નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડના બોર્ડમાં સુંદર કાટવાલાની નિમણુંક
ભારતીય મૂળના લેખક સુંદર કાટવાલાની યુકેમાં ચેરિટી અને સામુદાયિક જૂથોને ગ્રાન્ટ આપતી અગ્રણી સંસ્થા નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડના બોર્ડમાં નિમણૂક કરવામાં આવી છે. 52 વર્ષીય કાટવાલાએ આ સપ્તાહે પોતાનો ચાર વર્ષનો કાર્યકાળ શરૂ કર્યો છે.
લંડનઃ ભારતીય મૂળના લેખક સુંદર કાટવાલાની યુકેમાં ચેરિટી અને સામુદાયિક જૂથોને ગ્રાન્ટ આપતી અગ્રણી સંસ્થા નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડના બોર્ડમાં નિમણૂક કરવામાં આવી છે. 52 વર્ષીય કાટવાલાએ આ સપ્તાહે પોતાનો ચાર વર્ષનો કાર્યકાળ શરૂ કર્યો છે. તેઓ અધ્યક્ષ ડેમ જુબિલિયા ક્લેવરડન અને બોર્ડના અન્ય સભ્યો સાથે મળીને સંસ્થાની વ્યૂહરચના, કામગીરી અને અમલીકરણ પર કાર્ય કરશે.
સુંદર કાટવાલા ઇમિગ્રેશન અને સામાજિક એકતા પર કામ કરતી એક સ્વતંત્ર અને બિન-રાજકીય થિંક ટેંક તથા ચેરિટી સંસ્થા બ્રિટિશ ફ્યુચરના ડાયરેક્ટર છે. તેઓ હાઉ ટુ બી અ પેટ્રિઓટ પુસ્તકના લેખક છે અને તેમણે યુકેમાં ઇમિગ્રેશન અને સામાજિક એકતા પર બહોળું લેખન કર્યું છે. મે 2026થી તેઓ ઇક્વાલિટી એન્ડ હ્યુમન રાઇટ્સ કમિશનના કમિશ્નર તરીકે સેવા આપી રહ્યા છે તેમજ તેઓ ઇન્ડિપેન્ડન્ટ કમિશન ઓન કોમ્યુનિટી એન્ડ કોહેઝનના સભ્ય પણ છે. ભૂતકાળમાં તેઓ ફિલિપ ફેબિયન સોસાયટી અને ફોરેન પોલિસી સેન્ટર સાથે પણ સંકળાયેલા રહ્યા છે.
નેશનલ લોટરી કમ્યુનિટી ફંડના બોર્ડ સભ્ય તરીકે કાટવાલા સંસ્થાની વ્યૂહરચના અને કામગીરીની દેખરેખ રાખશે. આ સંસ્થા નેશનલ લોટરી ટિકિટોના વેચાણમાંથી એકત્રિત થયેલા ભંડોળને યુકેભરના સ્થાનિક સામુદાયિક પ્રોજેક્ટ્સ અને ચેરિટી કાર્યક્રમો માટે વિતરિત કરે છે.
