એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

નાસાના ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી અનિલ મેનન 14 જુલાઈએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ રવાના થયા હતા. 49 વર્ષીય મેનન ઈમરજન્સી મેડિસિન ફિઝિશિયન અને યુએસ સ્પેસ ફોર્સમાં કર્નલ છે. તેઓ રશિયન અંતરિક્ષ યાત્રીઓ પ્યોત્ર દુબ્રોવ અને અન્ના કિકિના સાથે આઠ મહિનાના મિશનમાં જોડાયા છે.
નાસાના અંતરિક્ષ યાત્રી અનિલ મેનન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ રવાના
ન્યૂયોર્કઃ નાસાના ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી અનિલ મેનન 14 જુલાઈએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ રવાના થયા હતા. 49 વર્ષીય મેનન ઈમરજન્સી મેડિસિન ફિઝિશિયન અને યુએસ સ્પેસ ફોર્સમાં કર્નલ છે. તેઓ રશિયન અંતરિક્ષ યાત્રીઓ પ્યોત્ર દુબ્રોવ અને અન્ના કિકિના સાથે આઠ મહિનાના મિશનમાં જોડાયા છે. અનિલ મેનનની કારકિર્દી સૈન્ય સેવા, માનવતાવાદી કાર્યો અને સ્પેસ મેડિસિન જેવા વિવિધ ક્ષેત્રો સુધી વિસ્તરેલી છે. વર્ષ 2014માં તેઓ ફ્લાઇટ સર્જન તરીકે નાસામાં જોડાયા હતા, જ્યાં તેમણે ISS ખાતે રહેતા અંતરિક્ષ યાત્રીઓને મેડિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો. 2018માં તેઓ સ્પેસએક્સ કંપનીમાં જોડાયા જ્યાં તેમણે કંપનીના મેડિકલ પ્રોગ્રામની સ્થાપના કરી હતી અને સ્પેસએક્સના પ્રથમ માનવ અંતરિક્ષ મિશનની તૈયારીઓમાં મદદ કરી સ્ટારશિપના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ડિસેમ્બર 2021માં તેમની નાસાના અંતરિક્ષ યાત્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેમના પત્ની અન્ના વિલ્હેમ પણ અંતરિક્ષ યાત્રી છે જેમણે સપ્ટેમ્બર 2024માં પોલારિસ ડોન મિશન અંતર્ગત અંતરિક્ષની સફર કરી હતી.
00000000000000000000000000000000000000000000000000000
અમેરિકાનુ સુપર કોમ્પ્યુટર વિકસાવવાનું નેતૃત્વ સુનિતા ચંદ્રશેખરનને સોંપાયું
વોશિંગ્ટનઃ ભારતીય મૂળના અમેરિકન કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ સુનિતા ચંદ્રશેખરનની આગેવાની હેઠળની એક ટીમને વિશ્વના સૌથી શક્તિશાળી સુપરકોમ્પ્યુટર્સમાંના એકને વૈજ્ઞાનિક સંશોધનો માટે તૈયાર કરવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. ઓક રિજ નેશનલ લેબોરેટરી ખાતે વિકસાવવામાં આવી રહેલા આગામી પેઢીના સુપરકોમ્પ્યુટર ડિસ્કવરીનું સ્ટ્રેસ-ટેસ્ટિંગ કરવા દેશભરમાંથી નવ ટીમની પસંદગી કરવામાં આવી છે જેમાં ચંદ્રશેખરનના નેતૃત્વ હેઠળની યુનિવર્સિટી ઓફ ડેલાવેરની ટીમનો સમાવેશ થાય છે. ભારતમાં જન્મેલા ચંદ્રશેખરનનું મુખ્યત્વે હાઈ-પર્ફોર્મન્સ કોમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને એપ્લાઇડ મશીન લર્નિંગ પર કેન્દ્રિત છે. તેઓ ઓક રિજ નેશનલ લેબોરેટરીની કોમ્પ્યુટિંગ એન્ડ કોમ્પ્યુટેશનલ સાયન્સ ડિરેક્ટોરેટ એડવાઇઝરી કમિટીમાં પણ સેવા આપે છે અને સ્ટેટ ઓફ ડેલાવેર AI કમિશનના વાઇસ ચેરમેન છે.
00000000000000000000000000000000000000000000000000000
ડૉ. મેહર મેદાવરમ અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિનના નવા પ્રમુખ
વોશિંગ્ટનઃ અમેરિકાના સૌથી મોટા વંશીય સમુદાય તબીબી સંગઠન અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (AAPI) ને નવા પ્રમુખ મળ્યા છે. ડૉ. મેહર મેદાવરમે ઇલિનોઇસના ઓક બ્રુક ખાતે આવેલા AAPI ના મુખ્ય મથક પર આયોજિત એક સમારોહમાં વર્ષ 2026-27 ની મુદત માટે સત્તાવાર રીતે પ્રમુખપદનો કાર્યભાર સંભાળી લીધો છે. તેમની સાથે અન્ય અગ્રણી હોદ્દેદારોમાં ડૉ. વિજય મૌર્યાએ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન તરીકે, ડૉ. ક્રિશન કુમારે ભાવિ પ્રમુખ (પ્રેસિડેન્ટ-ઇલેક્ટ) તરીકે, ડૉ. શ્રીનિ ગંગાસાનીએ ઉપપ્રમુખ તરીકે, ડૉ. સૌમ્યા નેરાવતલાએ સેક્રેટરી તરીકે અને ડૉ. રઘુ લોલાભટ્ટુએ ટ્રેઝરર (ખજાનચી) તરીકે પદભાર ગ્રહણ કર્યો છે. ડૉ. મેદાવરમ તેમની સમગ્ર વ્યાવસાયિક કારકિર્દી દરમિયાન AAPI સાથે જોડાયેલા રહ્યા છે. 1980 ના દાયકામાં એક પેટ્રન સભ્ય તરીકે જોડાયા બાદ, તેઓ રિજિયોનલ ડિરેક્ટર, સેક્રેટરી, વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ-ઇલેક્ટ સહિતના સંગઠનના લગભગ તમામ પ્રમુખ પદો પર સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત, તેઓ AAPI ના ઇતિહાસમાં એકમાત્ર મહિલા કન્વેન્શન ચેરપર્સન પણ રહી ચૂક્યા છે.
00000000000000000000000000000000000000000000000000000
અરવિંદ રમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટેકનોલોજી ડિરેક્ટર તરીકે શપથ લીધા
વોશિંગ્ટનઃ મે મહિનામાં યુએસ સેનેટની મંજૂરી મળ્યા બાદ ભારતીય-અમેરિકન ઈજનેર અને શિક્ષણવિદ્ અરવિંદ રમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટેકનોલોજી (NIST)ના 18મા ડિરેક્ટર તરીકે શપથ લીધા હતા. રમણે સ્ટાન્ડર્ડ અને ટેકનોલોજી માટેના યુએસના પાંચમા અન્ડર સેક્રેટરી ઓફ કોમર્સ તરીકે પણ પદભાર સંભાળ્યો છે. યુએસ સેક્રેટરી ઓફ કોમર્સ હોવર્ડ લુટનિકે તેમને શપથ લેવડાવ્યા હતા. તેઓ NIST નું નેતૃત્વ કરશે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ ટેકનોલોજી, સાયબર સિક્યોરિટી, મેન્યુફેક્ચરિંગ અને બાયોટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપતા મેઝરમેન્ટ સાયન્સ, ટેકનોલોજી અને ધોરણોને આગળ વધારવા માટે જવાબદાર ફેડરલ એજન્સી છે. રમણે જણાવ્યું હતું કે તેઓ આ પદ પર સેવા આપવા બદલ ગૌરવ અનુભવે છે અને અમેરિકન ઇનોવેશનને વેગ આપવા માટે ઉદ્યોગો, સાહસિકો અને અન્ય હિસ્સેદારો સાથે NIST ની ભાગીદારીને વિસ્તારવા માટે ઉત્સુક છે.
00000000000000000000000000000000000000000000000000000
મેડિકલ ડિવાઇસના ગેરકાયદેસર ઉપયોગ અને હેલ્થકેર કૌભાંડ મામલે સંજીવ કુમારને 20 વર્ષની કેદ
મેમ્ફિસઃ મેમ્ફિસના ભારતીય મૂળના ગાયનેકોલોજિસ્ટ સંજીવ કુમારને હજારો બાયોપ્સી પ્રક્રિયાઓમાં અયોગ્ય મેડિકલ ડિવાઇસનો ઉપયોગ કરવા અને મેડિકેર તેમજ મેડિકેડ યોજનાઓ સાથે છેતરપિંડી કરવા બદલ 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ફેડરલ જ્યુરીએ જાન્યુઆરીમાં સંજીવ કુમારને તબીબી ઉપકરણોમાં ભેળસેળ કરવાના 18 ગુના, મેડિકલ ડિવાઇસના મિસબ્રાન્ડિંગના 16 ગુના અને હેલ્થકેર ફ્રોડના 6 ગુનામાં દોષિત ઠેરવ્યા હતા. ગાયનેકોલોજિક ઓન્કોલોજિસ્ટ સંજીવ કુમાર મેમ્ફિસમાં પોપ્લર એવન્યુ ક્લિનિક ચલાવતા હતા. તેઓ સિંગલ-યુઝ હિસ્ટરોસ્કોપ અને ગ્રેસ્પર્સનો વારંવાર ઉપયોગ કરતા હતા. તેમણે સપ્ટેમ્બર 2019થી એપ્રિલ 2024 દરમિયાન 15,000થી વધુ બાયોપ્સીમાં આ દૂષિત ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો જેના કારણે હજારો મહિલાઓ પર સ્વાસ્થ્યનું ગંભીર જોખમ ઊભું થયું હતું.
00000000000000000000000000000000000000000000000000000
જ્યોર્જિયામાં પારિવારિક વિવાદમાં ભારતીય મૂળના મહિલા ટેક લીડરની પતિ દ્વારા હત્યા
જ્યોર્જિયાઃ અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટની કોબ કાઉન્ટીમાં પારિવારિક વિવાદમાં ભારતીય મૂળના જાણીતા મહિલા ટેક લીડર શીતલ રેઝિયનની તેના જ પતિ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 56 વર્ષીય કિર્ક રેઝિયને ઘરમાં ચાલી રહેલા ઝગડા દરમિયાન પત્ની શીતલ પર ગોળીબાર કર્યો હતો જેમાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આ હિંસક હુમલામાં તેમનો 23 વર્ષીય પુત્ર જેસન પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી આરોપી પતિ કિર્કની ધરપકડ કરી હતી. શીતલ ટેક જગતમાં પ્રતિષ્ઠિત નામ અને અનુભવ ધરાવતા એન્જિનિયરિંગ લીડર હતા.
00000000000000000000000000000000000000000000000000000
કેલિફોર્નિયામાં પરિવારને ખાઇમાં ધકેલી દેનાર ધર્મેશ પટેલ પરના આરોપ પડતા મૂકાયા
કેલિફોર્નિયાઃ કેલિફોર્નિયામાં પત્ની અને બાળકોની હત્યાના પ્રયાસના આરોપોનો સામનો કરી રહેલા રેડિયોલોજિસ્ટ ધર્મેશ પટેલ પરના આરોપ હટાવી લેવાયા છે. ધર્મેશ પટેલ પર આરોપ હતો કે 2023માં પોતાની ટેસ્લા કારને 250 ફૂટ ઊંડી ખીણમાં ધકેલી પરિવારના સભ્યોની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પટેલના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપીની માનસિક હાલત સ્થિર ન હોવાના કારણે આ પગલું ભર્યું હતું. ત્યારબાદ કોર્ટે પટેલ માટે બે વર્ષનો મેન્ટલ હેલ્થ ડાયવર્ઝન પ્રોગ્રામ મંજૂર કર્યો હતો. આ પ્રોગ્રામ પૂરો થયા બાદ તેમના પરનો ક્રિમિનલ કેસ ડિસમિસ કરી દેવાયો છે.
00000000000000000000000000000000000000000000000000000
ભારતીય સોફ્ટવેર ઇજનેરે પત્નીની હત્યા કરી ભારતમાં રહેતી પ્રેમિકાને લાશની તસવીર મોકલી
ન્યૂયોર્કઃ અમેરિકામાં પોતાના એપાર્ટમેન્ટમાં જ મહિલાના રહસ્યમય મોતના નવ મહિના બાદ તેના પતિ 30 વર્ષીય ભારતીય સોફ્ટવેર એન્જિનિયર અવિનાશ નારનેની ધરપકડ કરવામાં આવી છે. બેલેવ્યુ પોલીસના જણાવ્યા અનુસાર અવિનાશે પત્ની રજીથા સબ્બીનેની ગળું દબાવીને હત્યા કરી હતી અને ઘટનાને અકસ્માતનું રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અવિનાશ નારનેના ભારતમાં એક યુવતી સાથે છેલ્લા ઘણા વર્ષોથી ગુપ્ત સંબંધો હતા. તેમ છતાં અવિનાશના લગ્ન રજીથા સાથે કરવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે અવિનાશની પ્રેમિકા તેના લગ્નમાં પણ હાજર રહી હતી. લગ્ન પછી અમેરિકા ગયા બાદ પણ બંને વચ્ચે આ સંબંધો ચાલુ રહ્યા હતા. અવિનાશ સામે ફર્સ્ટ-ડિગ્રી મર્ડરનો ગુનો નોંધવામાં આવ્યો છે.
00000000000000000000000000000000000000000000000000000
ફ્લોરિડામાં વિકૃત ગુજરાતી ડોક્ટર ચિંતન શાહની ધરપકડ
ફ્લોરિડાઃ ફ્લોરિડામાં કિડની સ્પેશિયાલિસ્ટ તરીકે ફરજ બજાવતા ડો. ચિંતન શાહ નામના ગુજરાતીની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ છે. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ડોક્ટર એવા ચિંતન શાહ પર સોશિયલ મીડિયા પર અશ્લિલ વીડિયો શેયર કરવાનો ફેલોની ચાર્જ લગાવવામાં આવ્યો છે. હાલ તેઓ કોઈ બોન્ડ વિના જ જેલમાં બંધ છે. ચિંતન શાહ વિરૂદ્ધ એક ટીપ મળ્યા બાદ એપ્રિલ મહિનામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ચિંતન શાહનું સોશિયલ મીડિયા એકાઉન્ટ શોધી કાઢ્યા બાદ તપાસ હાથ ધરી હતી જેમાં તેમની પાસેથી અશ્લિલ વીડિયો મળી આવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર જે સગીરા સાથે અશ્લિલ વાતો કરી હતી તેનો તમામ ડેટા પણ લેવાયો હતો.
00000000000000000000000000000000000000000000000000000
લુઇસિયાનામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી માટે આશિષ કપૂરને 121 મહિનાની જેલ
લુઇસિયાનાઃ અમેરિકા લુઇસિયાનામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીમાં સંડોવાયેલા ભારતીય નાગરિક આશિષ કપૂરને 10 વર્ષ 1 મહિનાની કેદની સજા કરાઇ છે. આશિષ કપૂર ઉર્ફે રોમી કપૂરે ગુનાની કબૂલાત કર્યા બાદ યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેને 121 મહિનાની કેદની સજા ફટકારી છે. આશિષ કપૂર 21 ફેબ્રુઆરી 2024ના રોજ મુંબઈથી ન્યૂ ઓર્લિયન્સ આવ્યો હતો. ન્યૂ ઓર્લિયન્સ પોલીસે 20 ડિસેમ્બર 2024ના રોજ તેની ધરપકડ કરી હતી. તેની પાસે રહેલા મોબાઇલ ફોનમાંથી સગીરોના જાતીય શોષણ દર્શાવતા વીડિયો અને 600થી વધુ તસવીર મળી આવ્યાં હતાં.
00000000000000000000000000000000000000000000000000000
ન્યૂયોર્કમાં મંદિર જઇ રહેલી ભારતીય વિદ્યાર્થિનીનું માર્ગ અકસ્માતમાં મોત
ન્યૂયોર્કઃ ન્યૂયોર્કમાં સર્જાયેલા એક ભીષણ માર્ગ અકસ્માતમાં 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની પ્રસન્ના એટલુરીનું કરૂણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાને પગલે આંધ્રપ્રદેશમાં રહેતા તેના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. તાજેતરમાં પેસ યુનિવર્સિટીની લ્યુબિન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી સ્નાતક થયેલી પ્રસન્નાની કારને પાછળથી આવી રહેલા અન્ય વાહને જોરદાર ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. પ્રસન્ના તેના મિત્રો સાથે મંદિર જઇ રહી હતી. તેની કાર ટ્રાફિક સિગ્નલ પર ઊભી હતી ત્યારે પાછળથી આવેલા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પ્રસન્ના સાથે મુસાફરી કરી રહેલી અન્ય એક મહિલાનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર ત્રીજી મુસાફરને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
00000000000000000000000000000000000000000000000000000
અમેરિકાથી કેનેડામાં 850 કિલો ડ્રગ્સની તસ્કરી માટે ગુરઅમૃત સિદ્ધુને 20 વર્ષની જેલ
ઓન્ટારિયોઃ અમેરિકામાંથી કેનેડામાં સેંકડો કિલોગ્રામ મેથામ્ફેટામાઈન અને કોકેનની તસ્કરી કરનાર પંજાબી મૂળના કેનેડિયન નાગરિક ગુરઅમૃત સિદ્ધુને અમેરિકાની ફેડરલ કોર્ટે 20 વર્ષની જેલની સજા ફટકારી છે. ઓન્ટારિયોના બ્રેમ્પટન ખાતે રહેતા 63 વર્ષીય ગુરઅમૃત સિદ્ધુને યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જોન એ. ક્રોનસ્ટેડ દ્વારા આ સજા સંભળાવવામાં આવી છે. સિદ્ધુએ સપ્ટેમ્બર 2020 થી ફેબ્રુઆરી 2023 દરમિયાન ડ્રગ તસ્કરી નેટવર્ક ચલાવવાના આરોપની કબૂલાત કરી હતી. આ સમયગાળામાં સિદ્ધુએ માદક પદાર્થોના આઠ અલગ-અલગ કન્સાઇનમેન્ટ મોકલ્યા હતા જેમાં આશરે 523 કિલો મેથામ્ફેટામાઈન અને 347 કિલો કોકેન સામેલ હતું. આ નશીલા પદાર્થોની અંદાજિત કિંમત 1.5 કરોડથી 1.7 કરોડ અમેરિકી ડોલર જેટલી થવા જાય છે.
00000000000000000000000000000000000000000000000000000
