સ્નેપચેટ પર સગીરાને ફોસલાવી બળાત્કાર કરનાર રાજ્યાશ્રયવાંચ્છુને સાડા 9 વર્ષની કેદ
સ્નેપચેટ પર ખોટી ઓળખ આપીને 13 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારનાર અબ્દુલ ખાન નામના અસાયલમ સીકરને નોટિંગહામ ક્રાઉન કોર્ટે સાડા નવ વર્ષની જેલની સજા ફટકારી છે.
લંડનઃ સ્નેપચેટ પર ખોટી ઓળખ આપીને 13 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારનાર અબ્દુલ ખાન નામના અસાયલમ સીકરને નોટિંગહામ ક્રાઉન કોર્ટે સાડા નવ વર્ષની જેલની સજા ફટકારી છે. મૂળ અફઘાનિસ્તાનનો 28 વર્ષીય અબ્દુલ ખાન વર્ષ 2015માં ટ્રક પાછળ છુપાઈને યુકે આવ્યો હતો. તેણે સોશિયલ મીડિયા એપ સ્નેપચેટ પર પોતાને 14 વર્ષનો કિશોર ગણાવીને પીડિતા સાથે સંપર્ક સાધ્યો હતો અને 14 મેના રોજ નોટિંગહામના કિલફ્ટન સ્થિત નેચર રિઝર્વના જંગલ વિસ્તારમાં મળવા માટે બોલાવી હતી. ત્યારબાદ તેણે કિશોરી પર બે વાર બળાત્કાર ગુજાર્યો હતો.
જજ માર્ક વોટસને ચુકાદો આપતા જણાવ્યું હતું કે, તમે તમારી સાચી ઓળખ હેતુપૂર્વક છુપાવી હતી. પીડિતાને લાગ્યું કે તે તેની પોતાની ઉંમરના બાળક સાથે વાતચીત કરી રહી છે. અબ્દુલ ખાનને બળાત્કારના બે ગુના, બાળ જાતીય શોષણ, ગ્રૂમિંગ અને ન્યાયની પ્રક્રિયામાં બાધા પહોંચાડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. પોતાની જેલની સજાનો બે-તૃતીયાંશ હિસ્સો પૂર્ણ કર્યા બાદ તેને અફઘાનિસ્તાન પરત મોકલી આપવામાં આવશે.
