બ્રિટનના ગુજરાતી સમાજની માળાનું હસતું મોતી ‘GCS-બ્રાઇટન’

ગુજરાત સમાચારની ખાસ ઝૂમ ઇવેન્ટ ‘સોનેરી સંગત’ બ્રિટનમાં વસતા ગુજરાતી સમાજને એક સાંસ્કૃતિક દોરાથી જોડતી યાત્રા બની ગઈ છે. આ જ દોરાના મણકારૂપ આપણે લેસ્ટર અને પ્રેસ્ટનને પરોવ્યાં અને હવે બ્રાઇટનને આ માળામાં પરોવી રહ્યા છીએ. જે અંતર્ગત બ્રિટનના એક બાદ એક શહેરમાં વસતા ગુજરાતી સમાજની સેવા, સંસ્કૃતિ અને સમર્પણને આપની સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યાં છે.
ગુજરાત સમાચારની ખાસ ઝૂમ ઇવેન્ટ ‘સોનેરી સંગત’ બ્રિટનમાં વસતા ગુજરાતી સમાજને એક સાંસ્કૃતિક દોરાથી જોડતી યાત્રા બની ગઈ છે. આ જ દોરાના મણકારૂપ આપણે લેસ્ટર અને પ્રેસ્ટનને પરોવ્યાં અને હવે બ્રાઇટનને આ માળામાં પરોવી રહ્યા છીએ. જે અંતર્ગત બ્રિટનના એક બાદ એક શહેરમાં વસતા ગુજરાતી સમાજની સેવા, સંસ્કૃતિ અને સમર્પણને આપની સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યાં છે.
સોનેરી સંગતના અધ્યાય-83માં ઇંગ્લેન્ડના સુંદર દરિયાકાંઠે વસેલા બ્રાઇટનમાં વસતા જીવંત અને સંસ્કારસભર ગુજરાતીઓ દ્વારા નિર્મિત ગુજરાતી કલ્ચરલ સોસાયટી-GCSની મુલાકાત લેવામાં આવી. ગુજરાત સમાચારની આ સફળ સફરનું નેતૃત્વ ધીરુભાઈ ગઢવી દ્વારા કરાયું.
કાર્યક્રમની શરૂઆત કરતાં ભારતીબહેન વોરાએ કહ્યું, વર્ષોથી GCS સાથે સક્રિયપણે જોડાયેલા ધીરુભાઈ ગઢવીમાં ચારણી સાહિત્યનું જ્ઞાન કૂટીકૂટીને ભરેલું છે, જે તેમના કાઠિયાવાડી લોકસાહિત્ય, છંદ, ગરબી અને ગરબાની પરંપરાની રજૂઆત દ્વારા વારંવાર સામે આવતું રહે છે. ક્રોલી અને બ્રાઇટનમાં તેમણે વર્ષો સુધી સેવાભાવે નવરાત્રીના ગરબાનું સફળ આયોજન કર્યું છે. કોરોનાના સમયે પણ તેમણે ઝૂમ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને લોકોને જોડીને રાખ્યા હતા. તેઓ આજે બ્રાઇટનના ગુજરાતી સમાજ સાથે આપણો પરિચય કરાવશે અને રસપ્રદ સંવાદ કરશે.
ધીરુભાઈ ગઢવીઃ પ્રકાશક-તંત્રી સી.બી. પટેલનો આગ્રહ હતો કે, બ્રાઇટનમાં ગુજરાતી કલ્ચરલ સોસાયટી-GCS, બ્રાઇટન અને કોમ્યુનિટીને લગતો મહત્ત્વપૂર્ણ પરિચય આપવામાં આવે. GCS શું છે તેને લગતી મહત્ત્વની જાણકારી આપવામાં આવે. આ સાથે ધીરુભાઈએ માતાજીની સ્તુતિ ગાઈ ‘પ્રચંડ દંડ બાહુ ચંડ યોગ નિંદ્રા ભૈરવી’થી શરૂઆત કરી હતી.
GCS નાની સંસ્થા હોવા છતાં મોટું નામ મેળવ્યું તે ચોક્કસપણે કમિટી, પ્રેસિડેન્ટ અને જૂના કમિટી મેમ્બર્સની મહેનત છે. GCSને નેશનલ લેવલે મોટું નામ બનાવવામાં કમિટીના સભ્યો તો ખરા જ, પરંતુ નેશનલ કાઉન્સિલ ગુજરાતી એસોસિયેશનનો પણ ખૂબ સહકાર મળ્યો છે. આ ઉપરાંત ગુજરાત સમાચાર, એશિયન વોઇસ અને સી.બી. પટેલનો પણ સિંહફાળો રહ્યો છે.
હાલનાં GCSનાં પ્રેસિડેન્ટ મીરાં પટેલને સંસ્કાર વારસામાં મળ્યા છે. તેમના ગ્રાન્ડ ફાધર GCSનો પાયો નાખનારા પૈકી એક હતા. મીરાં તમારો જન્મ અહીં જ થયો છે, તમને એવો પ્રથમ વિચાર ક્યારે આવ્યો કે ગુજરાતી કોમ્યુનિટીની સેવા કરવી છે?
મીરાં પટેલઃ આ એક વારસો છે, જેને હું ચાલુ રાખવા માગું છું. મારા પરદાદા-સસરા GCS ની સ્થાપના કરનારા ડો. શાહ, રમણદાદા સાથેના મૂળ સ્થાપકો પૈકી એક હતા. સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાના ગુણો મારાં લોહીમાં છે, જેને હું મારાં બાળકો દ્વારા આગળ વધારવા માગું છું. હું ઇચ્છું છું કે, મારાં બાળકો આગળ વધતાં આપણાં મૂલ્યો અને આપણા વારસાને જાળવી રાખે. હું ઇચ્છું છું કે તેઓ તેમના પરદાદાના ઉપદેશોથી શીખે અને પોતાનાં મૂલ્યો સ્થાપિત કરે. બધું તમારા ઘરથી શરૂ થાય છે, જે સંસ્કાર હું મારા ઘરમાં બાળકોને આપીશ તેમાંથી તેઓ શીખશે અને સંસ્કૃતિને આગળ વધારી શકશે. મને લાગે છે કે આપણી સંસ્કૃતિનાં મહત્ત્વનાં પાસાં ધીમેધીમે લુપ્ત થઈ રહ્યાં છે. એક માતા તરીકે મને ચિંતા થાય છે.
ડો. શાહ અને રમણદાદાએ આ ભગિરથ કાર્ય કર્યું ત્યારે બ્રાઇટન ખૂબ નાનું હતું, અને આસપાસ ઘણા ઓછા ગુજરાતીઓ હતા. તમે જાણો છો કે GCS કેવી રીતે શરૂ થયું, પરંતુ હવે અમે આપણી સંસ્કૃતિને સ્વીકારવા માગતા ઘણા લોકો માટે તેના દ્વાર ખોલી દીધા છે.
ધીરુભાઈઃ તમારા નેતૃત્વ હેઠળ તાજેતરમાં સફળતાપૂર્વક ‘ભજન જામિંગ’ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં 300થી 400 લોકો એકત્ર થવાનો ટાર્ગેટ હતો, તેની સામે આપણે 600 લોકો ભેગા કર્યા. ખૂબ સરસ કામ થયું. આ સિવાય પણ તમે અન્ય ઘણા કાર્યક્રમો કર્યા. તમને શું લાગે છે કે આપણે GCS ને કયા સ્તર સુધી લઈ જઈ શકીએ?
મીરાંઃ ‘ભજન જામ’ અમારા માટે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા હતી અને મને તેનું ખૂબ ગર્વ છે. આ કાર્યક્રમની સફળતા માત્ર મારી અને મારા પ્રમુખપદની નથી, આ એક ટીમવર્કનું પરિણામ છે. અમે બધા એકસાથે આવ્યા અને આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો. જો કે મને તેને આગળ લઈ જવાની પ્રેરણા અમારા સમુદાય તરફથી મળતા પ્રતિભાવોથી મળે છે. એ કાર્યક્રમ પછી મને જ્યાં પણ કોઈ મળે છે, તે બસ એટલું જ કહે છે ‘વાહ! એ કાર્યક્રમ અદ્ભુત હતો, અમને આવા વધુ કાર્યક્રમો જોઈએ છે.’
ભજન જામ તમામ વયજૂથોને પસંદ આવ્યો. બીજી એક વાત હું કહેવા માગું છું કે, GCS માત્ર વડીલો કે જૂની પેઢી પૂરતું સીમિત નથી, તે દરેક માટે છે. અમે નાનાં બાળકોથી લઈને વડીલો સુધી અને તેમની વચ્ચેના તમામને પણ સામેલ કરવા માગીએ છીએ.
હું જે પણ કંઈ કરી શકી છું તેમાં મારી સમગ્ર ટીમની ખૂબ મોટી ભૂમિકા છે અને તે બદલ હું તેમની આભારી છું. રમણદાદા શરૂઆતથી જ અમારી સાથે છે. ડો. અમૃત શાહે અમને આખી સફરમાં ટેકો આપ્યો છે. કિરીટભાઈના માર્ગદર્શન વિના હું આ કરી ન શકી હોત, તેઓ મારા સૌથી મોટા ટેકેદારો પૈકી એક છે. GCSના કરોડરજ્જુસમાન ઉપપ્રમુખ મહેન્દ્ર પણ ખૂબ મહેનત કરે છે. ધનસુખ ડેની, બીનલ પટેલ, તેજલ સાંગાણી, બીજલ શાહ, હીના પટેલ, અંકિતા પટેલ, શ્વેતા પટેલ અને હું પોતે છું. આ બધાથી અમારી ટીમ બને છે, તેથી અમારી પાસે વિવિધ વ્યક્તિત્વો અને કૌશલ્યોનું મિશ્રણ છે. આ જ અમને - GCS ને આગળ વધારવા અને તેને સર્વસમાવેશક બનાવવા પ્રેરે છે.
મને લાગે છે કે, શરૂઆતમાં તે ગુજરાતી પર કેન્દ્રિત હતું, જે હજુ પણ છે, તે તેનો મૂળ સાર છે. જો કે હવે અમે તેને ખુલ્લું મૂકી રહ્યા છીએ. આપણા સમુદાયની બહારના વધુ લોકો હવે જોડાવા માગે છે. મને લાગે છે કે સમુદાયને એકસાથે લાવવો અને સમન્વય બનાવવો તે આપણી શક્તિમાં વધારો કરશે. તેથી હું તે દરેકની ખૂબ આભારી છું, જે આવે છે અને અમને સાથ આપે છે. જય શ્રીકૃષ્ણ.
મીરાં પટેલનાં સુંદર કાર્યો અને GCS અંગેની ચર્ચા બાદ ધીરુભાઈ ગઢવીએ GCSના પૂર્વ પ્રેસિડેન્ટ, ટ્રસ્ટી અને GCSના સર્વેસર્વા ડો. અમૃતભાઈ શાહને આમંત્રિત કરતાં પૂછયું, ‘આટલાં વર્ષોનો ડોક્ટરી વ્યવસાયનો વ્યસ્ત શિડ્યૂલ અને GCSની સેવાનું વર્ષો સુધીનું કાર્ય - તમારામાં આ સેવાની ખેવના અને સ્ફૂર્તિ ક્યાંથી આવ્યાં?’
અમૃતભાઈઃ આનો જવાબ માત્ર એટલો જ છે કે ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં-ત્યાં સદાકાળ ગુજરાત.’ બાપુજી બિહારમાં અને હું ભરૂચના જંબુસરમાં દાદાજી પાસે મોટો થયો. મારા દાદા સ્વાતંત્ર્યવીર હતા, 1942માં મારો જન્મ થયો અને દાદા છ મહિના માટે જેલમાં ગયા. લાગણીના તંતુએ બંધાઈને હું દાદાની સાથે અંબાજી માતાના મંદિરે જતો, જ્યાં માતાજીની સ્તુતિ, ગરબા અને આરતીમાં અમે અચૂક હાજર રહેતા. અમારા જંબુસરમાં ત્રણ માતાજીનાં મંદિરો હતાં - કાળકામાતાનું મંદિર, વાઘેશ્વરી માતાજીનું મંદિર અને અંબા માતાનું મંદિર. આ જોડાણ વર્ષો સુધીનું રહ્યું.
ઇન્દોરમાં મેડિકલ કોલેજમાં મેં અભ્યાસ કર્યો. 1962-63માં અમારું ત્યાં ગુજરાતી મેડિકલ મંડળ હતું, જેમાં ગુજરાતીઓની સાથે મધ્યપ્રદેશના ડોક્ટર્સ પણ હતા, જેમની સાથે રહી અમે ‘ગુજરાતી મેડિકો’ શરૂ કર્યું. આ ગુજરાતી મેડિકોમાં એન્યૂઅલ ગેધરિંગ થાય અને તેમાં નવરાત્રીનો કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં મેં ભરવાડનો વેશ લીધો હતો અને દાંડિયા સાથે સ્ટેજ પર પર્ફોર્મ કર્યું હતું. આ ક્રમ વાગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ યથાવત્ રહ્યો. 1978માં બ્રાઇટન આવ્યો. તે સમયે બ્રાઇટનમાં વસ્તી ઓછી, પરંતુ નવરાત્રી સાથેનો જૂનો સંબંધ હજુ હૃદયમાં સળવળી રહ્યો હતો કે, ‘ક્યારે નવરાત્રી આવે અને ક્યારે ગરબામાં જોડાઈએ!’
તે સમયે બ્રાઇટનમાં પોલિટેકનિક કોલેજ હતી, જ્યાં આપણા ગુજરાતી યુવાનો અભ્યાસ કરવા આવતા હતા. એ વખતે અમે તે કોલેજમાં ગરબામાં ભાગ લેવા જતા હતા. સમયાંતરે બ્રાઇટનમાં વસ્તી વધતી ગઈ અને અમારા એક વડીલની આગેવાનીમાં નવરાત્રીની શરૂઆત કરી. એ બાદ વસ્તીને વધતી ગઈ અને 1978માં ગુજરાતી કલ્ચરલ સોસાયટીની શરૂઆત થઈ. તે સમયે ફંડ એકત્ર કરી હોલ ભાડે રાખતા અને નવરાત્રી કરતા, જે બાદ દિવાળી પણ કરતા થયા. આમ 1980થી અમે અચૂકપણે નવરાત્રીનું આયોજન કરતા થયા હતા.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1905થી બ્રાઇટન અને ગુજરાતીઓનું કનેક્શન છે. જામ રણજિતસિંહ અને સસેક્સનો ઘણો જૂનો ઇતિહાસ છે. સસેક્સ સ્ટેડિયમમાં આજે પણ જામ રણિજિતસિંહજીનો ખૂબ મોટો ફોટો રખાયો છે. બીજા સંબંધની વાત કરીએ તો દરવર્ષે જૂનના બીજા રવિવારે વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને છત્રી મેમોરિયલ પર શ્રદ્ધાંજલિ અપાય છે. 1997માં ભારતની આઝાદીનાં 50 વર્ષ પર લક્ષ્મીચંદ સંઘવી અને અહીંના એમપીની હાજરીમાં એક હોલમાં ભારતની આઝાદીની ગોલ્ડન જ્યૂબિલીના સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સાથેસાથે ગુજરાતી સમાજની પ્રવૃત્તિઓમાં એકેએક વ્યક્તિનો ખૂબ ફાળો પ્રાપ્ત થયો છે.
ગુજરાતી હિન્દુ સોસાયટીએ પણ ખૂબ સુંદર મદદ કરી હતી, જે અંતર્ગત કચ્છમાં ધરતીકંપ અને સુનામીના અસરગ્રસ્તોને મદદ કરવા ખૂબ મોટું ફંડ એકત્ર કરી મોકલાયું હતું. અહીં એ સમયે કોઈ મંદિર નહોતું, એ અંગે પણ ISSO સ્વામિનારાયણ મંદિરને પણ પૂરતો સહકાર આપ્યો. આ સાથે ગુજરાતી હિન્દુ સોસાયટી તરફથી ક્રોલીમાં અમે મીટિંગમાં પણ જતા હતા, જ્યાં જમીન લેવાની શરૂઆતથી બિલ્ડિંગ બનવાની શરૂઆત થઈ ત્યાં સુધી કમિટી મેમ્બર દ્વારા સહકાર મળ્યો છે.
શરૂઆતમાં અહીં 6થી 7 પરિવાર જ હતા, જેની સામે ઘણા લાંબા સમયથી સંસ્થા પ્રવૃત્તિમય રહી છે. તેમાંય કોરોનાકાળમાં તો લાગલગાટ અનેક કાર્યક્રમો થયા. સૌથી મહત્ત્વની વાત એ રહી કે, ગુજરાત સમાચાર અને સી.બી. પટેલ સાહેબ GCS સતત ધબકતું રહે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા. માત્ર GCS માટે જ નહીં, રમેશભાઈ ઓઝા કે મોરારિબાપુની કથા હોય ગુજરાત સમાચારની ત્યાં હાજરી હોય જ.
GCS માટે મોટો ભોગ આપનારા ડોક્ટર મિલિન્દભાઈ જાનીને આવકારતાં ધીરુભાઈએ પૂછયું કે, તમે મેડિકલ ડિગ્રી મેળવવાની સાથે આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, પરંતુ સાહિત્ય અને ધાર્મિક ક્ષેત્રે તમે જે જ્ઞાન મેળવ્યું છે તેમાં તમને કઈ રીતે રસ પડ્યો?
મિલિન્દભાઈઃ અમે યુગાન્ડામાં હતા, ત્યારથી મારાં માતા-પિતાએ આ સંસ્કારનાં બીજ રોપ્યાં છે. મારાં માતા કલાબહેન ભલે પાંચ ચોપડી ભણ્યાં હતાં, પરંતુ અમારી 7થી 10 વર્ષની ઉંમરમાં તેઓ અમારી સમક્ષ ગીતા, ભાગવત પુરાણ અને શિવપુરાણ વાંચતાં. એટલું જ નહીં અમને બેસાડી ભક્તિ કરાવવાની સાથે માળા અને શ્લોકો પણ કરાવતાં. મારા પિતા પણ ઉચ્ચકોટિના શિક્ષક હતા, તેમની પાસેથી પણ ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું. આ સિવાય અમારી આસપાસના લોકોમાં કાંતા મેડમને પણ મારી કેળવણીમાં એટલો જ શ્રેય જાય છે. કહી શકાય કે આપણે એક એવા આત્મા છીએ, જેઓ પોતાનું પ્રારબ્ધ લઈને આવ્યા હોઈએ અને આપણને એવું ભાગ્ય મળે કે આવાં માતા-પિતા અને શિક્ષકો પ્રાપ્ત થાય. મારી 10 વર્ષની ઉંમરથી મને શંકરાચાર્ય મહારાજની સેવાનો લાભ મળતો હતો. આપણાં માતા-પિતા અને શિક્ષકોએ આપણામાં જે આ બીજ રોપ્યાં એના કારણે જ આપણે અત્યારે અહીં છીએ.
સંસ્કૃતનો શ્લોક છે કે, ‘काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम्।’ એટલે કે કાવ્ય અને શાસ્ત્રમાં જે આનંદ માણે છે, એ જ બુદ્ધિમાન માણસ કહેવાય છે. આ ઉપરાંત આપણામાં રહેલી આધ્યાત્મિકતાનું જે બીજ રહ્યું છે, એના કારણે આપણે સર્વગ્રાહી રહ્યા છીએ.
બ્રાઇટન, કોમ્યુનિટી અને GCS અંગે જણાવો
મિલિન્દભાઈઃ સમાજને ઉત્સાહ સાથે પ્રેરણા આપતાં એક કરીને રાખવા મારો મંત્ર એક જ હતો, ‘ॐ सह नाववतु। सह नौ भुनक्तु। सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु। मा विद्विषावहै॥’
આપણે જાણીએ છીએ કે અત્યારે લોકોની ભાવનામાં ઘણો ફેરફાર આવ્યો છે, પરંતુ ગૌરવ સાથે હું કહું છું કે આપણી ગુજરાતી કલ્ચરલ સોસાયટી - બ્રાઇટન 40 વર્ષથી એક પરિવાર જેવી છે.
આયુર્વેદમાં મારું જ્ઞાન મારાં પત્નીથી છે. અહીં આયુર્વેદનો પ્રચાર જ મારાં પત્ની અસ્મિતા જાની દ્વારા 1987થી કરવામાં આવ્યો.
જગવિખ્યાત પોપ્યુલર સિટી રિસોર્ટ બ્રાઇટનનો ઇતિહાસ ખૂબ લાંબો જાય છે, જે રોમન અને કેલ્ટિક સંસ્કૃતિ સાથે સંકળાયેલું રહ્યું છે. એક નાનકડા ફિશિંગ વિલેજમાંથી આજે તે પ્રોગ્રેસિવ સિટી તરીકે ગણાય છે અને તેથી જ કહેવાય છે કે, બ્રાઇટન માત્ર વસ્તી અને અર્થતંત્ર સાથે જ વણાયેલું નથી પણ તે કલ્ચરલ અને સામાજિક પરિવર્તનનું એક સિમ્બોલ પણ છે.
બ્રાઇટનમાં દરવર્ષે 4.3 મિલિયન ટૂરિસ્ટ આવે છે. અહીંની 300,000 જેટલી વસ્તી પૈકી 4000 હિન્દુ છે અને તેમાં પણ 2500 હિન્દુઓ છે. આમ હિન્દુ ગુજરાતી સોસાયટી અને પંજાબી સોસાયટીના એ તમામ લોકોને અમારી ગુજરાતી કલ્ચરલ સોસાયટીમાં આવરી લીધા છે અને તેનું એક કુટુંબ બનાવ્યું છે.
બ્રાઇટનનો ઇતિહાસ સ્વાસ્થ્ય સાથે પણ સંકળાયેલો રહ્યો છે. અઢારમી-ઓગણીસમી સેન્ચ્યૂરીમાં તેની શરૂઆત થઈ ત્યારે લોકો અહીં બીમારીથી સાજા થવા આવતા હતા. કિંગ જ્યોર્જ ધ ફોર્થે અઢારમી સદીમાં પોતાના વિલાને હોલિડે રિસોર્ટ તરીકે ફેરવ્યો હતો, જે બાદમાં બ્રાઇટન સિટીએ તેનું ટ્રાન્સફોર્મેશન હોસ્પિટલમાં કર્યું હતું, જ્યાં વર્લ્ડ વોર–1ના 4000 ભારતીય ઘાયલ સૈનિકોની સારવાર કરાઈ હતી. આમ ભારતીય સૈનિકો દ્વારા તેનું નામ ડોક્ટર બ્રાઇટન અપાયું હતું. 1815માં પટણાના શેખ મોહંમદે અહીં આવી સૌપ્રથમ બાથ સ્પા અને સી વોટર શરૂ કર્યાં, બાદમાં કિંગ જ્યોર્જના શેમ્પૂ સર્જન બન્યા હતા.
અહીં અમારો એ જ પ્રયાસ રહ્યો કે, આપણી ગુજરાતી સોસાયટી બ્રાઇટનની ઉન્નતિની સાથોસાથ પોતાનું કદ પણ વધારે. આ જ પ્રયાસો અંતર્ગત 1994માં બ્રાઇટનની પ્રથમ હોળીની ઉજવણી ઊજવવાની જવાબદારી લીધી અને બ્રાઇટનના ઇતિહાસમાં પ્રથમ વખત હોળીની ઉજવણી થઈ. અમે આવા કાર્યક્રમો ઉત્તરોતર વધારતા ગયા અને તેમાં અન્ય સ્થાનિક લોકોને પણ આમંત્રિત કરતા હતા, જેથી આપણું હ્યુમન સર્કલ મોટું થયું. આમ અમે વાઇડર પોપ્યુલેશનને મોટા પ્રમાણમાં વણી લીધું.
1988માં અમને અવસર મળ્યો અને ભેગા થઈને ધ લાર્જેસ્ટ સેલિબ્રેશન ઓફ 58 એનિવર્સરી ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટનું આયોજન કર્યું, જેમાં મુરબ્બી સી.બી. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને 25 વર્ષ બાદ પણ લોકો યાદ કરે છે. હું એક જ વાત કહેવા માગું છું કે, આ આપણાં બાળકો માટે ખૂબ જરૂરી છે કે તેઓ પોતાની સાંસ્કૃતિક ઓળખ કેળવે, જે તેમનાં મૂળ છે.
કાર્યક્રમને અંત તરફ લઈ જતાં ભારતીબહેન વોરાએ કહ્યું, ધીરુભાઈએ આજની સફળ સફરનું નેતૃત્વ ખૂબ આત્મિયતાથી કર્યું અને બ્રાઇટનના સુંદર ગુજરાતી સમાજનો સુંદર પરિચય પણ કરાવ્યો. આ સાથે મીરાંબહેન પટેલ, ડો. અમૃતભાઈ શાહ અને ડો. મિલિન્દભાઈ જાની આપનો પણ ખૂબખૂબ આભાર. આપના વિચારો, અનુભવો અને સેવાયાત્રાએ આજના કાર્યક્રમને વધુ સમૃદ્ધ બનાવ્યો છે. આપ સૌની હાજરી અને પ્રેરણા જ સોનેરી સંગતની સાચી તાકાત છે.
આભારવિધિ કરતાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે કહ્યું કે, બ્રાઇટનનો આ કાર્યક્રમ માત્ર સ્મરણયાત્રા નથી, પરંતુ આપણા સંસ્કારને વધુ બળવતર બનાવતું માધ્યમ બની રહ્યો.
