પ્રવાસીની ખોટી કનડગત માટે બ્રિટિશ એરવેઝને રૂપિયા 1.7 લાખનું વળતર ચૂકવવા આદેશ
નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એક પ્રવાસીને ખોટી રીતે ફ્લાઇટમાં બોર્ડિંગની પરવાનગી ન આપવા માટે મોહાલીની ગ્રાહક ફોરમે પીડિત પ્રવાસીને રૂપિયા 1.7 લાખનું વળતર ચૂકવવા બ્રિટિશ એરવેઝને આદેશ આપ્યો છે.
લંડનઃ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એક પ્રવાસીને ખોટી રીતે ફ્લાઇટમાં બોર્ડિંગની પરવાનગી ન આપવા માટે મોહાલીની ગ્રાહક ફોરમે પીડિત પ્રવાસીને રૂપિયા 1.7 લાખનું વળતર ચૂકવવા બ્રિટિશ એરવેઝને આદેશ આપ્યો છે.
શુભરકરમન સિંહ બાંગર નામના પ્રવાસી નવી દિલ્હીથી વાયા લંડન થઇ અમેરિકાના શિકાગો જઇ રહ્યા હતા. બ્રિટિશ એરવેઝના સ્ટાફે લંડનને આખરી મુકામ માનીને તેમની પાસે યુકેના વિઝાની માગ કરી હતી. પ્રવાસી પાસે માન્ય યુએસ વિઝા હોવા છતાં તેમને ફ્લાઇટમાં બેસવાની પરવાનગી અપાઇ નહોતી. મોહાલી ગ્રાહક ફોરમે બ્રિટિશ એરવેઝને ટિકિટ રિફંડ પેટે રૂપિયા 1,37,538 6 ટકાના વાર્ષિક વ્યાજ સાથે, ટેક્સી ખર્ચ પેટે રૂપિયા 10,500 અને માનસિક ત્રાસ તથા કાનૂની ખર્ચ પેટે રૂપિયા 25,000 શુકરમનસિંહને ચૂકવવા આદેશ આપ્યો હતો.
