હિન્દુ સમુદાયે સામાજિક હિતના મુદ્દે વધુ સંગઠિત બનીને કામ કરવાની જરૂર
ડેનહામ સ્થિત અનુપમ મિશન ખાતે રવિવારે ‘સંવાદિતા’ વિષય પર પ.પૂ. સંતભગવંત સાહેબજીની પ્રેરણાથી વિચારગોષ્ઠિ યોજાઈ હતી, જેમાં યુકેના હિન્દુ સમાજની એકતા, પ્રતિનિધિત્વ, ધાર્મિક શિક્ષણ, સામાજિક સહકાર અને ભાવિ પેઢીમાં સંસ્કારોના સિંચન જેવા મહત્વના વિષયો પર મંતવ્યો રજૂ કરાયા હતા. વિશેષ તો, ૐ ક્રિમેટોરિયમ અને તેના વિકાસ તેમજ તેના દ્વારા મળનાર લાભ અંગે પણ સૌને માહિતગાર કરાયા હતા. આ પ્રસંગે વિવિધ સંસ્થાનો, સંપ્રદાયોના અગ્રણી પ્રતિનિધિઓએ તેમજ મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની તથા પ.પૂ. સંતભગવંત સાહેબજીની ભાવનાને બિરદાવી. આ પ્રસંગે સૌ વક્તાઓએ એકસૂરે જણાવ્યું કે, યુકેમાં હિન્દુ સમાજ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપે છે, પરંતુ સમાજના હિતના મુદ્દાઓ પર વધુ સંગઠિત બનીને કાર્ય કરવાની જરૂર છે.

હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રમુખ તૃપ્તિબહેન પટેલે હિન્દુ ફોરમ ઓફ બ્રિટન તથા વિવિધ હિન્દુ સંસ્થાઓ વચ્ચેના સહકારના મહત્વ પર ભાર મૂક્યો અને ઋગ્વેદના ‘સંગચ્છધ્વમ્’ મંત્રને અનુસરી સૌએ સાથે મળીને કાર્ય કરવાની પ્રેરણા આપી હતી.
યુકે સરકાર સાથે હિન્દુ ધર્મના લોકોની ભાવનાઓના સંકલનકર્તા, ઇસ્કોન સંસ્થાનના ટ્રસ્ટી અને અગ્રણી સમાજસેવક સંજયભાઈ ગઢવીએ સરકાર સાથે મજબૂત સંપર્ક, યોગ્ય પ્રતિનિધિત્વ અને બાળકોને ધર્મજ્ઞાન આપવા પર ભાર મૂક્યો હતો.
વન જૈન સંસ્થાના અગ્રણી મેહુલભાઈ સંઘરાજકાએ ધર્મના મૂળભૂત મૂલ્યો જેમ કે અહિંસા, કરુણા અને સહિષ્ણુતાને વૈશ્વિક સ્તરે પ્રસારિત કરીને યુવા પેઢીને સમુદાય સાથે જોડી રાખવા અંગે ભાવ વ્યક્ત કર્યા હતા.
એક્શન ફોર હાર્મની સંસ્થાના પ્રતિનિધિ નીતિનભાઈ પલાણે દ્વારા હિન્દુ સમુદાયને પોતાની સામાજિક અને રાજકીય ઓળખ મજબૂત કરવા માટે નિષ્ક્રિયતા છોડીને સક્રિય બનવા અંગે અસરકારક વિચાર વ્યક્ત કરાયા હતા.
હિન્દુ એજ્યુકેશન બોર્ડ (HEB) યુકેના ટ્રસ્ટી યોગેશભાઈ ભીડેએ જણાવ્યું કે, યુકેની શાળાઓમાં હિન્દુ ધર્મને અભ્યાસક્રમમાં પૂરતું સ્થાન મળતું નથી. તેમણે HEB દ્વારા અન્ય સંસ્થાઓ સાથે મળીને અભ્યાસક્રમ સુધારવા, સ્ટેન્ડીંગ એડવાઇઝરી કાઉન્સિલ ઓન રિલિજિયસ એજ્યુકેશન (SACRE)માં પ્રતિનિધિત્વ વધારવા તેમજ શિક્ષણસામગ્રી તૈયાર કરવાના પ્રયાસોની માહિતી આપી હતી.
સતીશભાઈ ચતવાણીએ હિન્દુ સમાજના હિત માટે સંપ્રદાય, સંસ્થા અને જ્ઞાતિના ભેદભાવથી ઉપર ઊઠીને એકતા સાધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ૐ સ્મશાનગૃહ પ્રકલ્પને સામૂહિક એકતાની સફળતા ગણાવતા ભવિષ્યમાં પણ કોઈપણ હિન્દુ સંસ્થા અથવા મંદિરને પડકાર આવે ત્યારે સમગ્ર સમાજે સાથે ઊભા રહેવાનો સંદેશ આપ્યો. તેમણે ૐ સ્મશાનગૃહના સંચાલન માટે સમિતિ રચાશે તેમજ તેની આવક સેવાકીય પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાશે તેવી માહિતી પણ આપી હતી.
બ્રહ્મકુમારીઝ આશ્રમના પ્રતિનિધિ સંત દીદીએ પણ અદભુત ભાવના પ્રગટ કરી સંત ભગવંત સાહેબજીના સાન્નિધ્ય અને હાર્મની માટેના પ્રયાસને ખૂબ વધાવ્યા.
ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીસના ડિરેક્ટર પૂ. શૌનક ઋષિજીએ વેદાંતના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાની જરૂરિયાત પર ભાર મૂકતાં જણાવ્યું કે સાચી સંવાદિતા ત્યારે જ શક્ય બને જ્યારે સમાજમાં ઉદારતા, નમ્રતા અને સર્વધર્મ પ્રત્યે સદભાવનો અભિગમ વિકસે. તેમણે હિન્દુ સમાજને પોતાના આચરણ દ્વારા સમાજ માટે આદર્શ બનવાની પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે આશીર્વચન આપતાં પ.પૂ. સંતભગવંત સાહેબજીએ જણાવ્યું કે, હિન્દુ હોવાનું ગર્વ હૈયે રાખી પ્રભુભક્તિને જીવનમાં પ્રાધાન્ય આપવું જોઈએ. હિન્દુ ધર્મના ગૌરવને જાળવવા માટે બાળકો અને યુવાનોમાં ધાર્મિક તથા સાંસ્કૃતિક સંસ્કારોનું સિંચન સૌથી અગત્યનું છે. તેમણે યોગીજી મહારાજના ‘સંપ, સુહૃદભાવ અને એકતા’ના સંદેશને યાદ કરાવતા સૌને હળીમળીને સમાજહિતના કાર્યોમાં જોડાવા પ્રેરિત કર્યા.
કાર્યક્રમની ટૂંકી સૂચના છતાં વિવિધ હિન્દુ સંસ્થાઓના વડાઓ, પ્રતિનિધિઓ અને હરિભક્તો સહિત આશરે ૩૦૦ જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં એકતા અને સંવાદિતાનો ભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. કાર્યક્રમનું સંચાલન કરતાં ભવિશાબહેને અંતે સૌનો અંતરથી આભાર પ્રગટ કર્યો.