મધ્યપ્રદેશના વેપારીની લોન પરત ચૂકવવાની માગની બ્રિટિશ સરકાર ચકાસણી કરશે
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મધ્યપ્રદેશના વેપારી શેઠ જુમ્માલાલ રુથિયાએ બ્રિટિશ સરકારને રૂપિયા 35 હજારની લોન આપ્યાની એક સદી કરતા વધુ સમય બાદ તેમના પૌત્રો વિનય અને વિવેક રુથિયાએ જણાવ્યું છે કે બ્રિટનની સરકાર લોન પરત કરવાની તેમની વિનંતીની ચકાસણી કરવા સહમત થઇ છે.
લંડનઃ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મધ્યપ્રદેશના વેપારી શેઠ જુમ્માલાલ રુથિયાએ બ્રિટિશ સરકારને રૂપિયા 35 હજારની લોન આપ્યાની એક સદી કરતા વધુ સમય બાદ તેમના પૌત્રો વિનય અને વિવેક રુથિયાએ જણાવ્યું છે કે બ્રિટનની સરકાર લોન પરત કરવાની તેમની વિનંતીની ચકાસણી કરવા સહમત થઇ છે. પરિવારનો દાવો છે કે લોનનું મૂલ્ય હવે કરોડો રૂપિયા થઇ શકે છે.
રુથિયા ભાઇઓએ જણાવ્યું છે કે તેમણે વકીલ મારફતે યુકે ડેબ્ટ મેનેજમેન્ટ ઓફિસને તેમના દાદા દ્વારા જાળવી રખાયેલા દસ્તાવેજોના આધારે ફેબ્રુઆરીમાં કાનૂની નોટિસ મોકલી હતી. ડીએમઓએ ચૂકવણીના દાવાને સમર્થન આપ્યું નથી પરંતુ પરિવારને સર્ટિફિકેટ, પત્રવ્યવહાર સહિતના દસ્તાવેજી પુરાવા આપવા જણાવ્યું છે. વિભાગે પરિવારને ગિલ્ટ રજિસ્ટ્રાર કોમ્પ્યુટર ઇન્વેસ્ટર સર્વિસનો સંપર્ક કરવાની સૂચના આપી છે.
રુથિયા ભાઇઓનો દાવો છે કે મૂળ દસ્તાવેજો તેમને દાદાના વસિયતનામા સાથે મળી આવ્યા હતા. પરિવારની દલીલ છે કે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર સાર્વભૌમ સરકારો યુદ્ધ સમયના દેવા સહિતના જૂના દેવા ચૂકવવા માટે જવાબદાર છે.
