ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપવા સહમતઃ ડિફેન્સ, ખનિજ અંગે પણ કરાર

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ સાથે દ્વિપક્ષીય મંત્રણા યોજીને મહત્ત્વના કરારો કર્યા હોવાની જાહેરાત કરી. બંને દેશો વચ્ચે યુરોનિયમ સપ્લાય, LNG સપ્લાય તેમજ સંરક્ષણ તથા સૈન્ય સહયોગ અંગે મહત્ત્વના કરાર કરાયા.
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ સાથે દ્વિપક્ષીય મંત્રણા યોજીને મહત્ત્વના કરારો કર્યા હોવાની જાહેરાત કરી. બંને દેશો વચ્ચે યુરોનિયમ સપ્લાય, LNG સપ્લાય તેમજ સંરક્ષણ તથા સૈન્ય સહયોગ અંગે મહત્ત્વના કરાર કરાયા.
બંને નેતાઓએ બંને દેશ વચ્ચેના ઐતિહાસિક સંબંધો, લોકોનું પરસ્પર જોડાણ, વ્યૂહાત્મક રણનીતિ અને પરસ્પર સન્માન અંગે વાતચીત કરી હતી. વ્યાપારી ભાગીદારી મજબૂત બનાવવા ભાર મૂક્યો હતો. સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં મોદીએ કહ્યું કે, બંને દેશો સુરક્ષા સહયોગ પર ભાર મૂકી રહ્યા છે. આ અંગે સહયોગ વધારવા સુરક્ષા સહિત 10 ક્ષેત્રોમાં મહત્ત્વનાં કરાર કરાયા છે.
કયા કયા કરાર થયા?
વડાપ્રધાન મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન સંરક્ષણ સહયોગ, દરિયાઈ સુરક્ષા, યુરેનિયમ અને LNG સપ્લાય, આર્થિક સુરક્ષાને વેગ આપવો, ખનિજો માટે સહયોગ, ઊર્જા અને જળવાયુ પરિવર્તન, સાઇબર સહયોગ, સ્પેસ ટેક્નોલોજીમાં સહયોગ અને લોકો વચ્ચે સંબંધો મજબૂત કરવા અંગેના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ તમામ કરારોમાં યુરેનિયમ અને LNG સપ્લાય ખૂબ મહત્ત્વનું છે. જે અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયાએ પરમાણુ સહયોગ સમજૂતી-2015 હેઠળ યુરેનિયમના શાંતિપૂર્ણ ઉપયોગ અંગે સમજૂતી કરી હતી. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ના સુરક્ષા દાયરામાં ભારતને યુરેનિયમ મળશે. ભારત દ્વારા LNG, કોલસો અને ડીઝલ પણ આયાત કરાશે.
ઓસ્ટ્રેલિયાના બિઝનેસમેનને આમંત્રણ
ભારતનાં પીએમ મોદીએ ગુરુવારે ઓસ્ટ્રેલિયાની કંપનીઓ અને ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. તેમણે ભારતમાં લાંબાગાળા માટે રોકાણના લાભ જણાવ્યા હતા. તેમણે ઓસ્ટ્રેલિયાને કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક કો ઓપરેશન એગ્રીમેન્ટ (CECA)ને ઝડપથી પૂરો કરવા હાકલ કરી હતી. મોદીએ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા CEO ફોરમ તેમજ ઈકોનોમિક રોડમેપ બિઝનેસ ઈવેન્ટમાં આ અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ભારત-ઓસ્ટ્રેલિયાના મુખ્ય ઉદ્યોગપતિઓ અને CEO તેમજ બિઝનેસ લીડર્સ હાજર રહ્યા હતા. મોદીએ કહ્યું કે, ભારતમાં રોકાણની અનેક તકો છે, જેમાં એવિએશન, ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ, નાણાકીય સેવાઓ, ક્રિટિકલ મિનરલ્સ, ટેક્નોલોજી, ફૂડ પ્રોસેસિંગ, ફૂડ સિક્યોરિટી અને સ્કિલિંગ જેવા સેકટરમાં વિકાસની વિપુલ સંભાવના છે.
