દેવશયન પર્વ અને ચાર્તુમાસ માહાત્મ્ય

અષાઢ સુદ-11 એટલે દેવશયની એકાદશી. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. આ પવિત્ર દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. શ્રદ્ધાળુઓ, ભક્તો આ ચાતુર્માસ દરમિયાન અનેક પ્રકારનાં નિયમો અને બંધનો રાખે છે. સમગ્ર ચાતુર્માસ દરમિયાન વધુ ને વધુ પ્રભુનું નામસ્મરણ કરે છે. આ ચાર્તુમાસનું માહાત્મ્ય અનેક ધર્મોમાં જોવા મળે છે.
અષાઢ સુદ-11 એટલે દેવશયની એકાદશી. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. આ પવિત્ર દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. શ્રદ્ધાળુઓ, ભક્તો આ ચાતુર્માસ દરમિયાન અનેક પ્રકારનાં નિયમો અને બંધનો રાખે છે. સમગ્ર ચાતુર્માસ દરમિયાન વધુ ને વધુ પ્રભુનું નામસ્મરણ કરે છે. આ ચાર્તુમાસનું માહાત્મ્ય અનેક ધર્મોમાં જોવા મળે છે.
જૈન ધર્મના અનુયાયીઓ દેરાસર જઈને મંત્રજાપ - અનુષ્ઠાન કરે છે. ધર્મગુરુના આશ્રયમાં રહીને જ્ઞાન સંપાદન કરે છે. બૌદ્ધ ધર્મના ભિક્ષુકો કોઈ એક જ સ્થાનમાં રહીને આરાધના કરે છે. વિચરણ સંપૂર્ણપણે ટાળે છે. હિન્દુ ધર્મમાં પણ ચાતુર્માસનું માહાત્મ્ય અકબંધ છે. પૌરાણિક કથા અનુસાર આ દિવસે શંખાસુર અસુર મૃત્યુ પામ્યો હતો. આ પવિત્ર દિવસે એકાદશીનું માહાત્મ્ય સહુ પ્રથમ બ્રહ્માજીએ નારદજીને બતાવ્યું હતું એ જ માહાત્મ્ય ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠરને કહી સંભળાવીને તેઓનું કલ્યાણ કર્યું હતું. કહેવાય છે કે, સૂર્યવંશના માંધાતા રાજા ખૂબ સુખી હતા. સમયાંતરે બ્રાહ્મણનું કર્તવ્ય બીજા લોકો કરી રહ્યા હતા. તેના પાપ સ્વરૂપ તેના રાજ્યમાં આકરો દુકાળ પડયો. રાજા તો ખૂબ ચિંતિત થયા. પ્રજા ત્રાહિમામ્ પોકારી રહી હતી. અંગિરા ઋષિના માર્ગદર્શનથી આ દેવશયની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના ફળસ્વરૂપે ફરીથી
રાજ્ય હર્યુંભર્યું થઈ ગયું. કૃષ્ણના માર્ગદર્શનથી પાંડવોએ પણ આ વ્રત કર્યું અને પીડામુક્ત તથા પાપમુક્ત થયા. સુખી થયા. આને દેવપોઢી એકાદશી તથા પદ્મનાભ એકાદશી (આ વર્ષે 25 જુલાઇ) પણ કહેવાય છે.
દેવશયન પર્વનો પ્રારંભ (ચાતુર્માસ)
ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે, ‘મોક્ષની ઈચ્છા રાખનાર મનુષ્યએ, શ્રી હરિને પ્રસન્ન કરવા હેતુ દેવશયન વ્રત કરવું અને ચાર્તુમાસના પાળવાના નિયમો તથા વ્રતના સંકલ્પો પણ કરવા.’
કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ અગિયારસે શ્રી હરિને પોઢાડવામાં આવે છે. અર્થાત્ શ્રી હરિ વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં જઈને બલીરાજા પાસે નિવાસ કરે છે. ક્ષીરસાગરમાં યોગનિદ્રા કરે છે. આ દિવસે શ્રી હરિને પંચામૃતથી સ્નાન કરાવી શ્વેત વસ્ત્રથી આચ્છાદિત પલંગશય્યા પર સુવાડવામાં આવે છે. ધૂપ-દીપ-ચંદન, વસ્ત્ર પ્રસાદ-પુષ્પ અર્પણ કરીને તે દિવસે ઉપવાસ કરવાનું માહાત્મ્ય છે.
ચાતુર્માસમાં પ્રભુ ક્ષીરસાગરમાં યોગનિદ્રા શું કામ કરે છે?
આ બાબતે બલીરાજાની કથા ખૂબ પ્રચલિત છે. શ્રી હરિ વિષ્ણુ વામન સ્વરૂપ ધારણ કરી બલીના યજ્ઞાકાર્યમાં પધાર્યા. બલી પાસે ત્રણ ડગલાં જમીન માંગી ત્યારે વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરીને પ્રથમ ડગલામાં સંપૂર્ણ પૃથ્વીલોક, બીજા ડગલામાં તમામે તમામ લોક માપી લીધા. ત્રીજા ડગલાં માટે જગ્યા જ બચી ન હતી. બલીરાજાના કહેવા મુજબ ત્રીજું ડગલું વામન સ્વરૂપ શ્રી હરિ વિષ્ણુએ બલીરાજાના મસ્તક ઉપર મૂક્યું અને બલીરાજાને પાતાળલોકના અધિપતિ બનાવી દીધા. બલીએ વરદાનમાં કાયમ માટે શ્રી હરિને પાતાળમાં રહેવા માંગી લીધા.
લક્ષ્મીજી મૂંઝાયાં. સૃષ્ટિની-સ્વર્ગની વૈકુંઠની શોભા અને નિયમન માટે હરિ બંધનમુક્ત હોવા જરૂરી હતા. લક્ષ્મીજીએ બલીને ભાઈ બનાવ્યા. રાખડી બાંધી અને ભેટના સ્વરૂપમાં શ્રી હરિને બંધનમુક્ત કરાવ્યા. તેમ છતાં શ્રી હરિએ આપેલા વચન અનુસાર ચાર્તુમાસમાં પાતાળમાં રહેવા નિર્ણય લીધો. માટે શ્રી હરિ ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં યોગનિદ્રા કરે છે.
ચાતુર્માસ માહાત્મ્ય
અષાઢ સુદ-11થી કારતક સુદ-11 (આ વર્ષે 25 જુલાઇથી 21 નવેમ્બર) સુધી વચન અનુસાર શ્રી હરિ ક્ષીરસાગરમાં નિવાસ કરે છે. કાર્તિક શુકલ-11એ પુનઃ વૈકુંઠમાં પધારે છે. શાસ્ત્રના વચન પ્રમાણે ચાતુર્માસમાં યજ્ઞોપવિત, વિવાહ, દીક્ષાગ્રહણ, ગૃહપ્રવેશ વિવાહ જેવાં શુભ કર્મો વર્જ્ય ગણ્યાં છે, કારણ કે પૃથ્વીલોક ઉપર શ્રી હરિની કમી જણાય છે. જેના કારણે સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર તમામ તેજહીન બને છે માટે શુભ કાર્ય વર્જ્ય ગણ્યાં છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઇએ તો શરીરમાં પિત્ત-કફની બીમારી જોર કરે છે. આ સમયમાં સવર્ત્ર ચોમાસું હોવાથી કીટક-જીવજંતુનો ઉપદ્રવ ખૂબ હોય છે. જેના કારણે તન-મન-બંને બીમાર પડે છે. તન-મન બંનેને સ્વસ્થ રાખવા માટે ઋષિમુનિઓએ અનેક પ્રયોગ બતાવ્યા. શરીર સ્વસ્થ રાખવા માટે ઉપવાસ, એકટાણાં કરવા ઉપર ભાર મૂક્યો. આ સમયમાં ઘણી ઘણી વસ્તુ ત્યજવા માટે ભાર મૂક્યો. ખાસ તો ઓછામાં ઓછું ભોજન અને વધુમાં વધુ ભજન કરવું. મનને તંદુરસ્ત રાખવા નિત્ય પ્રભુનું નામસ્મરણ, ભાગવત કથા, રામાયણ, શ્રીમદ્ ભગવદ્ગીતા-સુંદરકાંડ-વિષ્ણુ સહસ્ત્રનામનું પઠન ચાતુર્માસ દરમિયાન કરવું.
શ્રીકૃષ્ણએ ચાતુર્માસ દરમિયાન કરવાનાં કર્મોની આજ્ઞા કરી
આ ચાતુર્માસ દરમિયાન ભાવિકે, નિત્ય મંદિર-પરિસરમાં સાફસફાઈ, ઝાડુ-પોતાંની સેવા કરવી. શ્રી હરિને નિત્ય પંચામૃત સ્નાન કરાવવું. પીપળાની પરિક્રમાથી જળ અર્પણ કરવું. ત્રણ ટંક ગાયત્રી મંત્ર, ગણેશવંદના, સૂર્યવંદના, અષ્ટાક્ષર મંત્ર કરવા. નિત્ય હરિની તુલસીદલથી અર્ચના કરવી.
આ શુભ કર્મો કરવાથી ભક્ત મોક્ષગતિ પ્રાપ્ત કરે છે. સમાજનાં પદ-પ્રતિષ્ઠા પામે છે. આરોગ્ય, ઐશ્વર્ય અને ઉન્નતિ પામે છે. અક્ષય અને અનંત ફળ પ્રાપ્ત કરે છે.
સુપ્તે ત્વયિ જગન્નાથ જગત્સુપ્તં ભવેદિદમ્।
વિબુદ્ધે ત્વયિ બુદ્ધં ચ જગત્સર્વ ચરાચરમ્।।
