એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે ભારતીયોની વધતી ભુમિકા અંતર્ગત નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રી અનિલ મેનને પ્રથમ વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહાર નીકળી સાડા 6 કલાક સુધી સ્પેસ વોક કરી હતી. આ એક્સ્ટ્રા વ્હિક્યુલર એક્ટિવિટી દરમિયાન મેનન સાથે નાસાના અનુભવી અવકાશયાત્રી જેસિકા મેયર પણ જોડાયાં હતાં. 

નાસાના અવકાશયાત્રી અનિલ મેનનની સાડા છ કલાકની સ્પેસ વોક

વોશિંગ્ટનઃ અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે ભારતીયોની વધતી ભુમિકા અંતર્ગત નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રી અનિલ મેનને પ્રથમ વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહાર નીકળી સાડા 6 કલાક સુધી સ્પેસ વોક કરી હતી. આ એક્સ્ટ્રા વ્હિક્યુલર એક્ટિવિટી દરમિયાન મેનન સાથે નાસાના અનુભવી અવકાશયાત્રી જેસિકા મેયર પણ જોડાયાં હતાં. આ સ્પેસ વોકનો ઉદ્દેશ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની થ્રી બી પાવર પેનલ પર હાર્ડવેર ઇન્સ્ટોલ કરવાનો હતો જેથી આ વર્ષના અંતમાં સ્થાપિત થનારા અન્ય ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન રોલ આઉટ સોલર એરે માટે માર્ગ મોકળો થઇ શકે. અમેરિકામાં જન્મેલા મેનન ભારતીય પિતા અને યુક્રેનિયન માતાના સંતાન છે.

0000000000000000000000000000000000000000000000000000

પંજાબી મૂળની પલ્લવી મુખીજાના શિરે મિસીસ કેનેડા વર્લ્ડ 2026નો તાજ

વાનકુંવરઃ પંજાબના જલંધર જિલ્લાના ગોરાયા ગામની મૂળ નિવાસી અને હાલ કેનેડામાં સ્થાયી થયેલી પલ્લવી મુખીજાએ બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત બેલ પર્ફોર્મિંગ આર્ટ્સ સેન્ટર ખાતે આયોજિત રાષ્ટ્રીય સુંદરતા સ્પર્ધામાં મિસીસ કેનેડા વર્લ્ડ 2026નો ખિતાબ જીતી લીધો છે. કેનેડાભરમાંથી આવેલી આશરે 60 જેટલી સ્પર્ધકો વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં પલ્લવીએ આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ, લાવણ્ય અને સ્ટેજ પ્રેઝન્સ જેવા વિવિધ રાઉન્ડ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને આ સિદ્ધિ હાસિલ કરી છે પલ્લવીએ જણાવ્યું હતું કે, આ તાજ માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ એક હેતુપૂર્ણ મંચ છે. હું આ માધ્યમથી સાર્થક પ્રભાવ પાડીને મારા હૃદયની નજીકના સામાજિક કાર્ય માટે અવાજ ઉઠાવવાની આશા રાખું છું.

0000000000000000000000000000000000000000000000000000

અમેરિકાના એરિઝોનામાં ગર્લફ્રેન્ડની હત્યાના કેસમાં ભારતીય વિદ્યાર્થીની જર્મનીથી ધરપકડ

ટક્સનઃ અમેરિકાના એરિઝોના સ્ટેટના ટક્સન શહેરમાં 19 વર્ષીય ગર્લફ્રેન્ડ જુલિસા રુબી સાલાઝારની કથિત રીતે હત્યા કરવા બદલ 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થી વરુણ બેચિગારીની જર્મનીથી અટકાયત કરવામાં આવી છે. યુનિવર્સિટી ઓફ એરિઝોનાના બિઝનેસ એનાલિટિક્સના વિદ્યાર્થી વરુણ બેચિગારીએ 6 ઓગસ્ટના રોજ સાલાઝારની હત્યા કર્યા બાદ તેનો સેલફોન અને ક્રેડિટ કાર્ડ્સ ચોરી લીધા હતા. હત્યા બાદ આરોપી ભારત ભાગી જવાના ઈરાદાથી ટક્સન ઈન્ટરનેશનલ એરપોર્ટથી જર્મની પહોંચ્યો હતો. જોકે, પોલીસ અને બર્લિન સ્થિત એફબીઆઈના સંકલનને કારણે આરોપી ભારત જવા કનેક્ટિંગ ફ્લાઈટ પકડે તે પહેલાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી.

0000000000000000000000000000000000000000000000000000

કેલિફોર્નિયામાં પટિયાલાના યુવા ટ્રક ડ્રાઇવરની ગોળી મારીને હત્યા

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં પટિયાલાના 24 વર્ષીય પંજાબી યુવક ખુશકરણદીપ સિંહની અજ્ઞાત હુમલાખોરો દ્વારા ગોળી મારીને કથિત રીતે હત્યા કરાઇ હતી. ખુશકરણદીપ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા આશરે પાંચ વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો અને કેલિફોર્નિયામાં ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. પરિવારની ફરિયાદને આધારે સ્થાનિક પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન જંગલ વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ભારતમાં રહેતા તેના પિતા બલવિંદર સિંહે ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને હસ્તક્ષેપ કરી પુત્રના પાર્થિવ દેહને વહેલી તકે વતન લાવવા અપીલ કરી છે, જેથી અંતિમ સંસ્કાર કરી શકાય. ઉત્તર અમેરિકાના પંજાબી સમુદાયે પરિવારને આર્થિક અને કાનૂની મદદ માટે ભંડોળ એકઠું કરવાની ઝુંબેશ શરૂ કરી છે.

0000000000000000000000000000000000000000000000000000

કેલિફોર્નિયામાં પીએચડી કરી રહેલો ભારતીય મૂળનો વિદ્યાર્થી મૃત મળી આવ્યો

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરતા સાન્તા બાર્બરામાં રહેતા ભારતીય મૂળનો વિદ્યાર્થી મૃત હાલતમાં મળી આવ્યો હતો. કેમિકલ એન્જિયનિરિંગમાં ડોક્ટરેટ કરી રહેલો વિક્રમ મુબાઇ વીકએન્ડ દરમિયાન બિગ પાઇન લેક્સ વિસ્તારમાં એકલો ટ્રેકિંગ માટે ગયો હતો. ત્યાં તે ગૂમ થયાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. ત્યારબાદ ઇન્યો નેશનલ ફોરેસ્ટ વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ આ મામલામાં વધુ તપાસ ચલાવી રહી છે.

0000000000000000000000000000000000000000000000000000

ફેક રોબરીનો આરોપી રજની પટેલ ફરાર થતાં ધરપકડ વોરંટ જારી કરાયું

શિકાગોઃ શિકાગો અને તેના પરા વિસ્તારોમાં યુ વિઝા માટે ફેક રોબરીના આરોપોનો સામનો કરી રહેલો રજની પટેલ ગાયબ થઇ જતાં તેની સામે ધરપકડ વોરંટ જારી કરાયું છે. ફ્લોરિડાનો રહેવાસી એવો રજની પટેલ શિકાગોમાં કોર્ટની સુનાવણી દરમિયાન ત્રીજા દિવસે ગેરહાજર રહેતાં તેને ભાગેડૂ જાહેર કરાયો છે. રજની પટેલના વકીલે પણ હાથ ઊંચા કરી દેતાં કોર્ટને જણાવ્યું હતું કે, તેનો પોતાના ક્લાયન્ટ સાથે કોઇ સંપર્ક નથી. પોલીસે રજની પટેલના નિવાસસ્થાને તપાસ કરતાં ત્યાં પણ કોઇ મળી આવ્યું નહોતું. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, રજની પટેલની કાર ઇન્ડિયાના, ટેનેસ્સી અને અલાબામામાંથી પસાર થઇ હતી.

0000000000000000000000000000000000000000000000000000

સાઉથ કેરોલિનામાં દારૂ પી કાર ચલાવી રહેલા વિશાંક પટેલ પર દેશનિકાલનો ખતરો

સાઉથ કેરોલિનાઃ અમેરિકાના સાઉથ કેરોલિનામાં દારૂ પીને કાર ચલાવી રહેલા ગુજરાતીને પોલીસે ધરપકડ કરી આઇસને સોંપી દેતા તેના પર દેશનિકાલની તલવાર તોળાઇ રહી છે. યોર્ક કાઉન્ટીમાંથી ઝડાપાયેલા વિશાંક પટેલને હાલ 2,262 ડોલરના બોન્ડ પર મૂકાયો છે. વિશાંક સામે હવે ઇમિગ્રેશનના સંદર્ભમાં તપાસ શરૂ કરાઇ છે.

0000000000000000000000000000000000000000000000000000

ટેક્સ ચોરીના અપરાધી ભારતીય અમેરિકન ડોક્ટરે ટ્રમ્પની પાર્ટીને 1 મિલિયન ડોલરનું ડોનેશન આપ્યું હતું

ન્યૂયોર્કઃ લાખો ડોલરની ટેક્સ ચોરીના કેસમાં બે વર્ષ જેલમાં વીતાવનાર ભારતીય મૂળના અમેરિકન ડોક્ટર ક્રિશ્ના ત્રિપુરાનેનીએ ટ્રમ્પની પાર્ટીને 1 મિલિયન ડોલરનું ડોનેશન આપ્યું હોવાનો ખુલાસો થયો છે. ત્રિપુરાનેનીએ પોતાની આવક 18 મિલિયન ડોલર ઓછી બતાવીને કર ચોરી કરી હતી. જેલની સજા ભોગવ્યા બાદ હવે તેઓ પ્રેસિડેન્ટ પાર્ડન માટે પ્રયાસ કરી રહ્યા છે. આ કારણે જ તેમણે રિપબલ્કિન પાર્ટીને આપેલ ડોનેશન શંકાની નજરે જોવાઇ રહ્યું છે.

0000000000000000000000000000000000000000000000000000

સર્જનોને લાંચ આપવાના કેસમાં ભારતીય મૂળના CFOને ચાર મહિનાની જેલ અને દંડ

વોશિંગ્ટનઃ સ્પાઇનલ ઇમ્પ્લાન્ટ બનાવતી એક કંપનીના ભારતીય મૂળના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO)ને બોગસ કન્સલ્ટિંગ ફીના નામે સર્જનોને લાંચ આપી કંપનીની પ્રોડક્ટ્સ વાપરવા માટે પ્રોત્સાહિત કરવા બદલ યુએસ ફેડરલ કોર્ટે ચાર મહિનાની જેલની સજા સંભળાવી છે. કેમ્બ્રિજના રહેવાસી 41 વર્ષીય આદિત્ય હુમાડને જેલની સજા પૂર્ણ થયા બાદ એક વર્ષ માટે સુપરવાઇઝ્ડ રિલીઝ હેઠળ રહેવું પડશે અને 9,500 યુએસ ડોલરનો દંડ ભરવો પડશે. તેમણે અગાઉ એન્ટી-કિકબેક કાયદાના ભંગના કાવતરાના એક કેસમાં પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.માસાચુસેટ્સ ડિસ્ટ્રિક્ટના યુએસ અટોર્ની ઓફિસના નિવેદન અનુસાર, હુમાડે સર્જનો દ્વારા ન કરાયેલા કામ માટે બોગસ કન્સલ્ટિંગ ફીના નામે 5,40,000 યુએસ ડોલરથી વધુની લાંચ આપવાનું કાવતરું રચ્યું હતું.

0000000000000000000000000000000000000000000000000000

ઓહાયોમાં ભારતીય સોફ્ટવેર એન્જિનિયર દિલીપ બુંગાટાબુલાનું માર્ગ અકસ્માતમાં મોત

ઓહાયોઃ અમેરિકાના ઓહાયોમાં એક ગોઝારી માર્ગ દુર્ઘટનામાં આંધ્રપ્રદેશના 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર દિલીપ કુમાર બુંગાટાબુલાનું કરૂણ મોત નીપજ્યું છે. વિપરીત દિશામાંથી પુરપાટ ઝડપે આવી રહેલા એક પિકઅપ ટ્રકે ડિવાઈડર કૂદીને તેમની કારને સામેથી જોરદાર ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે દિલીપ કુમારનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા છે, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૂળ આંધ્રપ્રદેશના કડપાઈ જિલ્લાના જેટ્ટીવારીપલ્લી ગામના વતની દિલીપ કુમાર ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા ગયા હતા, જ્યાં તેમણે 2025માં કસાન્ટ સ્ટેટ યુનિવર્સિટીમાંથી એમ.એસ.ની ડિગ્રી પૂર્ણ કરી હતી અને તાજેતરમાં જ એક સોફ્ટવેર કંપનીમાં નોકરી શરૂ કરી હતી.

0000000000000000000000000000000000000000000000000000

કેનેડાના આલ્બર્ટામાં અકસ્માત, ઇન્ડો કેનેડિયન જેલ અધિકારીનું મોત

આલ્બર્ટાઃ કેનેડાના આલ્બર્ટામાં કેદીને લઇ જઇ રહેલા વાહન સાથે સર્જાયેલા અકસ્માતમાં 25 વર્ષીય ઇન્ડો કેનેડિયન જેલ અધિકારી રમનદીપ કૌર સહિત 3 લોકોના મોત થયાં હતાં. તેમની મિનીવેન એક ટ્રક સાથે અથડાતા આ હોનારત સર્જાઈ હતી. જેમાં એડમન્ટન ઇન્સ્ટિટ્યુશન ફોર વિમેન સાથે સંકળાયેલા નિકોલે સર્બાન, કેદી કિયારા મૂસવાનું સ્થળ પર જ મોત થયું હતું. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ઊંડો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કરેક્શનલ ઓફિસર્સ સમુદાયો અને કેનેડિયનોની સુરક્ષા જવાબદારી સાથે કરતા હોય છે. આ દુર્ઘટનામાં બે અધિકારીઓએ તેમના પ્રાણ ગુમાવ્યા છે જે અત્યંત દુઃખદ છે.

0000000000000000000000000000000000000000000000000000

કેનેડાના વોનમાં 19 વર્ષીય ભારતીય પર સગીરાની જાતીય સતામણીનો આરોપ

ટોરન્ટોઃ ઓન્ટારિયોના વોન સ્થિત એક એમ્યુઝમેન્ટ પાર્કમાં નોકરી કરતા 19 વર્ષના ઇન્ડો કેનેડિયન યુવક જુગદ ધામી પર સગીરાની જાતીય સતામણી કરવાનો આરોપ મૂકાયો છે. યોર્ક રિજિયોનલ પોલીસના જણાવ્યા અનુસાર, પાર્કમાં રાઇડ બોર્ડિંગ વખતે સેફ્ટી ચેકિંગ દરમિયાન ઓપરેટરે આ કૃત્ય આચર્યું હતું. આ મામલે સ્પેશિયલ વિક્ટિમ્સ યુનિટ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય શક્ય પીડિતો સામે આવે તે માટે આરોપીનો ફોટો પણ જાહેર કરવામાં આવ્યો છે.

0000000000000000000000000000000000000000000000000000

ભારતમાં કરોડોની છેતરપિંડી કરનાર પૂણેના દંપતીને યુએઇમાંથી દેશનિકાલ કરાયું

દુબઇઃ એપીએસ વેલ્થ વેન્ચર્સ મલ્ટી-કરોડ ફ્રોડ કેસમાં વોન્ટેડ બે ફરાર આરોપીઓની સંયુક્ત આરબ અમીરાતથી દેશનિકાલ કરાયા બાદ પુણે સિટી પોલીસે અટકાયત કરી છે. સીબીઆઇના જણાવ્યા અનુસાર,  વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સંયુક્ત પ્રયાસથી અવિનાશ રાઠોડ અને તેની પત્ની વિશાખા રાઠોડના દેશનિકાલની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ દંપતી પર માર્ચ 2018 થી 2023 દરમિયાન રોકાણકારોને 5 ટકા પ્રોફિટ અને દર મહિને રોકાણ કરેલી રકમના વધારાના 5 ટકા રિટર્ન આપવાની આકર્ષક સ્કીમો બતાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. વિશ્વાસ જીતવા માટે તેઓ શરૂઆતમાં વ્યાજ આપતા હતા અને પોસ્ટ-ડેટેડ ચેક પણ આપતા હતા.

0000000000000000000000000000000000000000000000000000

દુબઇના કાર શો રૂમમાં વિસ્ફોટ થતાં કેરળના શિજિન પોલનું મોત

દુબઇઃ દુબઇના એક કાર શો રૂમમાં થયેલા ગેસ સિલિન્ડર વિસ્ફોટમાં કેરળના 27 વર્ષીય શિજિન પોલનું મોત થયું હતું. શેખ ઝાયેદ રોડ પર આવેલા કાર શો રૂમમાં થયેલા વિસ્ફોટમાં અન્ય પાંચને ઇજા પહોંચી હતી. દુબઇ સ્થિત ભારતીય દૂતાવાસ પીડિતના પરિવારના સંપર્કમાં રહી પોલના મૃતદેહને ભારત પરત મોકલવામાં મદદ કરી રહ્યું છે. પોલ ટૂંકસમયમાં ભારતની મુલાકાત લઇ લગ્ન કરવાનો હતો અને પત્નીને દુબઇ લાવવાની યોજના બનાવી રહ્યો હતો.

0000000000000000000000000000000000000000000000000000

એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.