સિલિકોન વેલીની જેમ સાણંદ સેમિકંડક્ટર ક્લસ્ટર દુનિયામાં ઊભરી આવશે

સિલિકોન વેલીની જેમ સાણંદ સેમિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે સાણંદ ખાતે રૂ. 7,600 કરોડના રોકાણ સાથે સીજી સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકંડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓસેટ) સુવિધામાં સેમિકંડક્ટર ચિપ્સના કોમર્શિયલ પ્રોડક્શનનો શુભારંભ કરાવ્યો હતો. ફેબ્રુઆરીમાં માઇક્રોન, માર્ચમાં ક્રાઇઝેન સેમિકોન અને હવે સીજી સેમિના કોમર્શિયલ પ્રોડક્શન સાથે સાણંદ સેમિકંડક્ટર હબ તરીકે વિશ્વમાં ઊભરી આવશે તેમ વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, ‘આજે સીજી સેમિની ટીમ તો ખુશ હશે જ, પરંતુ સૌથી વધારે અંતરમનથી મને ખુશી થઈ છે.’

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે સાણંદ ખાતે રૂ. 7,600 કરોડના રોકાણ સાથે સીજી સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકંડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓસેટ) સુવિધામાં સેમિકંડક્ટર ચિપ્સના કોમર્શિયલ પ્રોડક્શનનો શુભારંભ કરાવ્યો હતો. ફેબ્રુઆરીમાં માઇક્રોન, માર્ચમાં ક્રાઇઝેન સેમિકોન અને હવે સીજી સેમિના કોમર્શિયલ પ્રોડક્શન સાથે સાણંદ સેમિકંડક્ટર હબ તરીકે વિશ્વમાં ઊભરી આવશે તેમ વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, ‘આજે સીજી સેમિની ટીમ તો ખુશ હશે જ, પરંતુ સૌથી વધારે અંતરમનથી મને ખુશી થઈ છે.’
‘20-22 વર્ષ અગાઉ હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મેં કેટલીક કંપનીઓ સાથે સેમિકંડક્ટર પ્લાન્ટ સ્થાપવા ચર્ચા કરી હતી, એ વખતની ભારત સરકારે પણ મોટાં મોટાં વચનો આપ્યાં હતાં. અમે પ્રાંતિજમાં 400 એકર જમીન પર પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કરી દીધું, પરંતુ કોણ જાણે કેમ ભારત સરકારના પગમાં બેડીઓ બંધાઈ ગઈ. આજે આ સપનું સાકાર થયું છે એનો મને ખૂબ આનંદ છે. વિશ્વને આજે ભરોસો અને વિશ્વાસ છે કે ભારત એક વખત નક્કી કરે છે એને કરીને બતાવે છે, તેમ કહી પીએમ મોદીએ ઉમેર્યું કે, 5 વર્ષ અગાઉ સંકલ્પ લીધો હતો કે, ભારતમાં સેમિકંડક્ટર ઇકોસિસ્ટમ ઊભી કરાશે. મેક ઇન ઇન્ડિયા અને ડિઝાઇન ઇન ઇન્ડિયાના મંત્રને લઈ આગળ વધ્યા. આજે ત્રીજા એકમનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થયું છે. આજનો કાર્યક્રમ એ વાતનું પ્રમાણ છે કે ભારત જે કહે છે એ કરી બતાવે છે.
વડાપ્રધાને સીજી સેમિકોનના ચેરમેન વેલ્લાયન સુબૈયા અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવતાં કહ્યું કે, આ એકમથી વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે. આગામી સમયમાં 500 કરોડ ચિપ્સનું નિર્માણ થશે. મને વિશ્વાસ છે કે એમની ટીમ આ લક્ષ્ય ઝડપથી હાંસલ કરશે.
વડાપ્રધાને કહ્યું કે, સીજી સેમિ એ ભારત, જાપાન અને થાઇલેન્ડના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. ટેક્નોલોજી, ભરોસો અને ભાગીદારનું આ મોડેલ સેમિકંડક્ટર ક્ષેત્રને નવી ગતિ આપશે.
આ પ્રસંગે કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક સંબોધન કર્યાં હતાં. સીજી સેમિના ચેરમેન વેલ્લાયન સુબૈયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન
વડાપ્રધાન મોદીએ સીજી સેમિના ચેરમેનના શબ્દોને દોહરાવીને કહ્યું કે, નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન. અમે લક્ષ્ય હંમેશાં ઊંચાં રાખ્યાં છે અને એને પાર પાડવા માટે પરિશ્રમ કરી રહ્યા છીએ. ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે અમે અધીરા છીએ, ત્યારે યુવાઓ માટે અનેક તકો, નીતિગત સુધારા અને એઆઇ, સેમિકંડક્ટર, રોબોટિક નેક્સ્ટ જેન માટેનાં ક્ષેત્રોમાં તકો સર્જી છે તેને ઝડપી લે. તેમણે કહ્યું કે, ‘કોઈપણ દેશના ઇન્ડસ્ટ્રીયલ પાવર પાછળ એક ફેક્ટરીનો હિસ્સો હોતો નથી, પરંતુ એક આખી કસ્ટમ્સ હોય છે. અમેરિકાની સિલિકોન વેલી હોય, તાઇવાન કે જાપાનની વાત હોય, એક ક્લસ્ટરથી વિકાસ થતો હોય છે. સાણંદ પણ સેમિકંડક્ટર ક્લસ્ટરની દિશામાં પગલું ભરી રહ્યું છે. ભવિષ્યમાં અહીં નવાં એકમો, રોકાણો, સ્ટાર્ટઅપ્સ આવશે. એક ઉદ્યોગ સેંકડો ઉદ્યોગોને જન્મ આપે છે. સેંકડો ઉદ્યોગો લાખો રોજગાર પેદા કરે છે, એનાથી આખી અર્થવ્યવસ્થા બદલાય છે. સાણંદ જ નહીં, દેશનાં વિવિધ રાજ્યોમાં આવા ક્લસ્ટર્સ ડેવલપ થઈ રહ્યાં છે. ભારત આજે સેમિકંડક્ટર ક્ષેત્રે એક ભરોસાનું સ્થાન મેળવી રહ્યું છે.’
આદિવાસી દીકરીઓ બની સેમિકંડક્ટર એક્સપર્ટ
સાણંદ ખાતે સીજી સેમિ આઉટસોર્સ્ડ સેમિકંડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફેસિલિટીમાં કામ કરી રહેલા દેશના ઉત્સાહી યુવાનો સાથે સીધો અને પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ આ મુલાકાતને ઉદઘાટનની સૌથી વિશેષ અને યાદગાર ક્ષણ ગણાવીને દેશની યુવા શક્તિ પર ભારે ગૌરવ વ્યક્ત કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર વિશેષ નોંધ સાથે જણાવ્યું કે, આ અત્યાધુનિક પ્લાન્ટના વર્કફોર્સમાં બહુ મોટી સંખ્યા દેશની દીકરીઓની છે. આ દીકરીઓ ભારતના અત્યંત અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે, જેમાંથી ઘણી બધી દીકરીઓ આદિવાસી પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેમણે દીકરીઓના અદમ્ય જુસ્સાની પ્રશંસા કરતા કહ્યું કે, તેમની ભીતર રહેલી અદભુત ક્ષમતા અને કંઈક નવું શીખવાની ધગશને કારણે જ તેઓ સેમિકંડક્ટર જેવી જટિલ ટેક્નોલોજી વિશે શીખી શકી છે.
એરપોર્ટ પર મંત્રીમંડળનો પોણો કલાક ક્લાસ લીધો
અમદાવાદ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારની રાતે એરપોર્ટ પર પોણો કલાક રાજ્ય સરકારના મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. ઓક્ટોબર- 2025માં મંત્રીમંડળના વિસ્તરણ બાદ પહેલીવાર મંત્રીઓને સાગમટે એરપોર્ટ પર હાજર રખાયા હતા. ભૂતકાળનાં સંસ્મરણો યાદ કરી વડાપ્રધાન મોદીએ રાજ્ય સરકારના મંત્રીઓને ‘જમીન સાથે જોડાયેલા રહીને જે જવાબદારી સોંપાઈ છે તેનું વહન કરો’ તેવી શિખામણ આપી હતી. સાથે જ બૂમો પાડ્યા વગર પણ કામ થઈ શકે છે તેનાં ઉદાહરણો ટાંકી ફોટોગ્રાફી પૂરતી કામગીરી ન રહે તેનું ધ્યાન રાખવા ટકોર કરી હતી. બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે 26 સભ્યોના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના બે મંત્રી તબિયતના લીધે ગેરહાજર રહ્યા હતા.

સિલિકોન વેલીની જેમ સાણંદ સેમિ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.