બીમારીમાં એઆઇની સલાહ લેવી ભયજનકઃ નિષ્ણાતોની ચેતવણી
એકેડેમી ઓફ મેડિકલ સાયન્સિસ અનુસાર ચેટબોટ્સ અને અપ્રમાણિત માર્ગદર્શનને કારણે વેક્સિનની સુરક્ષા અને ફર્ટિલિટી કેર અંગે અફવાઓ ફેલાઈ રહી છે જે લોકોના જીવ જોખમમાં મૂકી શકે છે.
લંડનઃ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સિસ અનુસાર ચેટબોટ્સ અને અપ્રમાણિત માર્ગદર્શનને કારણે વેક્સિનની સુરક્ષા અને ફર્ટિલિટી કેર અંગે અફવાઓ ફેલાઈ રહી છે જે લોકોના જીવ જોખમમાં મૂકી શકે છે. બ્રિટનમાં એઆઈ ચેટબોટ્સ જેવા કે ચેટજીપીટીનો ઉપયોગ આરોગ્ય વિષયક સલાહ માટે કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. દર છ માંથી એક વ્યક્તિ બીમારીમાં એઆઇની મદદ લે છે, જેને પગલે તબીબી ક્ષેત્રના અગ્રણીઓએ ખોટી માહિતીના વધતા વ્યાપ સામે ગંભીર ચેતવણી ઉચ્ચારી છે.
સરવે અનુસાર યુકેમાં 16 ટકા લોકો માટે એઆઇ આરોગ્ય સંબંધી માહિતી મેળવવાનો મુખ્ય સ્ત્રોત બની ગયું છે. એઆઇ ઘણીવાર અચોક્કસ મેડિકલ માર્ગદર્શન અથવા ખોટું નિદાન આપે છે તેમજ તાત્કાલિક તબીબી સારવારની જરૂર હોય તેવા ગંભીર લક્ષણોને ઓળખવામાં નિષ્ફળ જાય છે.
એકેડેમી ઓફ મેડિકલ સાયન્સિસના પ્રમુખ સર એન્ડ્રુ મોરિસે જણાવ્યું હતું કે, જ્યારે માહિતી કોઈ વિશ્વાસપાત્ર સ્ત્રોત અથવા સમુદાયમાંથી આવે છે ત્યારે લોકો તેને વધુ સરળતાથી સ્વીકારે છે. તબીબી વિજ્ઞાન સામે મુખ્ય પડકાર માત્ર સચોટ પુરાવાઓ તૈયાર કરવાનો નથી પરંતુ તેને લોકો સુધી એવી ભાષા અને માધ્યમો દ્વારા પહોંચાડવાનો છે જેના પર તેઓ વિશ્વાસ મૂકે છે.
