મોટેલમાં ફાટી નીકળેલી વિનાશક આગ નડિયાદના પતિ-પત્ની-પુત્રીને ભરખી ગઇ
અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટના વેન કાઉન્ટીની વુસ્ટર ટાઉનશિપમાં આવેલી ઈકોનો લોજ હોટેલમાં મધરાત્રે ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ નડિયાદના પીજ ભાગોળ વિસ્તારના વતની એવા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. હિતેશભાઇ સુથાર, પત્ની હીનાબહેન સુથાર અને તેમની 20 વર્ષીય દીકરી ઈશાની અગનજ્વાળાઓથી બચવા માટે બાથરૂમમાં બંધ થઈ ગયા હતા, પરંતુ આગ અને ધુમાડા વચ્ચે સમયસર બચાવ ન થઈ શક્તા ત્રણેયના ગુંગળાઈ જવાથી મોત થયા હતા. આ ઘટનાથી નડિયાદ શહેરમાં શોકની લાગણી પ્રસરી છે.
નડિયાદઃ અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટના વેન કાઉન્ટીની વુસ્ટર ટાઉનશિપમાં આવેલી ઈકોનો લોજ હોટેલમાં મધરાત્રે ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ નડિયાદના પીજ ભાગોળ વિસ્તારના વતની એવા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. હિતેશભાઇ સુથાર, પત્ની હીનાબહેન સુથાર અને તેમની 20 વર્ષીય દીકરી ઈશાની અગનજ્વાળાઓથી બચવા માટે બાથરૂમમાં બંધ થઈ ગયા હતા, પરંતુ આગ અને ધુમાડા વચ્ચે સમયસર બચાવ ન થઈ શક્તા ત્રણેયના ગુંગળાઈ જવાથી મોત થયા હતા. આ ઘટનાથી નડિયાદ શહેરમાં શોકની લાગણી પ્રસરી છે.
મળતી માહિતી મુજબ નડિયાદના પીજ ભાગોળ વિસ્તારમાં રહેતા હિતેશ સુથાર તેમના પત્ની હીનાબેન અને દીકરી ઈશાની સહિતના પરિવાર સાથે છેલ્લા બે વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા. હિતેશભાઈનો પરિવાર અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટના વેન કાઉન્ટીના વુસ્ટર ટાઉનશિપમાં આવેલી ઈકોનો લોજ હોટેલમાં રહેતો હતો. બુધવારની મધરાત્રે અંદાજે દોઢ વાગ્યાના સમયે હોટેલમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ ઝડપથી ફેલાતા સમગ્ર હોટેલમાં ભારે ધુમાડો છવાઈ ગયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાં જ રૂમમાં રહેતા હિતેશભાઈ, પત્ની હીનાબેન અને દીકરી ઈશાનીએ જીવ બચાવવાના પ્રયાસરૂપે હોટેલના રૂમ સાથે જોડાયેલા બાથરૂમમાં પોતાને બંધ કરી દીધા હતા.
જોકે આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને સમય લાગતાં બાથરૂમમાં પણ ધુમાડો ભરાઈ ગયો હતો. ઓક્સિજનનો અભાવ અને ગાઢ ધુમાડાના કારણે ત્રણેયનાં ગુંગળાઈ જવાથી મોત થયાં હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં વુસ્ટર ટાઉનશિપ પોલીસ, વેન કાઉન્ટી શેરિફ ઓફિસ, સ્થાનિક ફાયર વિભાગ તેમજ આસપાસના વિસ્તારોમાંથી અનેક ઈમરજન્સી એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહતકાર્યમાં જોડાઇ ગઇ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ઓલવાયા બાદ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન હોટેલના એક રૂમમાંથી પતિ-પત્ની અને પુત્રીના મૃતદેહો મળી આવ્યા હતા.
