વર્ષ 2026માં એકલા લંડનમાંથી 1,250 કરતાં વધુ ગેરકાયદેસર કામદારો ઝડપાયાં

હોમ ઓફિસના જણાવ્યા અનુસાર વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં લંડનભરમાં પાડવામાં આવેલા ઇમિગ્રેશન દરોડા દરમિયાન 1,250થી વધુ ગેરકાયદે કામદારોની ધરપકડ કરવામાં આવી છે.
લંડનઃ હોમ ઓફિસના જણાવ્યા અનુસાર વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં લંડનભરમાં પાડવામાં આવેલા ઇમિગ્રેશન દરોડા દરમિયાન 1,250થી વધુ ગેરકાયદે કામદારોની ધરપકડ કરવામાં આવી છે. વેસ્ટમિન્સ્ટરની એક લેબેનીઝ રેસ્ટોરન્ટમાંથી 15 લોકોની અટકાયત કરવામાં આવી હતી જેના પરિણામે ફેબ્રુઆરીમાં તેનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત માર્ચ મહિનામાં બ્રોમલી ખાતે આવેલી એક કેરેવાન સાઇટ પરથી કન્સ્ટ્રક્શન અને ક્લિનિંગ ક્ષેત્રે ગેરકાયદેસર રીતે કામ કરતા હોવાની આશંકા હેઠળ 18 લોકોની અટકાયત કરાઈ હતી.
વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં દેશભરમાં ગેરકાયદે કર્મચારીઓ શોધવા 7,270 દરોડા પડાયા હતા જે 2025ના સમાન ગાળાની સરખામણીમાં 31 ટકાનો વધારો દર્શાવે છે. આ દરમિયાન 4,756 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગેરકાયદેસર કામદારોને તેમના વતનના દેશ પરત મોકલવાની પ્રક્રિયામાં 50 ટકાનો વધારો નોંધાયો છે જે અંતર્ગત કુલ 2,357 લોકોને દેશનિકાલ કરાયા છે.
હોમ સેક્રેટરી શબાના માહમૂદે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર કામકાજ પ્રમાણિક કામદારો અને કાયદેસરના વ્યવસાયોને નુકસાન પહોંચાડે છે. સરકાર આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા માટે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટના સંસાધનો અને બજેટમાં સતત વધારો કરી રહી છે.
વેસ્ટ મિડલેન્ડ્સમાં ઇલલીગલ વર્કર્સ પર તવાઇ, સંખ્યાબંધની ધરપકડ
હૉમ ઑફિસ દ્વારા વેસ્ટ મિડલેન્ડ્સમાં ગેરકાયદેસર રીતે કામ કરતા માઇગ્રન્ટ્સ વિરુદ્ધ એક મોટું અને આકરું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં કુરિયર ડ્રાઇવર, બાંધકામ ક્ષેત્રના મજૂરો અને ઇન્ટરપોલ દ્વારા વોન્ટેડ વ્યક્તિ સહિત અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે. છેલ્લા છ મહિનામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અધિકારીઓના દરોડામાં 49% અને અટકાયતમાં 22%નો વધારો નોંધાયો છે. આ વર્ષે કુલ 884 સ્થળોની તપાસ કરીને 701 લોકોની અટકાયત કરવામાં આવી છે.
