ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વર્ષ 2025માં બાળકોના સૌથી લોકપ્રિય નામ
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વર્ષ 2025 દરમિયાન જન્મેલા બાળકોના સૌથી લોકપ્રિય નામોની યાદી જાહેર કરવામાં આવી છે. આ નવીનતમ આંકડાઓ અનુસાર, ઓલિવિયાએ સતત દસમા વર્ષે કન્યાઓના નામોમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.
લંડનઃ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વર્ષ 2025 દરમિયાન જન્મેલા બાળકોના સૌથી લોકપ્રિય નામોની યાદી જાહેર કરવામાં આવી છે. આ નવીનતમ આંકડાઓ અનુસાર, ઓલિવિયાએ સતત દસમા વર્ષે કન્યાઓના નામોમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે કુમારોના નામોમાં મુહમ્મદ સતત ત્રીજા વર્ષે યાદીમાં મોખરે રહ્યું છે. કન્યાઓના નામોમાં લીલીએ મોટી છલાંગ લગાવીને બીજું સ્થાન મેળવ્યું છે. છોકરાઓના નામોની વાત કરીએ તો નોઆહ બીજા ક્રમે અને લિયો ત્રીજા સૌથી લોકપ્રિય નામ તરીકે ઉભરી આવ્યાં હતાં.
કન્યાઓના ટોપ-10 નામમાં અનુક્રમે ઓલિવિયા, લીલી અને અમેલિયા બાદ ચોથા ક્રમે ઇસ્લા રહ્યું છે. ત્યારબાદ ફ્લોરેન્સ, ફ્રેયા, પોપી, એલ્સી, આઇવી અને નવી એન્ટ્રી તરીકે ઇસાબેલાનો સમાવેશ થાય છે. છોકરાઓના નામોમાં ચોથું સૌથી લોકપ્રિય નામ લુકા રહ્યું છે. જેના પછી આર્થર, ઓલિવર, જ્યોર્જ, ઓસ્કાર, થિયોડોર અને ફ્રેડીનો ક્રમ આવે છે.
શાહી વિવાદ બાદ એન્ડ્રુ નામની લોકપ્રિયતામાં તોતિંગ ઘટાડો
શાહી વિવાદો બાદ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં એન્ડ્રુ નામની લોકપ્રિયતામાં રેકોર્ડબ્રેક ઘટાડો નોંધાયો છે. ભૂતપૂર્વ ડ્યુક ઓફ યોર્ક પ્રિન્સ એન્ડ્રુ વિવાદોમાં ઘેરાયા બાદ ગયા વર્ષે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં માત્ર 127 નવજાત બાળકોના નામ એન્ડ્રુ રાખવામાં આવ્યા છે. આ સાથે જ આ નામ લોકપ્રિયતાના ચાર્ટમાં ઘટીને 334મા ક્રમે પહોંચી ગયું છે. વર્ષ 1964માં આ નામ લોકપ્રિયતામાં ત્રીજા ક્રમે હતું અને 1996માં 2676 બાળકો સાથે 29મા ક્રમે હતું, જે હવે તેના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે આવી ગયું છે.
