જેન-ઝી અમારી પેઢી કરતાં વધુ ઈમાનદાર, દેશભક્તઃ ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ ડો. મોહન ભાગવતે કહ્યું કે, લોકશાહીમાં વિરોધ પ્રદર્શન પણ સંવાદની એક રીત છે. આનો ઉદ્દેશ્ય સંમતિ સાધવાનો હોવો જોઈએ, નહીં કે વિભાજન પેદા કરવાનો.
મુંબઈઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ ડો. મોહન ભાગવતે કહ્યું કે, લોકશાહીમાં વિરોધ પ્રદર્શન પણ સંવાદની એક રીત છે. આનો ઉદ્દેશ્ય સંમતિ સાધવાનો હોવો જોઈએ, નહીં કે વિભાજન પેદા કરવાનો.
મુંબઈમાં ગુરુવારે એક કાર્યક્રમમાં જેન-ઝી અને જેન-આલ્ફાના આશરે 2,000 યુવાનોને સંબોધિત કરતાં ભાગવતે આ વાત કહી હતી. તાજેતરમાં દેશમાં થયેલા આંદોલન સાથે જોડાયેલા પ્રશ્ન પર તેમણે કહ્યું કે, જ્યારે સંવાદના માધ્યમથી લોકોની ચિંતાઓ પર ધ્યાન આપવામાં નથી આવતું, ત્યારે લોકો આંદોલન કરી શકે છે. જેન-ઝીની ફરિયાદો વાસ્તવિક છે. મને તેમની પ્રામાણિકતા પર વિશ્વાસ છે. ભાગવતે શિક્ષણ પર જીડીપીના 6 ટકા ખર્ચ કરવાની માગનું સમર્થન કરતાં કહ્યું કે, શિક્ષણ કોઈ વ્યવસાય નથી. તેની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે તે દરેકને સરળતાથી ઉપલબ્ધ બને.
RSSની વિચારસરણી અકબંધઃ થરુર
મોહન ભાગવતના આ નિવેદન અંગે શશિ થરુરે કહ્યું કે, અલગ વિચારધારા વાળા લોકો સાથે પણ વાતચીત જરૂરી છે. જે લોકો ઈચ્છે છે કે મને પાર્ટી (કોંગ્રેસ) માંથી કાઢી મૂકવામાં આવે, કારણ કે હું તે મંચ પર ગયો હતો જ્યાં મોહન ભાગવત પણ ઉપસ્થિત હતા. તેઓ એ નથી સમજતા કે અલગ વિચારસરણી ધરાવતા લોકો સાથે પણ વાતચીત કરી શકાય છે. હું મારા પક્ષમાં પણ કહેતો રહ્યો છું કે, માર્ગનું કામ માર્ગ પર અને ગૃહનું કામ ગૃહમાં થવું જોઈએ.
