બળાત્કારને સ્પેક્ટ્રમ ગણાવતા સ્કોટિશ સાંસદ ક્યૂ મણિવન્નન વિવાદમાં સપડાયા
સ્કોટિશ પાર્લામેન્ટના ભારતીય મૂળના ગ્રીન પાર્ટીના સાંસદ ક્યૂ મણિવન્ન એક પોડકાસ્ટ ઈન્ટરવ્યૂની જૂની ક્લિપ વાયરલ થયા બાદ વિવાદમાં સપડાયા છે. આ વાયરલ ક્લિપ મણિવન્નન સ્કોટિશ સંસદમાં ચૂંટાયા પહેલાં ફેબ્રુઆરી 2025માં રેકોર્ડ કરાયેલા ધ સબ્જેક્ટિવ સ્પેસ પોડકાસ્ટના એક એપિસોડની છે.
લંડનઃ સ્કોટિશ પાર્લામેન્ટના ભારતીય મૂળના ગ્રીન પાર્ટીના સાંસદ ક્યૂ મણિવન્ન એક પોડકાસ્ટ ઈન્ટરવ્યૂની જૂની ક્લિપ વાયરલ થયા બાદ વિવાદમાં સપડાયા છે. આ વાયરલ ક્લિપ મણિવન્નન સ્કોટિશ સંસદમાં ચૂંટાયા પહેલાં ફેબ્રુઆરી 2025માં રેકોર્ડ કરાયેલા ધ સબ્જેક્ટિવ સ્પેસ પોડકાસ્ટના એક એપિસોડની છે. પોડકાસ્ટ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે બળાત્કાર સ્પેક્ટ્રમ પર અસ્તિત્વ ધરાવે છે અને સમાજે અપરાધીને માત્ર એક રાક્ષસ તરીકે ન જોવો જોઈએ પરંતુ તે સંજોગોને સમજવા જોઈએ જેના કારણે આવી ઘટનાઓ બને છે.
રાજકીય વર્તુળો અને સોશિયલ મીડિયા પર આ નિવેદનની ભારે ટીકા થઈ રહી છે. વિવેચકોનો આરોપ છે કે આવા નિવેદનો બળાત્કાર જેવા ગંભીર અપરાધની ભયાનકતાને ઓછી દર્શાવવાનો પ્રયાસ કરે છે. સ્કોટિશ લેબર સાંસદ ટ્રેસી ગિલબર્ટે મણિવન્નનની જાહેર માફીની માંગ કરી છે. રિફોર્મ યુકેના સાંસદ સેંગા બેરેસફોર્ડે આ મામલે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મણિવન્નનને નિલંબિત કરવાની માંગ કરી છે.
