સૌથી લાંબો સમય વડાપ્રધાન પદે રહેવાનો વિક્રમ હવે નરેન્દ્ર મોદીના નામે

સૌથી લાંબો સમય વડાપ્રધાન પદે ર...

ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી 9 જૂન - મંગળવારે દેશના એવા પ્રથમ વડાપ્રધાન બની ગયા છે કે જેઓ ચૂંટાયા બાદ સતત સૌથી લાંબો સમય સુધી આ પદ પર રહ્યા હોય. આ વિક્રમ અત્યાર સુધી દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નામે હતો. નેહરુનો 64 વર્ષ જૂનો વિક્રમ હવે નરેન્દ્ર મોદીના નામે થઈ ગયો છે.

નવી દિલ્હી: ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી 9 જૂન - મંગળવારે દેશના એવા પ્રથમ વડાપ્રધાન બની ગયા છે કે જેઓ ચૂંટાયા બાદ સતત સૌથી લાંબો સમય સુધી આ પદ પર રહ્યા હોય. આ વિક્રમ અત્યાર સુધી દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નામે હતો. નેહરુનો 64 વર્ષ જૂનો વિક્રમ હવે નરેન્દ્ર મોદીના નામે થઈ ગયો છે.
એનડીએ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોની 10 જૂન - બુધવારે મળનારી બેઠકમાં પ્રસ્તાવ પસાર કરીને વડાપ્રધાન મોદીને તેમની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન આપવામાં આવશે. આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન અને ટીડીપીના વડા એન. ચંદ્રબાબુ નાયડુ આ પ્રસ્તાવ રજૂ કરશે, જેનું અન્ય સાથી પક્ષોના નેતાઓ સમર્થન કરશે. પ્રસ્તાવમાં વડાપ્રધાન તરીકે મોદીની 12 વર્ષની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ હશે.
સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પહેલીવાર 13 મે 1952ના રોજ વડાપ્રધાનપદે ચૂંટાયા હતા. તેઓ સતત 4,397 દિવસ (12 વર્ષ 14 દિવસ) સુધી વડાપ્રધાનપદે રહ્યા. મોદીએ 9 જૂને તેમનો રેકોર્ડ તોડીને વડાપ્રધાનપદે 4,398 દિવસ (12 વર્ષ 15 દિવસ) પૂરા કર્યા છે.
જવાહરલાલ નેહરુ આમ તો 1947ની 15 ઓગસ્ટે વડાપ્રધાન બન્યા હતા પરંતુ ત્યારે તેઓ પ્રથમ લોકસભા ચૂંટણી સુધી વચગાળાની સરકારના વડા હતા, ચૂંટાયેલા વડાપ્રધાન નહીં. નેહરુ 27 મે 1964ના રોજ તેમના નિધન સુધી વડાપ્રધાન રહ્યા. તેમનો સમગ્ર કાર્યકાળ 6,130 દિવસનો થાય છે, જેમાં તેઓ વચગાળાની સરકારના વડા રહ્યા એ 1,733 દિવસો પણ સામેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે અન્ય ઐતિહાસિક સિદ્ધિઓ પણ નોંધાઇ ચૂકી છે. તેઓ સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાનપદે રહેલા પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન પણ છે. ચૂંટાયેલી સરકારોના વડા તરીકે સૌથી લાંબા કાર્યકાળનો રેકોર્ડ પણ તેમના નામે છે. તેમણે 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યપ્રધાનપદે શપથ લીધા હતા ત્યારથી તેઓ સરકારના વડા તરીકે કાર્યરત છે.
સૌથી લાંબો સત્તાકાળ ધરાવતા
બિન-કોંગ્રેસી વડાપ્રધાન
એમ તો દેશમાં સૌથી વધુ સમય સુધી કોંગ્રેસે જ સત્તા ભોગવી છે. હા, કટોકટી બાદ દેશમાં પહેલી વખત જનતા પક્ષનું શાસન સ્થપાયું હતું. તો એ પછી અટલ બિહારી વાજપેયીની સરકાર પણ નેવુંના દાયકામાં રચાઈ હતી. જોકે જનતા પક્ષનું શાસન માંડ અઢી વર્ષ ચાલ્યું હતું, તો એ પછી વાજપેયીએ પહેલી વખત પાંચ વર્ષ સુધીની સત્તા સંભાળનારા બિન-કોંગ્રેસી વડાપ્રધાન તરીકે વિક્રમ રચ્યો હતો. વાજયેપીનો સૌથી વધુ સત્તા સંભાળવાનો બિન-કોંગ્રેસી વડાપ્રધાન તરીકેનો વિક્રમ પણ મોદી અગાઉ તોડી ચૂક્યા છે. વધુમાં, તેઓ 2014 અને 2019 માં સતત બે ટર્મ સંસદમાં સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા છે. જ્યારે ભાજપે એકલા હાથે 272નો બહુમતી આંકડો વટાવી દીધો હતો, ત્યારે એનડીએનો આંકડો 300 થી થોડો વધારે હતો.
સરકારના વડા તરીકે
સૌથી લાંબો કાર્યકાળ
ભારતના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સત્તા સંભાળવાનો વિક્રમ નરેન્દ્ર મોદીએ 22 માર્ચ 2026ના દિવસે રચ્યો હતો. આ સાથે જ તેમણે સિક્કિમના ભુતપૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ દ્વારા સતત સૌથી લાંબા સમય સુધી કાર્યકાળ માટે સત્તા સંભાળવાનો 8,930 દિવસનો રેકોર્ડને તોડયો હતો. હવે દેશમાં સૌથી લાંબા સમય સુધી રાજ્ય અને કેન્દ્રમાં સતત સત્તા સંભાળાવાનો વિક્રમ નરેન્દ્ર મોદીના નામે છે. મોદીએ 15 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને 12 વર્ષ સુધી સતત વડા પ્રધાન તરીકે સત્તા સંભાળી છે. ગુજરાતમાં પણ ઓક્ટોબર 2001થી મે 2014 સુધી સૌથી લાંબો સત્તાકાળ સંભાળનાર મુખ્યમંત્રીનો વિક્રમ તેમના નામે છે.
અવિરત આગેકૂચ
એક સમયે સક્રિય રાજકારણથી દૂર રહીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે કાર્યરત નરેન્દ્ર મોદીનું નસીબ પલટાયું 2001માં. ગુજરાતમાં વિનાશક ભૂકંપ વેળા ભાજપના નેતૃત્વે તત્કાલીન મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને હટાવીને તેમના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન સોંપવાનો નિર્ણય કર્યો. મોદીએ ઓક્ટોબર 2001માં સત્તાના રાજકારણમાં પ્રવેશ કર્યો પછી તેમનો વિજયરથ અવિરત આગળ વધ્યો છે. મુખ્યમંત્રી બન્યા બાદ રાજકોટ બેઠક જીત્યા બાદ આજ સુધી એકેય ચૂંટણી હાર્યા નથી.
સતત ત્રણ લોકસભા ચૂંટણીમાં વિજય
લોકસભાની સતત ત્રણ સામાન્ય ચૂંટણીમાં વિજય મેળવવાની સિદ્ધિ જવાહરલાલ નેહરુના નામે હતી. પરંતુ 2024 માં લોકસભાની સતત ત્રીજી સામાન્ય ચૂંટણી જીતી મોદીએ જવાહરલાલ નેહરુના વિક્રમની બરોબરી કરી છે. નેહરુ બાદ મોદી પ્રથમ નેતા છે જેઓ સળંગ ત્રણ વખત લોકસભા ચૂંટણી જીતવાની સિદ્ધિ મેળવી છે.

સૌથી લાંબો સમય વડાપ્રધાન પદે ર...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.