રોચડેલના નરાધમના દેશનિકાલ આડે અવરોધ, સરકાર કાયદામાં સુધારો કરશે
રોચડેલ ગ્રોમિંગ ગેંગ કૌભાંડના મુખ્ય દોષિત શાબિર એહમદને દેશનિકાલ કરવા આડે આવી રહેલા અવરોધને હટાવવા હોમ સેક્રેટરી શબાના માહમૂદે કાયદામાં સુધારાનું વચન આપ્યું છે. આ મામલે લંડન અને ઇસ્લામાબાદ વચ્ચે અસાધારણ રાજકીય ગતિરોધ સર્જાયો છે.
લંડનઃ રોચડેલ ગ્રોમિંગ ગેંગ કૌભાંડના મુખ્ય દોષિત શાબિર એહમદને દેશનિકાલ કરવા આડે આવી રહેલા અવરોધને હટાવવા હોમ સેક્રેટરી શબાના માહમૂદે કાયદામાં સુધારાનું વચન આપ્યું છે. આ મામલે લંડન અને ઇસ્લામાબાદ વચ્ચે અસાધારણ રાજકીય ગતિરોધ સર્જાયો છે. પાકિસ્તાને બ્રિટન સમક્ષ શરત મૂકી છે કે જો બ્રિટન ઇચ્છતો હોય કે પાકિસ્તાન આ ગુનેગારને સ્વીકારે તો લંડને બ્રિટનમાં વસતા પાકિસ્તાની રાજકીય વિરોધીઓ અને ટીકાકારોને ઇસ્લામાબાદને સોંપવા પડશે. પાકિસ્તાને યુકે સરકારને જણાવ્યું છે કે તે 73 વર્ષીય શાબિર અહેમદને સ્વીકારવા ત્યારે જ તૈયાર થશે જ્યારે બ્રિટન પાકિસ્તાન સરકાર વિરોધી સક્રિય કાર્યકરો અંગે ઇસ્લામાબાદની લાંબા સમયની માંગણીઓ પર ધ્યાન આપશે.
અહેમદની બ્રિટિશ નાગરિકતા રદ કરવામાં આવી હોવા છતાં બ્રિટનના ઇમિગ્રેશન એક્ટ 1971 હેઠળ તેને સીધો દેશનિકાલ કરી શકાય તેમ નથી. આ કાયદો 1973 પહેલા બ્રિટન આવેલા અને ત્યાં ઓછામાં ઓછા પાંચ વર્ષથી રહેતા કોમનવેલ્થ નાગરિકોને રક્ષણ આપે છે. પાકિસ્તાને પણ દલીલ કરી છે કે એહમદે અગાઉ પાકિસ્તાની નાગરિકતા છોડી દીધી હોવાથી હવે તે પાકિસ્તાનના નાગરિક નથી.
પાકિસ્તાન લાંબા સમયથી પૂર્વ મંત્રી શહઝાદ અકબર, પત્રકાર અને ભૂતપૂર્વ લશ્કરી અધિકારી આદિલ રાજા, તેમજ લંડન સ્થિત મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના સ્થાપક અલ્તાફ હુસૈનના પ્રત્યર્પણની માંગ કરી રહ્યો છે.
