માઈક્રોબ્લેડિંગ: આઈબ્રોને નેચરલ - આકર્ષક લુક આપતી ટેક્નિક

આજના સમયમાં સુંદરતા અને પર્સનાલિટીમાં આઈબ્રો (ભમર) ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણા લોકોની આઈબ્રો કુદરતી રીતે પાતળી હોય છે કે ઉંમર સાથે તેના વાળ ઓછા થઈ જાય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે ‘માઈક્રોબ્લેડિંગ’ એક ક્રાંતિકારી કોસ્મેટિક પદ્ધતિ તરીકે ઊભરી આવી છે.

આજના સમયમાં સુંદરતા અને પર્સનાલિટીમાં આઈબ્રો (ભમર) ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણા લોકોની આઈબ્રો કુદરતી રીતે પાતળી હોય છે કે ઉંમર સાથે તેના વાળ ઓછા થઈ જાય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે ‘માઈક્રોબ્લેડિંગ’ એક ક્રાંતિકારી કોસ્મેટિક પદ્ધતિ તરીકે ઊભરી આવી છે.

પણ માઇક્રોબ્લેડિંગ શું છે? માઇક્રોબ્લેડિંગ એ એક સેમી પરમેનન્ટ કોસ્મેટિક ટેક્નિક છે. આ પદ્ધતિ ખાસ કરીને આઈબ્રોને કુદરતી અને ભરાવદાર દેખાવ આપવા માટે કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં અત્યંત બારીક બ્લેડનો ઉપયોગ કરીને ત્વચાના ઉપરના પડમાં ખાસ પ્રકારના પિગ્મેન્ટ દાખલ કરવામાં આવે છે. તે ટેટૂ જેવું લાગે છે, પરંતુ તે કાયમી નથી. આમાં વાળ જેવા જ બારીક ‘સ્ટ્રોક્સ’ બનાવવામાં આવે છે, જેથી આઈબ્રો વધુ ગાઢ, યોગ્ય શેપમાં અને સ્પષ્ટ દેખાય છે.
માઇક્રોબ્લેડિંગની સંપૂર્ણ પ્રક્રિયા આ પ્રક્રિયા સામાન્ય રીતે દોઢથી બે કલાક સુધી ચાલે છે અને તે મુખ્યત્વે ચાર તબક્કામાં વહેંચાયેલી છેઃ
1) કન્સલ્ટેશન અને શેપ પસંદગી. સૌથી પહેલાં ટેક્નિશિયન ક્લાયન્ટ સાથે ચર્ચા કરે છે. ચહેરાના આકાર મુજબ આઈબ્રોની ડિઝાઈન નક્કી કરવામાં આવે છે અને સ્કિન ટોનને અનુરૂપ પિગ્મેન્ટ કલર પસંદ કરવામાં આવે છે.
2) પ્રી-નંબિંગ (સુન્ન કરવાની પ્રક્રિયા) પ્રક્રિયા દરમિયાન દુખાવો ન થાય તે માટે આઈબ્રોના વિસ્તાર પર ‘નંબિંગ ક્રીમ’ લગાવવામાં આવે છે. આ ક્રીમ લગાવ્યાનાં 20-30 મિનિટમાં તે ભાગ સુન્ન થઈ જાય છે.
3) આ પછી વારો આવે છે પિગ્મેન્ટ ઇમ્પ્લાન્ટેશનનો. ખાસ માઈક્રોબ્લેડિંગ પેન અને નાની બ્લેડ્સ વડે ત્વચામાં વાળ જેવા બારીક કાપા પાડીને પિગ્મેન્ટ ભરવામાં આવે છે.
4) અને છેલ્લે આવે છે ક્લીનિંગ. પોસ્ટ-કેર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માઇક્રોબ્લેડિંગ થયું છે તે ભાગ સાફ કરવામાં આવે છે. આ પછી ક્લાયન્ટને આગામી 8-10 દિવસ માટે કઇ બાબતે વિશેષ સાવચેતી રાખવી તેની સૂચનાઓ આપવામાં આવે છે.
આજની યુવતીઓમાં લોકપ્રિય બની રહેલી માઇક્રોબ્લેડિંગ ટ્રીટમેન્ટના મુખ્ય ફાયદાઓ જોઇએ તો...
• નેચરલ લુક: આમાં વાળ જેવા જ સ્ટ્રોક્સ હોવાથી કોઈને ખ્યાલ પણ નથી આવતો કે આ આર્ટિફિશિયલ છે.
• સમયની બચત: દરરોજ સવારે આઈબ્રો પેન્સિલ કે પાઉડર લગાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે.
• લાંબા ગાળાની અસર: આની અસર એક વર્ષથી લઇને દોઢ વર્ષ સુધી રહે છે, ત્યારબાદ માત્ર એક નાનો ‘ટચઅપ’ કરાવવાની જરૂર પડે છે.
• કોના માટે લાભકારકઃ આમ તો કોઇ પણ મહિલા માઇક્રોબ્લેડિંગ ટ્રીટમેન્ટ કરાવી શકે છે, પરંતુ પાતળી આઈબ્રો ધરાવતી બહેનો માટે આને આશીર્વાદરૂપ ગણી શકાય. આ ઉપરાંત જેમની આઈબ્રોમાં ગેપ હોય કે જેમની આઇબ્રો બહુ પાતળી હોય તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.
• વોટરપ્રૂફઃ આઇબ્રો પર વરસાદ પડે કે તમે સ્વિમિંગ પુલમાં ધુબાકા મારો કે પછી કાળઝાર ગરમીમાં ગમેતેવો પરસેવો વળવા છતાં આ આઈબ્રો ફેલાતી કે સ્મજ થતી નથી.

સાવચેતી અને કાળજી
માઈક્રોબ્લેડિંગ કરાવ્યા પછી શરૂઆતના થોડાક દિવસો ખૂબ મહત્ત્વના છે. આ દરમિયાન કેટલીક સાવચેતી અને કાળજી જરૂરી છે. જેમ કે,
- સાત-આઠ દિવસ સુધી આઈબ્રો પર પાણી ન લાગવા દેવું.
- સીધો સૂર્યપ્રકાશ ટાળવો અને ટેક્નિશિયન દ્વારા અપાયેલું ઓઈન્ટમેન્ટ નિયમિત લગાવવું.
- જો ટ્રીટમેન્ટની જગ્યાએ પોપડી વળે, તો તેને જાતે ઉખેડવી નહીં, અન્યથા કલર ઝાંખો પડી શકે છે.

સંભવિત સાઇડ ઇફેટ્સ
કેટલાક કિસ્સામાં થોડી લાલાશ, સોજો કે સામાન્ય દુખાવો થઈ શકે છે. જો હાઈજિનનું ધ્યાન ન રાખવામાં આવે તો ઇન્ફેક્શન કે એલર્જિક રિએક્શનનું જોખમ રહે છે, તેથી હંમેશાં પેચ ટેસ્ટ કરાવવો હિતાવહ છે.

આ ટ્રીટમેન્ટ કોણે ટાળવી જોઇએ?
ગર્ભવતી સ્ત્રીઓ, સ્કિન ઈન્ફેક્શન ધરાવતા લોકો, અનિયંત્રિત ડાયાબિટીસ કે બ્લડ ક્લોટિંગની સમસ્યા ધરાવતી બહેનોએ આ ટ્રીટમેન્ટ ટાળવી જોઈએ અથવા તો ડોક્ટરની સલાહ પછી આ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ.
માઈક્રોબ્લેડિંગ એ સુંદર દેખાવા માટેની સલામત અને લોકપ્રિય રીત જરૂરી છે, પરંતુ તે હંમેશાં ટ્રેઈન્ડ અને સર્ટિફાઈડ ટેક્નિશિયન પાસે જ કરાવવી જોઈએ.

માઈક્રોબ્લેડિંગ: આઈબ્રોને નેચરલ - આકર્ષક લુક આપતી ટેક્નિક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.