ગયા વર્ષે હેરોમાં ફટાકડાના બેફામ દુરુપયોગ બાદ આકરા નિયંત્રણોની તૈયારી
સરકાર ફટાકડા અને આતશબાજીના નિયમો વધુ સખત બનાવવાની દિશામાં કામ કરી રહી છે જેથી કરીને વધુ જોખમી ઉત્પાદનો અને તેમના જાહેર દુરુપયોગ પર અંકુશ મેળવી શકાય.
લંડનઃ સરકાર ફટાકડા અને આતશબાજીના નિયમો વધુ સખત બનાવવાની દિશામાં કામ કરી રહી છે જેથી કરીને વધુ જોખમી ઉત્પાદનો અને તેમના જાહેર દુરુપયોગ પર અંકુશ મેળવી શકાય. હેરોમાં ગયા વર્ષે ફટાકડાના બેફામ ઉપયોગની સૌથી વધુ ઘટનાઓ સામે આવી હતી, જેમાં સ્થાનિક કાઉન્સિલને 300થી વધુ ફરિયાદ મળી હતી. સરકારે ફટાકડાના વેચાણ અને ઉપયોગ અંગે જાહેર જનતાનો અભિપ્રાય મેળવવા માટે રાષ્ટ્રીય સ્તરે પબ્લિક કન્સલ્ટેશન શરૂ કર્યું છે જે 7 ઓક્ટોબર સુધી ચાલશે.
રોક્સબરો રેસિડન્ટ્સ એસોસિએશનના સમિતિ સભ્ય બ્રાન્ડન ટોએ 2025ના વર્ષને હેરોમાં ફટાકડાના દુરુપયોગ માટેનું સૌથી ખરાબ વર્ષ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સળગતા ફટાકડા વાહનો તરફ ફેંકવા અને બહુમાળી ઇમારતોની બારીઓ સામે સીધા રોકેટ તથા બોમ્બ ફોડવાની ઘટનાઓ બની હતી. સ્થાનિક સત્તામંડળે સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે 100 પાઉન્ડ સુધીના દંડ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.
કયા નિયમો પર વિચારણા
- વધુ અવાજ ધરાવતા ફટાકડાઓની ઉપલબ્ધતા પર મર્યાદા મૂકવી.
- અતિ જોખમી ફટાકડાના ઉત્પાદનોને પ્રતિબંધિત સૂચિમાં ઉમેરવા.
- ઓછા જોખમી ગણાતા ફટાકડાઓના નિયમોની ફરીથી સમીક્ષા કરવી.
