગરિકોએ વિકસિત અને સમૃદ્ધ દેશોની સરખામણીએ પોતાની વ્યક્તિગત સંપત્તિમાં સૌથી મોટો ઘટાડો સહન કરવો પડ્યો છે. યુબીએસ બેંકના અહેવાલ અનુસાર મહામારી પછીના પાંચ વર્ષોમાં બ્રિટનની સરેરાશ સંપત્તિમાં 23 ટકાનો ઘટાડો થયો છે. આ આર્થિક પછડાટને કારણે બ્રિટિશ પરિવારો હવે ડચ અને ઇટાલિયન પરિવારો કરતાં ગરીબ બન્યા છે. જોકે ફ્રેન્ચ પરિવારો કરતાં તેમની સ્થિતિ થોડી સારી છે.
છેલ્લા પાંચ વર્ષમાં બ્રિટનની વ્યક્તિગત સંપત્તિમાં મોટું નુકસાન નોંધાયું છે. ઘર અને શેરબજાર જેવી અસ્કયામતોના મૂલ્યમાં સરેરાશ 28,500 પાઉન્ડનો ઘટાડો નોંધાયો છે. સર્વેક્ષણમાં સામેલ 37 દેશોમાંથી બ્રિટનમાં સંપત્તિનો ઘટાડો સૌથી વધુ જોવા મળ્યો છે.
આ આંકડાઓ બ્રિટનની વર્તમાન સરકાર અને જીવનધોરણ સુધારવાના વચનો સામે મોટો પડકાર ઉભો કરે છે. બીજી તરફ મકાનોની કિંમતોમાં 26 ટકાનો વધારો થવા છતાં મોંઘવારી અને ઊર્જાના બિલના કારણે સામાન્ય લોકોના બજેટ ખોરવાઈ ગયા છે.
