ડોક્ટર શરીરની સારવાર નથી જ કરતો, જીવનને પણ સ્પર્શે છે

શ્રોતાઓ અને વાંચકો માટે ગુજરાત સમાચારનો વિશેષ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ કાયમ જ્ઞાનવર્ધક વિષયો સાથે રજૂ થતો આવ્યો છે. આ કાર્યક્રમ થકી અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર લોકસુખાકારી અને જ્ઞાન પિરસવાનો જ રહ્યો છે. આવી જ જાણવાલાયક અને જ્ઞાનવર્ધક ચર્ચા લઈને ‘સોનેરી સંગત’નો અધ્યાય-79 રજૂ થયો. જેમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશન-યુકેનાં ગ્રેજ્યુએટ્સ ડોક્ટર્સના અનુભવો અંગે વિષદ્ ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત કરતાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે જણાવ્યું કે, અમદાવાદ મેડિકલ એસોસિયેશન યુકેમાં લાંબા સમયથી કાર્યરત્ છે, જેની સ્થાપના કરવામાં ડો. ગૌતમભાઈ બોડીવાલાનો સિંહફાળો રહ્યો છે, એમની સાથે અન્ય સ્થાપકોમાં ડો. વિપીનભાઇ ત્રિવેદી, ડો. હરિકૃષ્ણ પટેલ, ડો. રમેશભાઈ ગાંધી, રમણીકભાઈ શાહનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. 1948માં શરૂ થયેલી બ્રિટનની એનએચએસ દુનિયાભરમાં એક અદ્વિતીય સર્વિસ છે. એનએચએસની શરૂઆતથી જ ભારતીય ડોક્ટર્સને ભરતી કરાયા હતા. 15થી 17 વર્ષ પહેલાંના ઓવરસીઝ મેડિકલ એસોસિયેશનના રિપોર્ટ મુજબ 60 હજાર લોકો ભારતથી અહીં આવ્યા હતા, જેમાં 17થી 20 હજાર જેટલા લોકો ગુજરાતી જ હતા.
શ્રોતાઓ અને વાંચકો માટે ગુજરાત સમાચારનો વિશેષ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ કાયમ જ્ઞાનવર્ધક વિષયો સાથે રજૂ થતો આવ્યો છે. આ કાર્યક્રમ થકી અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર લોકસુખાકારી અને જ્ઞાન પિરસવાનો જ રહ્યો છે. આવી જ જાણવાલાયક અને જ્ઞાનવર્ધક ચર્ચા લઈને ‘સોનેરી સંગત’નો અધ્યાય-79 રજૂ થયો. જેમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશન-યુકેનાં ગ્રેજ્યુએટ્સ ડોક્ટર્સના અનુભવો અંગે વિષદ્ ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત કરતાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે જણાવ્યું કે, અમદાવાદ મેડિકલ એસોસિયેશન યુકેમાં લાંબા સમયથી કાર્યરત્ છે, જેની સ્થાપના કરવામાં ડો. ગૌતમભાઈ બોડીવાલાનો સિંહફાળો રહ્યો છે, એમની સાથે અન્ય સ્થાપકોમાં ડો. વિપીનભાઇ ત્રિવેદી, ડો. હરિકૃષ્ણ પટેલ, ડો. રમેશભાઈ ગાંધી, રમણીકભાઈ શાહનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. 1948માં શરૂ થયેલી બ્રિટનની એનએચએસ દુનિયાભરમાં એક અદ્વિતીય સર્વિસ છે. એનએચએસની શરૂઆતથી જ ભારતીય ડોક્ટર્સને ભરતી કરાયા હતા. 15થી 17 વર્ષ પહેલાંના ઓવરસીઝ મેડિકલ એસોસિયેશનના રિપોર્ટ મુજબ 60 હજાર લોકો ભારતથી અહીં આવ્યા હતા, જેમાં 17થી 20 હજાર જેટલા લોકો ગુજરાતી જ હતા.
આગળ જતાં કન્સલ્ટિંગ એડિટર કોકિલાબહેન પટેલે કાર્યક્રમની ધુરા સંભાળી. અમદાવાદ મેડિકલ એસોસિયેશનના સ્થાપક ગૌતમભાઈ બોડીવાલાનું સ્વાગત કરતાં કોકિલાબહેને કહ્યું, લેસ્ટર રોયલ ઇન્ફર્મરી હોસ્પિટલમાં એક્સિડેન્ટ ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટને ગૌતમ બોડીવાલાનું નામ અપાયું છે. યુ.કે.નો આ એકમાત્ર ડિપાર્ટમેન્ટ છે, જેને કોઈનું નામ અપાયું હોય. ગૌતમભાઈને એક્સિડેન્ટ-ઇમર્જન્સી મેડિકલ કેરમાં હાઇએસ્ટ ઇન્ટરનેશનલ લીડરશિપ એવોર્ડ એનાયત કરાયો છે.
કોકિલાબહેન પટેલઃ અમદાવાદ મેડિકલ એસોસિયેશનની સ્થાપના ક્યારે થઈ?
ગૌતમભાઈઃ મેં એક વખત મારા અમદાવાદથી મિત્ર એવા કાર્ડિયો સર્જન મિત્ર ડો. રમેશ ગાંધીને બી.જે. મડિકલ કોલેજના ગ્રેજ્યુએટ્સનું એક સોશિયલ એસોસિયેશન ઊભું કરવાની ઇચ્છા વ્યક્ત કરી. આ સમયે રમેશભાઈએ વાત કરી કે, ‘હું, પ્રેસ્ટનમાં ઓક્યુપેશનલ મેડિસિનના કન્સલ્ટન્ટ હરિકૃષ્ણ પટેલ અને રમેશભાઈ ગાંધી અમે ભેગા મળીને આ જ વિચાર કરતા હતા.’ આ સમયે આ બીડું મેં ઝડપી લીધું અને 1983માં સૌપ્રથમ અમે ભેગા મળ્યા. શરૂઆતમાં આ એસોસિયેશન ચાલવા અંગે લોકો શંકા-કુશંકાઓ કરતા હતા. જો કે અમારી શરૂઆતને આટલાં વર્ષો સુધી ચલાવવામાં અમદાવાદ મેડિકલના ગ્રેજ્યુએટ્સે જે સાથ આપ્યો છે તેના બદલ તેમનો આભાર.
બી.જે. મેડિકલ કોલેજના ગ્રેજ્યુએટ્સથી શરૂઆત બાદ અમે વી.એસ.ના એનએચએલ મેડિકલ કોલેજના ગ્રેજ્યુએટ્સનો પણ સમાવેશ કર્યો, જેથી અમદાવાદ મેડિકલનું એક આખું વૃંદ એકત્ર થાય.
એસોસિયેશનમાં તમે દરવર્ષે એકત્ર થાઓ છો તેની પાછળનો હેતુ શું?
ગૌતમભાઈઃ અમારા એકત્ર થવા પાછળનું સૌથી મોટું કારણ ગ્રેજ્યુએટ્સ અને તેમના પરિવાર સાથે એક ઘરોબો ઊભો કરવાનું છે. એકબીજા મળે, ઓળખાણ થાય, વાતચીત થાય, સંબંધો કેળવાય તે મુખ્ય હેતુ છે. આ સિવાય નવા ગ્રેજ્યુએટ્સની કઈ રીતે મદદ થઈ શકે તેનો પણ ઉદ્દેશ્ય છે.
તમે જ્યારે અહીં આવ્યા ત્યારે તમને ડિસ્ક્રિમેનેશન જેવો કોઈ ખરાબ અનુભવ થયો હતો?
ગૌતમભાઈઃ આમ તો મને આવો કોઈ અનુભવ થયો નથી. જો કે સ્વાભાવિક છે કે જ્યારે સંસ્કૃતિ-રંગ-વિચાર અને ધર્મ જુદા હોય ત્યારે કુતૂહલતા થાય કે બહારથી આવેલા આ માણસની પર્સનાલિટી શું છે. આ કારણે સ્થાનિકો સાથે થોડું અંતર ક્રિએટ થાય છે.
શરૂઆતની અને હાલની એનએચએસ પ્રેક્ટિસમાં આપને શું ફરક લાગે છે?
ગૌતમભાઈઃ પ્રથમ તો એનએચએસનું આખું માળખું જ બદલાઈ ગયું છે. જે ટ્રેડિશનલ મેડિસિન સર્જન અને ગાયનેકોલોજીના વિભાગ હતા, તેની સામે પુષ્કળ સ્પેશિયાલિટી ઉત્પન્ન થવા લાગી છે. જ્યારે વધારે સ્પેશિયાલિટી ઊભી થાય તેના લાભ અને ગેરલાભ બંને છે. આ તમામ સ્થિતિમાં એનએચએસમાં બ્યૂરોક્રસી પણ આવવા લાગી છે. હું ક્લિનિકલ પ્રેક્ટિસથી રિટાયર્ડ થઈ ગયો છું, પરંતુ રોયલ કોલેજ ઓફ ઇમર્જન્સી મેડિસિનની ત્રણ કમિટીમાં સામેલ છું.
ગૌતમભાઈ બોડીવાલાના અનુભવ સાંભળ્યા બાદ કોકિલાબહેને એનેસ્થેટિક ડો. વિપીનભાઈ ત્રિવેદીને પૂછયું, ‘તમે ક્યારે અને કેવી રીતે યુકે આવ્યા હતા?’
વિપીનભાઈઃ હું 1968માં યુકે આવ્યો હતો. હું અમદાવાદની એલજી હોસ્પિટલમાં સિનિયર લેક્ચરર અને એનેસ્થેટિક તરીકે કામ કરતો હતો. મારે પહેલેથી યુકે આવવું હતું, જેથી હું એમ્પ્લોયમેન્ટ વાઉચરની રાહ જોતો હતો. આવા સમયે હું ડોક્ટર લોન્જમાં બેઠો હતો, ત્યાં કાર્ડિયોલોજિસ્ટ ડો. રમેશભાઈ કાપડિયા આવ્યા અને મને કહ્યું કે, ‘તારે યુકે જવું છે?’ જેનો જવાબ મેં ‘હા’માં આપ્યો અને અમારી વાત પતી ગઈ.
દસમા દિવસે ન્યૂ કેસલથી મારા પર ટેલિગ્રામ આવ્યો, જેમાં કહેવાયું હતું કે, ‘તમારું નામ ખૂબ આગળ આવ્યું છે અને અમારે એનેસ્થેટિક્સની જરૂર છે. તાર મળ્યે અઠવાડિયામાં જવાબ આપશો.’ આ અંગે મેં મારાં પત્ની દેવયાનીને જાણ કરી, જેના પ્રોત્સાહનથી હું અઠવાડિયામાં અહીં આવી ગયો અને ન્યૂ કેસલ પહોંચી ગયો. લંડનમાં ઉતરતાં જ ડો. ડોલરભાઈ ભુપતાણીએ સમગ્ર વ્યવસ્થા ગોઠવી રાખી હતી. જે બાદ મેં ‘રોયલ ઇન્ફર્મરી’માં જોબ શરૂ કરી.
અમારો બેઝ ન્યૂ કેસલમાં હતો પણ રોટેશન થયા કરતું. અઢી મહિના બાદ હેડ ઓફ ડિપાર્ટમેન્ટે મને બોલાવ્યો અને કહ્યું, ‘મારી ઇચ્છા છે કે તમે આનાથી આગળની પદવી માટે એપ્લાય કરો.’ આગળ જતાં મને 4 ટીચિંગ હોસ્પિટલમાં બોલાવાયો. હું સૌપ્રથમ સ્કોટલેન્ડની એબરડિન રોયલ ઇન્ફર્મરીમાં ઇન્ટરવ્યૂ માટે ગયો હતો. જ્યાં હું પાસ પણ થઈ ગયો, પરંતુ એપોઇન્ટમેન્ટ લેટર મને કમિટીના નિર્ણય બાદ આપવા કહ્યું હતું.
એક વખત મેં જ્યારે સાઉથપોર્ટની હોસ્પિટલમાં એપ્લાય કર્યું હતું, ત્યારે એપોઇન્ટમેન્ટ માટે જેણે એપ્લાય નહોતું કર્યું, તેને જોબ આપી દેવાઈ અને મને ન મળી. જો કે ત્રીજા જ દિવસે મને સિનિયર ડેન્ટલ સર્જન જ્હોન ડાઉટીનો ફોન આવ્યો. તેમણે મને કહ્યું કે, ‘શું તમે ફ્રીલાન્સ કન્સલ્ટન્ટ એનેસ્થેટિક્સ ફોર ડેન્ટલ એન્ડ અધર સ્પેશિયાલિટી તરીકે જોડાવા માગો છો?’ આમ હું ત્યાં જોડાઈ ગયો અને ઘણું શીખ્યો.
અમદાવાદમાં ક્યારેય ન જોયેલાં મશીનોથી હું ઘેરાયેલો હતો. આ સ્થિતિને પહોંચી વળવા હું સવારે જતો અને મશીનની બુક લઈ તેને સમજતો, આ સમયે મને ત્યાંના લોકલ ડોક્ટર્સનો સાથ પણ મળતો હતો. આમ તમામ મશીન મેં જાણી લીધાં. તમે પૂછયું હતું ને કે એનએચએસમાં શું ફરક છે. નેશનલ હેલ્થ સર્વિસના નામે તે ‘નો હેલ્થ સર્વિસ’ જેવી સ્થિતિ છે.
કોકિલાબહેને જણાવ્યું કે, આજના ઝૂમ પ્રોગ્રામમાં લંડનમાં ડોક્ટર્સનું ગેટ ટુ ગેધર યોજનારા કન્વિનર ડો. દિલીપભાઈ અમીન સંજોગોવશાત જોડાઈ શક્યા નથી પણ આપણી સાથે ઝૂમમાં રોયલ ગ્વેન્ટ હોસ્પિટલ ન્યૂપોર્ટથી ઓર્થોપેડિક સર્જન, કન્સલ્ટન્ટ અને અમદાવાદ મેડિકલ એસો.ના વાઇસ પ્રેસિડેન્ટ હેમાંગ મહેતા તથા સાઉથ કોસ્ટ ઇંગ્લેન્ડના ઓર્થોપેડિક સર્જન-કન્સલ્ટન્ટ નીરવભાઈ શાહ, ન્યૂ કેસલથી ઓર્થોપેડિક સર્જન હેમેન્દ્રભાઈ ગાંધી, સર્જન-કન્સલ્ટન્ટ અર્પિતભાઈ પટેલ, માંચેસ્ટરથી સાઇકિયાટ્રીસ્ટ ડો. શશિ વૈદ્ય, કાર્ડિફથી ડો. મીનાક્ષીબહેન દેસાઈ તેમજ લેસ્ટરથી ડો. ઇન્દ્રવદન, ઇસ્ટ લંડનથી ડો. સી.એમ પટેલ, ડો. અશ્વિનભાઈ શાહ, ડો. સ્મિતા પટેલ જોડાયાં છે.
ન્યૂપોર્ટની ઓર્થોપેડિક સર્જન અને અમદાવાદ મેડિકલ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ હેમાંગભાઈ મહેતાને કોકિલાબહેને પૂછયું કે, ‘તમે યુકે ક્યારે આવ્યા અને એનએચએસમાં તમારો શું અનુભવ છે?’
હેમાંગભાઈ મહેતાઃ અમે 1995માં યુકે આવ્યા. મેં અમદાવાદમાં એનએચએલ મેડિકલથી ઓર્થોપેડિક સર્જરી અને પત્ની કિન્નરીએ એનેસ્થેટિક્સ કર્યું હતું. અહીં આવી પ્રથમ પ્રાયોરિટી જોબ શોધવાની હતી. હું પહેલાં ન્યૂ કાસલ ગયો અને ત્યાં મંદિરમાં એએમએના અમદાવાદ ગ્રેજ્યુએટ્સ મળી ગયા, જે મુલાકાત ફળદાયી રહી. તેમની મદદથી જ હું એનએચએસમાં એસએચઓ તરીકે 18થી 24 મહિના સુધી જોડાયો. બાદમાં રજિસ્ટ્રારની જોબ માટે એપ્લાય કર્યું. બે વર્ષ બાદ અમારા બંને પાસે કોઈ જોબ નહોતી. આવા વિકટ સંજોગોમાં અમે વિચાર્યું કે ઇન્ડિયા પાછા જતાં રહીએ પણ એ પહેલાં અમે નક્કી કર્યું કે ટિકિટ બુક કરી એમ્સસ્ટર્ડેમ, બ્રસેલ્સ અને બુડાપેસ્ટ ફરી આવીએ.
જોકે અમે ત્યાં પહેલા ફરવાના આશયથી ગયાં અને પાછા આવ્યાં ત્યારે ઘરે ઇન્ટરવ્યૂની ત્રણ પોસ્ટ પડી હતી. આમ અમે બંનેએ તે ઇન્ટરવ્યૂ આપ્યા અને મારી પ્રથમ રજિસ્ટ્રાર તરીકેની જોબ શરૂ થઈ, પરંતુ તે રોટેશનમાં હતી. રજિસ્ટ્રાર તરીકે કામ કરતાં તમે કન્સલ્ટન્ટ તરીકે ન રહી શકો. ટ્રેનિંગ પ્રોગામમાં એન્ટર થવું પડે તે તો ન બન્યું, પરંતુ થોડું પ્રોગ્રેશન જરૂર મળ્યું. વર્ષ 2002થી 2008 સુધી રજિસ્ટ્રાર તરીકે સ્ટ્રગલ કરતો રહ્યો, જેમાંથી કન્સલ્ટન્ટ તરીકે આવતાં 8 વર્ષ નીકળી ગયાં.
કોકિલાબહેને હેમાંગભાઈને સરસ સવાલ કર્યો કે, ‘આપણા બાપદાદાઓ કે વડવાને પહેલાના વખતમાં ગોઠણ (ઢીંચણ) કે હિપ્સ ભાંગવાના પ્રોબ્લેમ થતા નહીં, હવે જેણે તેણે આનાં ઓપરેશન કરવાં પડે છે! એનો ઉત્તર આપતાં હેમાંગભાઇએ કહ્યું કે, ‘અત્યારના ફૂડ, લાઇફસ્ટાઇલ અને વજનના કારણે આ પ્રોબ્લેમ વધી રહ્યા છે.’
કોકિલાબહેનઃ આજે આપણી સાથે ડો. જિમ (ડો. ઘનશ્યામ એમ. પટેલ) હાજર છે, જેઓ લેસ્ટરમાં વર્ષોથી પોતાની ફરજ બજાવે છે. તમે અમદાવાદમાં કયા વર્ષમાં તબીબ થયા અને અહીં ક્યારે આવ્યા?
ડો. જિમઃ હું કેન્યામાં જન્મ્યો હતો અને 1964માં અમદાવાદમાં પ્રિમેડિસિન કરવા ગયો. 1969માં મેં એમબીબીએસ કર્યું અને 1974માં એમએસ ઇન જનરલ સર્જરી થયો અને તે બાદ મને સિનિયર લેક્ચરર ઇન સર્જરી તરીકે ડેન્ટલ કોલેજ અને બી.જે. મેડિકલ કોલેજમાં નિમ્યો. 1974 સુધી અમદાવાદમાં ફરજ બજાવી હું કેન્યા ગયો. નાઇરોબીમાં આગાખાન હોસ્પિટલમાં મને સિનિયર રજિસ્ટ્રારની જોબ મળી. નાઇરોબીમાં 4 વર્ષ પ્રેક્ટિસ કર્યા બાદ 1978માં હું કિસુમુ ગયો અને ત્યાં એક સર્જન તરીકે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી. જો કે 1988માં વિચાર કર્યો કે કેન્યાના હોવાના કારણે આપણે બ્રિટિશ સિટીઝન છીએ, તો આપણે યુકે જઈએ. સૌપ્રથમ મેં મારા પુત્રને વર્ષ 1985માં ઓક્સફર્ડમાં અભ્યાસઅર્થે મૂક્યો, જે બાદ 1988માં મારાં ગાયનેકોલોજિસ્ટ પત્ની ઇન્દિરા અહીં આવ્યાં અને ચેસ્ટરમાં તેમને જોબ મળી. જે બાદ ત્યાં જ જરૂર ઊભી થતાં મને પણ તેમની સાથે જ જોબ મળી ગઈ. આમ હું અને મારો પુત્ર ડિસેમ્બર 1988માં યુકે આવ્યા.
ચેસ્ટરમાં 6 મહિના કામ કર્યું, જે બાદ 6 મહિના નોર્થ હેમ્પ્ટનમાં અને એક વર્ષ સાઉથ વેલ્સમાં કામ કર્યું. આ દરમિયાન રંગભેદનો શિકાર અમે ખૂબ બન્યાં. જો કે વેલ્સમાં લોકોનો ખૂબ સારો અનુભવ થયો. 1991માં અમે લેસ્ટર આવી સેટલ થઈ ગયાં અને પ્રેક્ટિસ શરૂ કરી.
ડો. અશ્વિનભાઈ શાહને આમંત્રિત કરતાં કોકિલાબહેને તેમના અનુભવ વર્ણવવા કહ્યું
અશ્વિનભાઈ: મારે ફક્ત બે મુદ્દા કહેવા છે. મેં સ્વાસ્થ્ય અને માનવ વિકાસ પર ઘણું સંશોધન કર્યું છે. તેથી હું કહેવા માગું છું કે, એશિયન સમુદાય એનએચએસની વિચારધારા અને અધિકારો વિશે જાગૃત નથી. તેમણે ક્યારેય એકસમાન પ્રણાલીગત અભિગમનો અનુભવ કર્યો નથી, તેથી ઘણી વખત તેનાથી નિર્ણય લેવામાં વિલંબ થાય છે. તેમના આ વિલંબિત નિર્ણયને ઘણીવાર ઇનકાર તરીકે જોવાય છે અને તેનું પરિણામ બદલાઈ જાય છે.
મને લાગે છે કે આપણે બધાએ સામૂહિક રીતે સુનિશ્ચિત કરવું પડશે કે આપણે એનએચએસનો ઉપયોગ કેવી રીતે કરવો. બીજી વાત હું કહેવા માગું છું કે, આરોગ્ય સેવામાં ભેદભાવ અને અસમાનતા વિશે ઘણું કહેવાય છે, પરંતુ તે જ સમયે આ આરોગ્ય સેવાએ આપણા સૌને સમાનતા અને આપણા અધિકારો વિશે જાગૃત કર્યા છે. અને તે અંતર્ગત હું વ્યક્તિગત રીતે એનએચએસનો આભાર માનું છું. બીજો મુદ્દો ભેદભાવનો છે. મને લાગે છે કે આપણે બધાએ આ પડકારનો વધુ સારો સામનો કર્યો છે. આપણે તેને સ્વીકારવો જોઈએ.
અંતમાં ડો. ગૌતમભાઈ બોડીવાલાએ જણાવ્યું કે, ‘હું ઇચ્છું છું કે AMA(UK) એક સરવે કરે કે UK માં BJ મેડિકલ કોલેજ અને NHL મેડિકલ કોલેજથી કેટલા સ્નાતકો છે. મને આવનારાં વર્ષોમાં AMA(UK) માટે ઉજ્જવળ ભવિષ્ય દેખાય છે, જે નવા આવનારાઓને પણ આકર્ષિત કરશે. હું ઇચ્છું છું કે અહીં જન્મેલા અને અહીં સ્થાયી થયેલાં અમારાં બાળકો શક્ય હોય તો ભાગ લે!’
કાર્યક્રમનું સમાપન કરતાં ભારતીબહેન પંકજ વોરાએ જણાવ્યું કે, આપે આપના વ્યવસાયની વાત નહીં, પરંતુ જીવનમૂલ્યો, સંઘર્ષો, સેવાભાવ અને માનવતાની પણ વાત કરી. અમને સમજાવ્યું કે સારો ડોક્ટર માત્ર શરીરની સારવાર નથી કરતો, તે જીવનને પણ સ્પર્શે છે.
