જસ્ટિસ ડિપાર્ટમેન્ટની કબૂલાત: ‘અદાણી પર કેસ કરવો જ નહોતો જોઇતો’
અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો સામે નોંધાયેલા ફોજદારી કેસને પરત ખેંચવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તો ત્યાં સુધી કહી દીધું કે આ મામલો એક વર્ષ પહેલા જ સમાપ્ત કરી દેવાની જરૂર હતી અથવા તેને શરૂ જ કરવાની જરૂર નહોતી.
વોશિંગ્ટનઃ અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો સામે નોંધાયેલા ફોજદારી કેસને પરત ખેંચવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તો ત્યાં સુધી કહી દીધું કે આ મામલો એક વર્ષ પહેલા જ સમાપ્ત કરી દેવાની જરૂર હતી અથવા તેને શરૂ જ કરવાની જરૂર નહોતી.
નોંધનીય છે કે વર્ષ 2024માં બાઈડેન વહીવટી તંત્ર હેઠળ ન્યાય વિભાગે ગૌતમ અદાણી અને અન્ય આરોપીઓ પર આશરે 25 કરોડ ડોલર (લગભગ 2,150 કરોડ રૂપિયા)ની કથિત લાંચ યોજનામાં સામેલ હોવા અને અમેરિકી રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. આરોપ હતો કે આ કથિત યોજના દરમિયાન અદાણી ગ્રીન એનર્જીએ અમેરિકી રોકાણકારો પાસેથી ઓછામાં ઓછા 17.5 કરોડ ડોલર (આશરે 1,500 કરોડ રૂપિયા) એકઠા કર્યા હતા. વિભાગે ફેડરલ જજને આ કેસ કાયમી ધોરણે રદ કરવાની વિનંતી કરતા જણાવ્યું છે કે આ કાનૂની કાર્યવાહી કાયદાકીય રીતે ખામીયુક્ત, રાજદ્વારી રીતે નુકસાનકારક અને ટ્રમ્ય વહીવટી તંત્રની પ્રાથમિકતાઓથી વિપરીત હતી.
ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગરૌફિસે અગાઉના પ્રસ્તાવને ‘અસ્પષ્ટ’ ગણાવીને વિભાગ પાસે ખુલાસો માંગ્યો હતો. જેના જવાબમાં પ્રિન્સિપલ એસોસિએટ ડેપ્યુટી એટર્ની જનરલ આર. ટ્રેન્ટ મેકકોટેરે 10 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો.
ક્યા કારણસર કેસ પાછો ખેંચવાની જરૂરી?
જસ્ટિસ ડિપાર્ટમેન્ટે અદાણી સામેના આરોપો પડતા મૂકવા પાછળ છ મુખ્ય કારણો રજૂ કર્યા છેઃ
• વિદેશી મામલોઃ આ કેસ સંપૂર્ણપણે ભારત કેન્દ્રિત છે.
• ભારતમાં તપાસઃ ભારતીય સત્તાવાળાઓએ કરેલી તપાસમાં કોઈ ગેરરીતિ જણાઇ નથી.
• રોકાણકારોને નુકસાન નથીઃ રોકાણકારોના નાણાં સંપૂર્ણપણે પરત ચૂકવી દેવાયા છે.
• પુરાવા દેશ બહારઃ મુખ્ય પુરાવા અને સાક્ષીઓ વિદેશમાં છે.
• આરોપીઓની ગેરહાજરીઃ આરોપીઓ ક્યારેય અમેરિકી કોર્ટ સમક્ષ હાજર થાય તેવી શક્યતા નહિવત છે.
• નબળો કાનૂની આધારઃ આ કથિત ગેરરીતિઓ અમેરિકાની બહાર થઈ હોવાથી તે યુએસના અધિકારક્ષેત્રમાં આવતી નથી.
