નર્મદા યોજનાનાં બાકી લેણાંના નિકાલ અંગે ચારેય રાજ્ય વચ્ચે સમજૂતી

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં નર્મદા એવોર્ડ લાભાર્થી રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે બાકી ચુકવણીના નિકાલ અંગે ઐતિહાસિક સમજૂતી થઈ.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં નર્મદા એવોર્ડ લાભાર્થી રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે બાકી ચુકવણીના નિકાલ અંગે ઐતિહાસિક સમજૂતી થઈ.
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. બેઠકમાં કેન્દ્ર અને ચારેય રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમજૂતી મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યો દ્વારા સરદાર સરોવર પરિયોજનાના નિર્માણના ખર્ચ વહેંચણીના મુદ્દા સાથે જોડાયેલા લાંબા સમયના વિવાદોનો અંત લાવવાની દિશામાં ઐતિહાસિક છે, જે અંતર્ગત બાકી લેણાંના અંતિમ નિકાલ તરીકે કરાનારી ચુકવણીઓને વનટાઇમ સેટલમેન્ટના રૂપે ઉકેલવામાં આવી છે.
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે લાંબા સમયથી નર્મદા એવોર્ડની બાકી ચુકવણીનો વિવાદ ચાલતો હતો, જેનો સૌહાર્દપૂર્ણ ઉકેલ આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જળસુરક્ષાને
મજબૂત કરવા અને જળક્ષેત્રે સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવા અનેક ઐતિહાસિક પહેલ કરાઈ છે.
