દાદા કિંગ ચાર્લ્સ અને પૌત્ર-પૌત્રીનું 4 વર્ષ બાદ મિલન
કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ ગત શુક્રવારે બપોરે હાઇગ્રોવ ખાતે ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ તેમજ તેમના બાળકોની યજમાની કરી હતી. કિંગ ચાર્લ્સ ચાર વર્ષમાં પ્રથમ વખત તેમના પૌત્ર પ્રિન્સ આર્ચી અને પૌત્રી પ્રિન્સેસ લિલીબેટને મળ્યા હતા.
લંડનઃ કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ ગત શુક્રવારે બપોરે હાઇગ્રોવ ખાતે ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ તેમજ તેમના બાળકોની યજમાની કરી હતી. કિંગ ચાર્લ્સ ચાર વર્ષમાં પ્રથમ વખત તેમના પૌત્ર પ્રિન્સ આર્ચી અને પૌત્રી પ્રિન્સેસ લિલીબેટને મળ્યા હતા. જૂન 2022માં દિવંગત મહારાણી એલિઝાબેથ દ્વિતીયની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી બાદ કિંગે સાત વર્ષના પ્રિન્સ આર્ચી અને પાંચ વર્ષની પ્રિન્સેસ લિલીબેટને પ્રથમ વાર જોયા છે. ડચેસ ઓફ સસેક્સ મેઘન માર્કલ અને બાળકો યુરોપથી ખાનગી વિમાન દ્વારા બ્રિટન પહોંચ્યા હતા.
આ પારિવારિક મિલન સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવ્યું હતું અને તેની કોઈ તસવીરો જાહેર કરવામાં આવશે નહીં. પ્રિન્સ હેરી પોતાના પિતા સાથે બાળકોની મુલાકાત કરાવવા માટે લાંબા સમયથી ઉત્સુક હતા. તાજેતરના મહિનાઓમાં તેમણે કિંગ સાથે નિયમિત ફોન પર વાતચીત કરીને સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યા છે.
ડચેસ મેઘન માર્કેલે છેલ્લે સપ્ટેમ્બર 2022માં બ્રિટનની મુલાકાત લીધી હતી, જે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાનના સમયગાળા સાથે સુસંગત હતી. તેના ત્રણ મહિના પહેલા આ પરિવાર કેલિફોર્નિયાથી પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી માટે યુકે આવ્યો હતો.
