નવનાત ભગિની સંસ્થાની સુવર્ણજયંતી : મહિલા સશક્તિકરણનું ઉદાત્ત ઉદાહરણ

નવનાત ભગિની સંસ્થાની સુવર્ણજ

યુકેમાં વસતા વિવિધ સમાજનો અવાજ ‘ગુજરાત સમાચાર’ને હરહંમેશ વાંચકો અને શ્રોતાઓનો લાડ મળી રહ્યો છે અને આ લાડ મળ્યો છે વિવિધ સમાજની વાચા બનવાથી. ‘સોનેરી સંગત’નો અધ્યાય-78 પણ એક સમાજ ‘નવનાત ભગિની સંસ્થા’નો અવાજ બન્યો.

યુકેમાં વસતા વિવિધ સમાજનો અવાજ ‘ગુજરાત સમાચાર’ને હરહંમેશ વાંચકો અને શ્રોતાઓનો લાડ મળી રહ્યો છે અને આ લાડ મળ્યો છે વિવિધ સમાજની વાચા બનવાથી. ‘સોનેરી સંગત’નો અધ્યાય-78 પણ એક સમાજ ‘નવનાત ભગિની સંસ્થા’નો અવાજ બન્યો.
ગુજરાત સમાચારના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે કાર્યક્રમની શરૂઆત કરતાં કહ્યું, ‘સમાજનાં લાડનું ઋણ ઉતારવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સમાચારના વિશેષ મંચ ‘સોનેરી સંગત’માં આજે આપણે વાત કરીશું નવનાત ભગિની સંસ્થાની.’ 50 વર્ષ પહેલાં આ સંસ્થાની રચના થઈ ત્યારે કોઈને સ્વપ્ન પણ નહોતું કે આટલું સુંદર અને મોટું કાર્ય થશે. આ ભગીરથ કાર્યની શરૂઆત કરનારાં અને આગળ વધારનારાં બહેનો-ભાઈઓને હું વંદન કરું છું. અલ્પસંખ્યક ગણાતા નવનાત સમાજ દ્વારા મેળવાયેલી સિદ્ધિ અને કાર્ય અભ્યાસ માગી લે છે. નવનાત ભગિની નવનાત વણિક એસોસિએશનનું પીઠબળ છે. સંસ્થાના પ્રાણમાં જ્યારે બહેનોનું અનુદાન શરૂ થાય ત્યારે તે સમાજ આકાશની ઊંચાઈ સર કરે છે.
કાર્યક્રમની ધુરા સંભાળતાં કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહે કહ્યું કે, આજે સોનેરી સંગત અને ભગિની સંસ્થાની સુવર્ણ જયંતી મહોત્સવમાં સોનાના ચળકાટનો સુભગ સમન્વય થયો છે. આજે નવનાત ભગિનીના સુવર્ણ જયંતીની ભીતરમાં એક ડોકિયું કરીએ. આપણી સંસ્કૃતિમાં નારીશક્તિનું ગુણગાન કરતી અસંખ્ય કહાનીઓ, ઘટનાઓ અને મહત્તાઓ છે, જેનાથી આપણે વાકેફ જ છીએ. કહેવાયું છે ને, ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા’, એટલે જ સ્ત્રીઓએ પોતાને કોઈનાથી ઉતરતી ન સમજવી. ભગિનીની સર્વે બહેનોને તેમના સુવર્ણ જયંતી વર્ષના ખૂબખૂબ અભિનંદન.
ભગિની સંસ્થાની સફરનાં ચઢાણ સીધાં તો ન જ હોઈ શકે! કેટકેટલીય બહેનોનાં સંઘર્ષ, જહેમત અને સેવા-સમર્પણના સરવાળાને કારણે સુવર્ણજયંતીનો રૂડો અવસર નવનાતના આંગણે આવ્યો છે, જેના ભાગરૂપે શનિવાર અને રવિવારે હેઝના નવનાત હોલમાં એની શાનદાર ઉજવણી કરાઈ જેમાં સેંકડો બહેન-ભાઇઓ ને મહેમાનો સામેલ થયાં.
સુવર્ણ જયંતીના આ પ્રસંગે આજે આપણે ભગિની સંસ્થાનાં પ્રેસિડેન્ટ સરોજબહેન ભરતભાઈ વારિયા સાથે વાત કરીશું. તેમણે એકથી વધુ વખત પ્રેસિડેન્ટનો હોદ્દો શોભાવ્યો છે.
ભગિની સાથેની તમારી સફર ક્યારથી અને કેવી રીતે શરૂ થઈ?
સરોજબહેનઃ 1974માં અમે લંડન આવ્યાં ત્યારે ભગિનીની વાત સાંભળી હતી. આ સમયે જ નવનાતે હેરોમાં હોલ લીધો હતો. એ સમયે હું મેમ્બર પણ નહોતી, પરંતુ બંને બાળકો સાથે ત્યાં જતી. મને ત્યાં જવું ગમતું અને બાળકોને પણ તેની વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ કર્યાં. આ સમયે ત્યાં સુધી બસ અને ટ્રેનમાં જવું ખૂબ અઘરું હતું. આ કારણે મેં નિર્ધાર કર્યો કે હું કાર શીખીશ તો ભગિની સમાજની કમિટીમાં જરૂરથી જોડાઈશ. આ વિચારથી હું કાર શીખી અને લાઇસન્સ મેળવ્યું, આ સાથે જ હું ભગિની સંસ્થામાં જોડાઈ ગઈ.
ભગિની સમાજની પ્રથમ કમિટી મીટિંગ સમયે 30થી 40 જણા જ હતા અને મેં કમિટીમાં સભ્ય બનવા માટે ઇચ્છા પ્રદર્શિત કરી, જે બાદના વોટિંગમાં હું કમિટીમાં ચૂંટાઈ ગઈ.
લતાબહેન પ્રેસિડેન્ટ અને વસંતબહેન વાઇસ પ્રેસિડેન્ટ હતાં ત્યારે મેં એ પછીના વર્ષમાં વાઇસ પ્રેસિડેન્ટની સીટ લેવાની ઇચ્છા વ્યક્ત કરી, જે અંગે તેમણે સરાકાત્મક જવાબ આપ્યો હતો. બનવાજોગ હતું કે તેના પછીના વર્ષે ચૂંટણીમાં હું ખરેખર વાઇસ પ્રેસિડેન્ટ બની. આમ વર્ષો વિતતાં ગયાં અને હું આગળ વધતી ગઈ, આજકાલ કરતાં મને 40 વર્ષ થઈ ગયાં.
સંસ્થાને 25 વર્ષ થયાં ત્યારે રિબિન મેં કાપી હતી અને ઇચ્છા વ્યક્ત કરી હતી કે 50 વર્ષ થાય ત્યારે હું જો હોઈશ તો ફરી રિબિન કાપીશ. જોગાનુજોગ હાલમાં જ 50 વર્ષની રિબિન મેં ફરી કાપી અને મારું સ્વપ્ન સાકાર થયું.
આ સંસ્થામાં 12 વર્ષની મારી પ્રેસિડેન્ટ તરીકેની સફર થઈ છે, જે બદલ ભગિની સમાજની બહેનો અને કમિટી સભ્યોનો તેમના સાથ બદલ ખૂબખૂબ આભાર.
ભગિનીની પ્રવૃત્તિ અને સ્ત્રી સશક્તિકરણ અંગે શું કાર્ય કર્યું?
સરોજબહેનઃ સ્ત્રી સશક્તિકરણમાં ભગિની સંસ્થા દ્વારા ખૂબ સપોર્ટ આપવામાં આવ્યો. આ અંગે અમે બે વખત રાજકોટ લાઇફ પ્રોજેક્ટ અને લાઇફ પ્રોજેક્ટ યુ.કે. સાથે મળી રેણુબહેનની પ્રેસિડન્સી હેઠળ પહેલી વખત અમે 80 હજાર પાઉન્ડ એકત્ર કરી મોકલાવ્યા હતા અને બીજી વખત ઓક્ટોબરના કાર્યક્રમમાં 100 હજાર પાઉન્ડ એકત્ર કર્યા હતા. અમારા આ કાર્ય બદલ લાભાન્વિત બહેનો દ્વારા પણ અમને સુંદર સપોર્ટ અપાય છે. આ બહેનોને મદદ કરવા માટે ભગિની સંસ્થા અને નવનાત વણિક સમાજ હંમેશાં ઊભાં જ છીએ.
અમારી સંસ્થા દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો, પિકનિક, ગરબા, ઇન્ટરનેશનલ મહિલા દિવસ વગેરેનાં આયોજન કરાય છે. આ સિવાય મેઇન બોડીને ક્રિસમસ પાર્ટી, પર્યુષણ, નવરાત્રી, દિવાળી જેવા અનેક કાર્યક્રમોમાં મદદ પણ કરીએ છીએ. ઇન્ટરનેશનલ ટૂર એ અમારી વિશેષતા છે. અમારા દ્વારા સ્થાનિક અને ઓવરસીઝ મળીને 65થી 40 ટૂરનાં આયોજન કરાયાં છે, જેમાં અમને ઘણી સફળતા પ્રાપ્ત થઈ છે.
એક ગૃહિણી તરીકે ઘર અને ભગિની સંસ્થા વચ્ચે બેલેન્સ કેવી રીતે કરો છો?
સરોજબહેનઃ મારા પતિનો મને ખૂબ સાથ મળ્યો. તેમણે મને આગળ વધવા પ્રોત્સાહન ન આપ્યું હોત તો હું આજે અહીં ન હોત. મારું નામ આજે મારા પતિના કારણે જ છે. ગયા વર્ષે તેઓ બીમાર હતા ત્યારે તેમણે મને ઘરમાં મીટિંગ કરવા કહ્યું, પણ ભગિની ન મૂકવા મને સમજાવી હતી. ભગવાનની કૃપા હતી કે ઘરકામને પહોંચી વળવાની સાથે ભગિનીને પણ સંભાળતી હતી. બધાના સાથથી જ આ શક્ય બન્યું, એકલા હાથે ન થઈ શકત.
પ્રેસિડેન્ટ તરીકે તમારી લોકપ્રિયતાનું શું કારણ?
સરોજબહેનઃ મને તમામ લોકો સાથે હળવું મળવું ખૂબ ગમે છે, તેનાથી હું લોકોની લાડકી થઈ ગઈ. કિચનમાં આવતાં મને શકુબહેન અને અનસૂયાબહેન સાથે કામ કરવાનો મોકો મળ્યો અને તેમની પાસેથી ઘણું શીખવા પણ મળ્યું. હું ભગિનીમાં, મેઇન બોડીમાં, વડીલમાં, નેશનલ કાઉન્સિલની કમિટીમાં કાર્ય કરતી રહું છું. લોકોની તન-મન-ધનથી સેવા કરવી મને ગમે છે.
આવનારા નવા પ્રેસિડેન્ટને તમારી શું સલાહ?
સરોજબહેનઃ આગળ વધો અને યુવાનો આગળ આવે એવા કાર્યક્રમ કરો. મેં કર્યું તેના કરતાં પણ ચારગણું વધુ અને સારું કામ કરી ભગિની સંસ્થાનું નામ વધુ ઊચું કરો. હું ભગિનીની સાથે જ છું.
સરોજબહેન બાદ જ્યોત્સનાબહેને પૂર્વ પ્રેસિડેન્ટ રેણુબહેન મહેતા દ્વારા નવકાર મંત્ર અને ગાયત્રી મંત્રની..’ પ્રાર્થના કરવામાં આવી. જે બાદ જ્યોત્સનાબહેને તેમને પૂછયું. ‘આપ ભગિનીમાં ક્યારે સક્રિય બન્યાં અને તેનું પ્રેરકબળ કોણ છે.?
રેણુબહેનઃ મારાં બાળકો મોટાં થયાં ત્યારે હું વર્ષ 2007માં ભગિનીમાં જોડાઈ. સુદાનમાં જન્મી અને મોટી થઈ અને મોમ્બાસા ખાતે લગ્ન થયાં. મોમ્બાસામાં મારાં સાસુ રસિકાબહેન મહેતાએ ભગિની ઉત્કર્ષ કેન્દ્રની સ્થાપના કરી તેમાં 22 વર્ષ પ્રમુખપદે રહ્યાં હતાં. મારાં લગ્ન થયાં ત્યારે તેઓ પ્રેસિડેન્ટપદેથી નિવૃત્ત થયાં હતાં. તેમણે મને ભગિનીમાં જોડાવા પ્રોત્સાહન આપ્યું હતું અને તેમણે મને સભ્યપદ અપાવ્યું.
1987માં મારા નાના દીકરાના જન્મ સાથે હું લંડન શિફ્ટ થઈ. મારાં સાસુ આવતાં - જતાં તેમને ભગિનીમાં લઈ જવા માટે આગ્રહ કરતાં. ત્યાં સુધી કે અમારું 40 સભ્યોનું નાનું સુદાન લેડીઝ ગ્રૂપ હતું ત્યાં પણ મારાં સાસુ આવતાં અને સાથ આપતાં. ત્યાં મેં પ્રમુખપદ સંભાળ્યું છે. મારાં સાસુએ આપેલી શીખ અને આશીર્વાદના કારણે મને 2016-17માં ભગિની સંસ્થામાં પ્રમુખપદ મળ્યું. જો કે કોરોનાકાળને કારણે મારું પ્રમુખપદ સાડા પાંચ વર્ષ સુધી લંબાયું. હાલમાં હું નિવૃત્ત છું, પરંતુ ભગિની મને જે કામ સોંપે તેને ખૂબ ખુશીથી કરું છું અને પૂરો સાથસહકાર આપું છું.
આપના સમયગાળા દરમિયાનના યાદગાર અનુભવો જણાવશો?
રેણુબહેનઃ મારા સમયમાં ભગિનીનાં 40 વર્ષ એટલે કે રૂબી જયંતીની ઉજવણી ભવ્ય રીતે કરી અને એ નિમિત્તે એક સુવેનીયર પ્રકાશિત કર્યું હતું, જેમાં ગુજરાત સમાચારના જ્યોત્સનાબહેનનો પણ ખૂબ સાથ હતો. ચેરિટી ઇવેન્ટ્સ પણ યોજી સમાજનું ઋણ અદા કરવાના પ્રયાસ કર્યા છે. અમે કોવિડ-19ના કારણે ઝૂમ પર વર્ચ્યુઅલ કાર્યક્રમો કરી સૌને સક્રિય રાખ્યા. દરમિયાન કુકરી ડેમોસ્ટ્રેશન પણ કર્યા અને સમાપનમાં કુકરી બુક પબ્લીશ કરી જેને ખૂબ લોકચાહના મળી હતી.
મારા દિકરાના પ્રેસમાં એ તૈયાર થયું હતું અને મારા હસબન્ડે એ સ્પોન્સર કર્યું હતું. મારા પતિ ભરતનો સાથ પણ મને ખૂબ રહ્યો છે, જેથી હું સમાજનું કામ કરી શકું છું.
રેણુબહેન તમે પ્રેસિડેન્ટ થાઓ તો શું સુધારો કરો?
રેણુબહેનઃ જો પ્રેસિડેન્ટ બનું તો સમાજની નાની દીકરીઓ અને બહેનોને હાથ જોડી વિનંતી કરું કે, તમે આવો અને આપણી બહેનો અત્યાર સુધી ભગિનીને જ્યાં લઈ ગઈ છે, તેનાથી ઘણે આગળ લઈ જાઓ. બતાવી દો કે સ્ત્રી ધારે તો બધું જ કરી શકે છે.
રેણુબહેન બાદ જ્યોત્સનાબહેને અન્નપૂર્ણા તરીકે જાણીતાં શકુબહેન શેઠને પૂછયું, ‘તમારો રસોઈનો શોખ કેવી રીતે ડેવલપ થયો અને સમાજસેવામાં કઈ રીતે પરિણમ્યો?’
શકુબહેનઃ 17 વર્ષે સાસરે ગઈ ત્યારથી 26 માણસોનું રસોડું સંભાળ્યું છે, આમ 10 વર્ષના અનુભવથી રસોઈકામમાં પારંગત બની. ત્યારબાદ લંડન આવ્યાને 3 વર્ષ બાદ હું ભગિનીમાં 5 વર્ષ માટે જોડાઈ ગઈ, જે બાદ 6 વર્ષ મેઇન બોડીમાં રહી અને હવે રસોડામાં છું. કિચન કમિટીના હેડ તરીકે 20 વર્ષથી છું. તે સમયે સુભાષભાઈ પ્રેસિડેન્ટ હતા અને હું, રૂપલબહેન પુનાતર અને ઉષાબહેન શાહ ત્રણ જ હતાં. આ સમયે સુભાષભાઈએ ખૂબ પ્રેરણા આપી. તે સમયે સંસ્થામાં 100 માણસો માંડ હતા, જ્યારે આજે જરૂર પડ્યે 600 જણ સુધીની રસોઈ નવનાતના રસોડે કરીએ છીએ. અમારી 15 બહેનોની ટીમ છે. અમે સમાજનું કામ ખૂબ આનંદથી કરીએ છીએ. રસોડામાં બધા સાથે કામ કરતાં ક્યારેક મતભેદ પણ મનભેદ નહીં. અમે તમામ સમજુ છીએ અને સંપીને કામ કરીએ છીએ. વાતો કરતાં કરતાં રસોઈનું કામ ખૂબ આનંદથી થાય છે. મને બધા ખૂબ માન આપે છે. સેવા મને પિયર તરફથી વારસામાં મળી છે. આ હોલનું નામ તારાબહેન ભોગીલાલ મહેતા છે એ મારાં મોટા બહેન થાય. મારા દિકરા-વહુઓનો મને ખુબ સારો સપોર્ટ છે. નવનાતના કામની વાત આવે તો હું પથારીમાંથી બેઠી થઈ જાઉં!
શકુબહેન બાદ જ્યોત્સનાબહેને હોલ સેક્રેટરીની સેવા બજાવી ચૂકેલાં હસ્મિતાબહેન દોશીને પૂછયું તમે ટફ ગણાતી હોલ સેક્રેટરીની ફરજ બજાવવામાં કેવી રીતે સફળ થયાં?
હસ્મિતાબહેનઃ મેં નવનાત વણિક એસોસિયેશન જોઇન કર્યું ત્યારે મને તેના વિશે કંઈ જ ખબર નહોતી. ભગિનીમાં કામ કર્યું હતું પણ સંસ્થા કઈ રીતે ચાલે છે તેનાથી વાકેફ નહોતી. એક વખત એજીએમ વખતે હું ત્યાં ગઈ અને મને જોઇન થવા કહેવાયું અને તત્કાળ હું ત્યાં જોડાઈ ગઈ. એક વર્ષ હું એસોસિયેશનમાં રહી અને તત્કાલીન હોલ સેક્રટરી ભરતભાઈ પારેખનાં પત્નીની તબિયત ખરાબ થતાં તેમને છોડવાનું થયું. આ સમયે હોલ સેક્રેટરી તરીકે રહેવા માટે કોઈ તૈયાર નહોતું થયું અને હું અજાણી હોવા છતાં મેં હાથ ઊંચો કરી દીધો.
મારો સ્વભાવ છે કે એકવાર જે કામ હાથમાં લીધું તે ગમે તે રીતે શીખવાનું, જાણવાનું અને પૂરું કરવાનું. આમ મેં હોલ સેક્રેટરી તરીકે અનેક બાબતોમાં સુધારા-વધારા કર્યા. વિવેક અમે મધુર વાણી-વ્યવહારથી સૌના દિલ જીતી લીધાં. ઘણા ડિમાન્ડિંગ લોકોની સાથે સંયમ રાખી વાત કરી, નવનાતને કોઈપણ રીતે ખોટ ન થાય તે રીતે હું તેમને સાચવતી. નવનાતના ઇતિહાસમાં હું પ્રથમ મહિલા ઓફિસ બેરર તરીકે હતી. હું માત્ર હોલ બુકિંગ જ નહોતી કરતી, પરંતુ હોલમાં યોજાતા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની વિધિ અંગે અભિપ્રાય આપવાની સાથે ડેકોરેશન પણ કરતી હતી.
હસ્મિતાબહેનના કાર્ય અનુભવ જાણ્યા બાદ જ્યોત્સનાબહેને કમિટીનાં કો.ઓર્ડિનેટર ઇલાબહેન શાહને પૂછયું કે, તમે કઠિન જવાબદારીને કઈ રીતે પહોંચી વળ્યાં?
ઇલાબહેનઃ સરોજબહેને કો.ઓર્ડિનેટર તરીકે જ્યારે મારા નામનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તમામ કમિટી મેમ્બર દ્વારા આ પ્રસ્તાવને સહર્ષ સ્વીકારી લેવાયો. સરોજબહેને જ્યારે 50 વર્ષની ઉજવણીના કો.ઓર્ડિનેટર તરીકે જવાબદારી મને સોંપતાં ખૂબ જ ઉત્સાહની અનુભૂતિ થઈ. આ કાર્યક્રમ માટે મારી પાસે વિઝન હતું અને તેમાં કમિટીનો પણ ખૂબ સહકાર મળ્યો.
ભગિની સમાજને વધુ પ્રગતિશીલ બનાવવા કયા ફેરફારની જરૂર છે?
ઇલાબહેનઃ આપણે આપણા કામમાં ટેક્નોલોજીને જોડવાની જરૂર છે, જેની સાથે કોન્ફિડન્સ અને સ્કિલને વધારવાની ખૂબ જરૂર છે. મહિલાઓએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન જેવા પ્રોગ્રામની એક્સ્ટ્રા ટ્રેનિંગની જરૂર છે. દરવખતે આપણે અન્ય કોઈના ભરોસે રહેવું પડે છે, પરંતુ આપણી ભગિનીઓ જ એક્સ્ટ્રા ટ્રેનિંગ લઈએ તો આત્મનિર્ભર બની જઈએ.
ઇલાબહેનના કાર્ય અંગે જાણ્યા બાદ જ્યોત્સનાબહેને ભગિની સંસ્થાના ટ્રેઝરર સુષમાબહેન તમારા અનુભવો વર્ણવો.
સુષમાબહેનઃ ડેન્ટિસ્ટ તરીકે રિટાયર્ડ થયા બાદ સમાજને કંઈક પરત કરવાના આશય સાથે મેં ભગિની કમિટીમાં જોડાવાનો નિર્ણય કર્યો. મારા જોડાયાનાં બે વર્ષમાં જ મને ટ્રેઝરર બનાવી દેવામાં આવી હતી. શરૂઆતના એક વર્ષમાં તો હું પૂર્વ ટ્રેઝરર ભારતીબહેન પાસેથી ઘણું શીખી હતી. અને તેમની પાસેથી મેળવેલા જ્ઞાનના આધારે હું ટ્રેઝરરની ફરજ બજાવી રહી છું.
સેક્રેટરી ભારતીબહેન શાહે પોતાની નવનાતની દીર્ઘ કાલીન સેવાઓ જણાવ્યું કે પતિશ્રી રમેશભાઇ અને દિકરાઓનું અનુદાન પણ નોંધપાત્ર રહ્યું છે.
કાર્યક્રમના સમાપન તરફ જતાં જ્યોત્સનાબહેને ભગિની સંસ્થાનાં 50 વર્ષ પૂર્ણ થવા પર તેમનું કાવ્ય રજૂ કર્યું.
સેવાનું સિંદૂર માથે ચડાવી, ત્યાગની મશાલ હાથમાં લઈ
સંસ્કૃતિની સંવર્ધક બની, સજાવ્યા રંગ મેઘધનુષી
ચેન્જ મેકર બની અડધી સદી ફટકારી, સર્જ્યો ઇતિહાસ ભગિનીએ.

નવનાત ભગિની સંસ્થાની સુવર્ણજ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.