પૂર્વ કોલોનીઓએ બ્રિટનને વિકાસ કાર્યો માટે નાણાં ચૂકવવા જોઇએઃ સુએલા બ્રેવરમેન
પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને એક નવો વિવાદ છેડ્યો છે. તેમના જણાવ્યા અનુસાર બ્રિટન દ્વારા ગુલામ બનાવાયેલા દેશોએ બ્રિટિશ શાસનકાળ દરમિયાન થયેલા રોકાણો અને વિકાસ કાર્યો બદલ યુકેને નાણાં પરત ચૂકવવા જોઈએ.
લંડનઃ પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને એક નવો વિવાદ છેડ્યો છે. તેમના જણાવ્યા અનુસાર બ્રિટન દ્વારા ગુલામ બનાવાયેલા દેશોએ બ્રિટિશ શાસનકાળ દરમિયાન થયેલા રોકાણો અને વિકાસ કાર્યો બદલ યુકેને નાણાં પરત ચૂકવવા જોઈએ. બ્રેવરમેનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે જમૈકા ગુલામી પ્રથામાં બ્રિટનની ભૂમિકા બદલ કિંગ ચાર્લ્સ તૃતીય પાસે ઔપચારિક રીતે વળતર માંગવાની તૈયારી કરી રહ્યો છે.
બ્રેવરમેને સોશિયલ મીડિયા પોસ્ટ પર જણાવ્યું હતું કે, બ્રિટિશ સામ્રાજ્યએ સમગ્ર વિશ્વ માટે ઘણું સારું કામ કર્યું છે. અલબત્ત, ગુલામી પ્રથા અત્યંત ઘૃણાસ્પદ હતી પરંતુ 21મી સદીના બ્રિટિશ નાગરિકો પાસેથી 18મી સદીમાં થયેલા કાર્યો માટે વળતરની અપેક્ષા રાખવી કાયદાકીય રીતે તદ્દન આધારવિહીન છે.
નોંધનીય છે કે, બ્રિટિશ સામ્રાજ્યએ લગભગ બે સદી સુધી ભારત પર શાસન કર્યું હતું, જ્યારે એશિયા, આફ્રિકા અને કેરેબિયનના મોટા ભાગો પણ બ્રિટિશ શાસન હેઠળ હતા.
