કાર વોશ અને વેપ શોપ્સ હજુ પણ કુશળ વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરી શકે
વિઝા નિયમો વધુ સખત કરવામાં આવ્યા હોવા છતાં મિની-માર્ટ, વેપ શોપ્સ અને કાર વોશ સહિતના 1900થી વધુ નાના વ્યવસાયો હજુ પણ વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરવા માટે લાયસન્સ ધરાવે છે.
લંડનઃ વિઝા નિયમો વધુ સખત કરવામાં આવ્યા હોવા છતાં મિની-માર્ટ, વેપ શોપ્સ અને કાર વોશ સહિતના 1900થી વધુ નાના વ્યવસાયો હજુ પણ વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરવા માટે લાયસન્સ ધરાવે છે.
હોમ ઓફિસની આ યોજના નોંધાયેલા એમ્પ્લોયરોને ચોક્કસ કૌશલ્ય સ્તર ધરાવતા વિદેશી કામદારોની ભરતી કરવાની મંજૂરી આપે છે. જુલાઈ 2025માં આ યોજનાના નિયમો વધુ કડક બનાવીને તેને મુખ્યત્વે ગ્રેજ્યુએટ-સ્તરના કર્મચારીઓ સુધી સીમિત કરવામાં આવ્યા હતા, જેમના માટે વાર્ષિક ઓછામાં ઓછો 41,700 પાઉન્ડનો પગાર નક્કી કરાયો હતો.
1500થી વધુ કરિયાણા અને કન્વિનિયન્સ સ્ટોર્સ, 150 ટેક્સી ઓપરેટરો, 100 બાર્બર શોપ્સ અને ડઝનબંધ કાર વોશ તથા વેપ શોપ્સ હજુ પણ રજિસ્ટર પર છે અને લોકો માટે વિઝા મેળવવાની પ્રક્રિયામાં સ્પોન્સરશિપ આપી શકે છે. નિયમો કડક થયા બાદ પણ આ યાદીમાં 100થી વધુ નવી કંપનીઓ ઉમેરવામાં આવી હતી.
આ અંગે હોમ સેક્રેટરી શબાના મહમૂદે સિસ્ટમના સંભવિત દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. હોમ ઓફિસે સ્પષ્ટતા કરી છે કે જે વ્યવસાયો સિસ્ટમનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરશે તેમના લાયસન્સ રદ કરવામાં આવશે.
