14-15ઓગસ્ટ, 1947ની રાત્રિ: ગુલામીની બેડીમાંથી આઝાદ થતાં ભારતની પ્રથમ સવાર કેવી હતી?

દેશ-વિદેશમાં વસતાં ભારતીય સમુદાયમાં દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો ઉમંગ-ઉલ્લાસ છવાયો છે. આજે આપણે સ્વતંત્ર દેશમાં - મુક્ત લોકતંત્રમાં શ્વાસ લઈ રહ્યા છીએ. અઢીસો વર્ષની ગુલામી બાદ આપણને મહામૂલી આઝાદી મળી છે. ત્યારે આજથી 80 વર્ષ પહેલાં સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાથી લઇને સ્વતંત્રતા દિવસની પરોઢ સુધીનાં માહોલ પર પણ એક નજર કરવા જેવી છે.
દેશ-વિદેશમાં વસતાં ભારતીય સમુદાયમાં દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો ઉમંગ-ઉલ્લાસ છવાયો છે. આજે આપણે સ્વતંત્ર દેશમાં - મુક્ત લોકતંત્રમાં શ્વાસ લઈ રહ્યા છીએ. અઢીસો વર્ષની ગુલામી બાદ આપણને મહામૂલી આઝાદી મળી છે. ત્યારે આજથી 80 વર્ષ પહેલાં સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાથી લઇને સ્વતંત્રતા દિવસની પરોઢ સુધીનાં માહોલ પર પણ એક નજર કરવા જેવી છે.
આઝાદીની પહેલી સવાર કેવી હતી?
લોકોએ દિલ્હીની ઈમારતો પર પહેલીવાર આન-બાન-શાનથી તિરંગો લહેરાતો જોયો હશે તે વેળા કેવી ધન્યતા અનુભવી હશે. દિલ્હીવાસીઓથી લઇને દેશભરમાંથી ઉમટેલા લાખો લોકોએ એ ઐતિહાસિક પળોની નજરે નિહાળીને કેવો રોમાંચ અનુભવ્યો હશે તે તેની કલ્પના જ કરવી રહી. દેશભરમાંથી - ચોમેર દિશાએથી માનવમહેરામણ એક જ દિશામાં - દિલ્હી ભણી વહી રહ્યો હતો. ઘોડાગાડીઓ, બળદગાડાઓ, ટ્રકો અને કારમાં બેસીને દિલ્હી તરફ કૂચ થઈ રહી તો ખીચોખીચ ભરાયેલી ટ્રેનો અને બસો દિલ્હીમાં ઠલવાઇ રહી હતી. જેમને અંદર જગ્યા નહોતી મળી તેઓ બસ અને ટ્રેનની છત પર પણ બેસીને પ્રવાસ કરી રહ્યા હતા. લોકોનાં મતે આઝાદી મળી એટલે બસ અને ટ્રેનોમાં ટિકિટ નહીં લેવાની. કેટલાંક લોકો તો પગપાળા અને સાઈકલ પર પણ પહોંચ્યા. અરે, ત્યાં સુધી કે લોકો ઘોડા પર બેસીને પણ આવ્યા. ઘરના આંગણે માંગલિક અવસર હોય તેમ પુરુષોએ નવી પાઘડી પહેરી, તો સ્ત્રીઓએ નવી સાડી પહેરી. બાળકો મા-બાપનાં ખભે લટકીને પણ આવ્યા. એ જમાનામાં રેડિયો અને અખબારો સિવાય સંદેશવ્યવહારનાં કોઈ માધ્યમ ન હોવાથી લોકો સુધી સમાચાર મોડાં પહોંચતા હતા. લોકો એકબીજાને કહેતાંઃ અંગ્રેજો જઈ રહ્યા છે. કાલે નહેરુજી દેશનો ઝંડો લહેરાવશે...
જેમ જેમ સાંજ થવા માંડી તેમ તેમ સંસદનાં હોલમાં ચહલપહલ ચરમસીમાએ પહોંચવા માંડી. એ સમયે સંસદ ભવનનો સેન્ટ્રલ હોલ જ કોન્સ્ટિટ્યૂશનલ હોલ હતો. ભારતીય બંધારણ સભાનાં સભ્યો ઐતિહાસિક બેઠક માટે એકઠાં થઈ રહ્યા હતા. બહાર વરસાદ પડતો હતો. રાત્રે 11 વાગ્યે બેઠક શરૂ થઈ. નેતાઓએ પોતાનાં વિચારો રજૂ કર્યો. પણ આખો દેશ તો 12 વાગ્યાની રાહ જોઈ રહ્યો હતો. બારના ટકોરે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ બંધારણીય સભા સમક્ષ પોતાનું ઐતિહાસિક ભાષણ આપ્યું. ‘ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની’ તરીકે જગવિખ્યાત થયેલા આ સંબોધનમાં તેમણે કહ્યુંઃ વર્ષો પહેલાં આપણે નિયતીને એક વાયદો કર્યો હતો અને હવે એ સમય આવી ગયો છે. જ્યારે આપણે એ વાયદાને સંપૂર્ણપણે નહીં પણ મહદ્ અંશે પૂરો કરીશું. આ સમારોહમાં બ્રિટિશ સરકારે ભારતનાં પ્રતિનિધિઓને ઔપચારિક રીતે સત્તાના સૂત્રો સોંપ્યા. સત્તા હસ્તાંતરણનાં પ્રતિક તરીકે પંડિત નેહરુએ લોર્ડ માઉન્ટબેટન પાસેથી સેંગોલ ગ્રહણ કર્યો.
પ્રસિદ્ધ લેખક રાજેન્દ્રલાલ હાંડાએ પોતાનાં પુસ્તક ‘દિલ્હી મેં દસ વર્ષ’માં 1940થી 1950 સુધીનાં દાયકામાં દિલ્હીનું જીવન, સત્તાની પરસાળોમાં થઈ રહેલાં પરિવર્તન અને સામાજિક-આર્થિક પાસાં પર વિગતવાર લખ્યું છે. 14 ઓગસ્ટની રાત્રિએ નજરે જોયેલાં દ્રશ્યોનું વર્ણન કરતાં તેમણે સંસદ બહારની ભીડ અને લોકોનાં ઉત્સાહનું સવિસ્તર વર્ણન કર્યું છે.
રાજેન્દ્રલાલ હાંડા લખે છેઃ ‘14 ઓગસ્ટની રાત્રે સ્વતંત્ર ભારતનાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ બંધારણીય સભામાંથી નીકળીને વાઈસરોય ભવન તરફ ગવર્નર જનરલને આમંત્રિત કરવા ગયા. ઉત્સાહી દેશવાસીઓ તેમની પાછળ પાછળ ચાલ્યા જતા હતા. થોડી વાર બાદ નેહરુ ગવર્નર જનરલને સાથે લઈને ભવનમાં આવ્યા. એ સમયે લોકોનો જુસ્સો ચરમસીમા પર હતો. ભારતમાતાનો જયયજયકાર થઇ રહ્યો હતો. લુઈ માઉન્ટબેટન 14 ઓગસ્ટે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લઈને તરત ભારત પરત ફરવાના હતા. બંધારણ સભાએ તેમને વચગાળાના ગવર્નર-જનરલ તરીકે નિયુક્ત કર્યા. સંસદની બહાર પણ કમ્પાઉન્ડમાં, રસ્તાઓ પર, સચિવાલય સામેનાં વિશાળ મેદાનમાં પગ મુકવાની જગ્યા નહોતી. ભારતમાં ક્યારેય અડધી રાત્રે કોઈ જગ્યાએ બે-ત્રણ લાખ લોકોની ભીડ અગાઉ કયારેય એકઠી નહીં થઈ હોય.
લૂઈ માઉન્ટબેટનનાં પુત્રી પમેલા માઉન્ટબેટને 15 ઓગસ્ટ 1947નાં રોજની ડાયરીમાં નોંધ્યું છેઃ સંસદના હોલમાં સમારોહ બાદ તેઓ થોડાં સમય માટે બહાર નીકળી શક્યા નહતા. બહાર બહુ ભીડ હતી. નેહરુ સહિતનાં નેતાઓ મહામુશ્કેલીએ બહાર નીકળી શકયા.
રાજેન્દ્રલાલ હાંડા લખે છે કે દિલ્હીએ ભૂતકાળમાં અનેક પર્વ-ઉત્સવ જોયાં, મોટા મોટા ચક્રવર્તી સમ્રાટોનાં સમારોહ પણ જોયા છે, પરંતુ ઇતિહાસના તમામ મહોત્સવ અને જલસાઓ 14 અને 15 ઓગસ્ટનાં એ મહાન પર્વ સામે જાણે સાવ ફિક્કાં પડી ગયા. એ રાત્રે દિલ્હીમાં સ્વતંત્રતાનું અવતરણ થયું. બરાબર બારને ટકોરે 15 ઓગસ્ટે જન્મ લીધો અને લાખો લોકોને એવો આભાસ થયો જાણે ગંગાની જેમ સ્વર્ગમાંથી સ્વતંત્રતા ધરતી પર ઉતરી રહી હોય.
સુપ્રસિદ્ધ લેખકો દોમિનિક લેપિયર અને લેરી કોલિન્સ પોતાનાં પુસ્તક ‘ફીડમ એટ મિડનાઇટ’માં 14 ઓગસ્ટ, 1947નાં ઐતિહાસિક દિવસનું વર્ણન કરતા લખે છેઃ સૈનિક છાવણીઓ, સરકારી કાર્યાલયો, ખાનગી મકાનો પર ફરકાવાયેલા યુનિયન જેકને ઉતારવાનું શરૂ થઈ ગયું હતું. 14મી ઓગસ્ટે સૂર્યાસ્ત થયો ત્યારે યુનિયન જેકને ધ્વજા દંડ પરથી ઉતારી દેવાયો હતો જેથી તે ભારતીય ઇતિહાસમાં ભૂતકાળની ચીજ બની જાય, જે રૂમમાં બ્રિટિશ વાઇસરોયોની ભવ્ય ઓઈલ પેઇન્ટિંગ્સ લટકતી હતી ત્યાં તિરંગા લહેરાતા હતા. 14મી ઓગસ્ટે સવારથી જ આખું દિલ્હી ઘરની બહાર હતું. લોકોનાં ધાડા નાચતા કૂદતા ઇન્ડિયા ગેટ તરફ કૂચ કરી રહ્યા હતા. લોકો એકબીજાને અભિનંદન પાઠવી રહ્યા હતા અને મીઠાઈ ખવડાવી રહ્યા હતા. ‘જન ગણ મન...’ અને ‘વંદે માતરમ્...’ જેવા રાષ્ટ્રીય ગીતો ગુંજી રહ્યા હતા. સભા ભવનની બહાર અડધી રાત્રે આકાશમાં અચાનક વીજળી ચમકી અને આઝાદીનાં સ્વાગતમાં મેઘરાજા વરસી પડ્યા. લોકો મન મૂકીને પલળતાં રહ્યાં. નહેરુનાં શંખનાદે એક મોટા સામ્રાજ્યનાં અંત અને ભારત ભૂમિ પર એક નવા યુગનાં મંડાણની ઘોષણા કરી. નેહરુજી સુતરાઉ જોધપુરી કુર્તા, પાયજામામાં સજજ હતા, તો વલ્લભભાઈ પટેલ સફેદ ધોતીમાં પ્રવેશ્યા. રાત્રે ત્રણ વાગ્યા સુધી સમારોહ ચાલ્યો. કેટલાંક લોકો ઘરે પાછા જવા માંડયા તો ઘણાં લોકો મેદાનનાં ઘાસ અને ફૂટપાથ પર જ સૂઈ ગયા. હજારો વર્ષ જૂની દિલ્હીએ તેનાં ઇતિહાસમાં આટલો વિશાળ જનસમૂહ કયારેય જોયો નહતો.
તે સમયનાં અખબારો અને સરકારી અનુમાન પ્રમાણે ત્યાં ઓછામાં ઓછા 10 લાખ લોકો માણસો હાજર હતા. દિલ્હી ગેટથી લઇને કાશ્મીરી ગેટ સુધી અને જામા મસ્જિદથી લઇને લાલ કિલ્લા સુધી હકડેઠઠ ભીડ હતી. ભીડને વિસર્જિત થતાં જ ચાર કલાકથી વધુ સમય લાગ્યો હતો.
એક બાજુ દિલ્હીમાં આઝાદીની ખુશીનો માહોલ જરૂર હતો પણ સ્વતંત્રતાની લડાઈમાં જેમનો સિંહફાળો હતો તે મહાત્મા ગાંધીજી જ હાજર નહોતા. કોમી હિંસાથી વ્યથિત ગાંધીજી હિંસા રોકવા માટે પશ્ચિમ બંગાળનાં નોઆખલીમાં 24 કલાકનાં ઉપવાસ પર બેઠાં હતા. પંડિત નેહરુ અને સરદાર પટેલે ગાંધીજીને પત્ર લખીને જણાવેલું કે, ‘15 ઓગસ્ટે દેશનો પ્રથમ સ્વતંત્રતા દિવસ છે ત્યારે રાષ્ટ્રપિતા તરીકે તમે તેમાં હાજર રહી આશીર્વાદ આપો’. ગાંધીજીએ જવાબમાં પત્ર લખ્યોઃ ‘બંગાળમાં હિન્દુ મુસ્લિમ એક બીજાનો જીવ લઈ રહ્યા છે. ત્યારે ઉત્સવ મનાવવા હું કઈ રીતે આવું? હું હિંસા રોકવા મારો જીવ દઈ દઈશ.’
નહેરુએ 16 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો હતો
દર વર્ષે ભારતનાં વડાપ્રધાન સ્વતંત્રતા દિવસે દિલ્હીનાં લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે, પણ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ પ્રથમવાર રાષ્ટ્રધ્વજ લાલ કિલ્લા પર નહીં પણ ઇન્ડિયા ગેટ પાસેનાં પ્રિન્સેસ પાર્કમાં ફરકાવ્યો હતો.. અને બીજા દિવસે એટલે કે 16 ઓગસ્ટે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવીને ઐતિહાસિક ભાષણ આપ્યું.
