વડતાલધામ સિડનીને 1 લાખ ડોલરની કોમ્યુનિટી વાન ભેટ આપતા ઓસ્ટ્રેલિયાના સ્ટેટ મેમ્બર
સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલધામના સેવાકાર્યોની સુવાસ દરિયાપારના દેશોમાં પણ મહેકી રહી છે. સંસ્થાના આ સેવાકાર્યોની સવિશેષ નોંધ લેતા સિડનીના જનપ્રતિનિધિએ એક લાખ ડોલરની કોમ્યુનિટી વાન ભેટમાં આપી છે.
સિડનીઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલધામના સેવાકાર્યોની સુવાસ દરિયાપારના દેશોમાં પણ મહેકી રહી છે. સંસ્થાના આ સેવાકાર્યોની સવિશેષ નોંધ લેતા સિડનીના જનપ્રતિનિધિએ એક લાખ ડોલરની કોમ્યુનિટી વાન ભેટમાં આપી છે.
ન્યુ સાઉથ વેલ્સના રિવર્સટોનના સ્ટેટ મેમ્બર વોરેન કિર્બીએ સંસ્થાને આ વાન ભેટમાં આપતાં કહ્યું હતું કે વડતાલધામ સ્વામિનારાયણની આ વાનના ઉદ્ઘાટન પ્રસંગે અહીં ઉપસ્થિત રહેતા મને ખૂબ જ ગર્વ થાય છે. આ વાન વડતાલધામ સિડનીના સ્વયંસેવકો, વડીલો અને સત્સંગી મંડળના એવા લોકોને મંદિરે લાવવામાં મદદ કરશે જેઓ પોતાની જાતે આવી શકતા નથી. વડતાલધામ સિડની આપણા સ્થાનિક વિસ્તારમાં ચેરિટી કાર્યોમાં મોટા પાયે જોડાયેલું છે; જેમ કે અન્નદાન, રક્તદાન કેમ્પ, દાન આપવું અને આપણા સમુદાયને એક બહેતર સ્થાન બનાવવા માટે લોકો સાથે મળીને કામ કરવું.’
આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન પૂ. ડો. સંતવલ્લભ સ્વામી, મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી, સેક્રેટરી સંજયભાઈ પટેલ, સિડની મંદિરના કોઠારી પરોપકાર સ્વામી, ભવતારક સ્વામી વગેરે સંતો ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ ઘનશ્યામભાઈ કાનાણી, નિલેશભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ વગેરે હાજર રહ્યા હતા.
વડતાલ સંસ્થા દ્વારા ચેરમેન, મુખ્ય કોઠારી, સત્સંગ મહાસભાના પ્રમુખ સહિત સહુના સહિયારા પ્રયાસોથી ઓસ્ટ્રેલિયાના સિડની, મેલબોર્ન, પર્થ, બ્રિસબેન અને એડીલેડમાં શાખા મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે. હાલ ઘરસભાના માધ્યમથી સત્સંગનું પોષણ કરનાર
પૂ. શ્રી નિત્યસ્વરૂપ સ્વામી પણ સંત મંડળ સાથે 20 દિવસીય ઓસ્ટ્રેલિયા સત્સંગ યાત્રામાં જોડાયા છે. વડતાલ સંસ્થા સિડનીમાં આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રે અનેકવિધ પ્રવૃતિઓ કરી રહી છે અને હવે વિરાટ મંદિરના નિર્માણનું આયોજન હાથ ધર્યું છે. વડતાલ સંસ્થા દેશવિદેશમાં આચાર્ય પૂ. રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને વડીલ સંતોના માર્ગદર્શનમાં જે સેવાપ્રવૃત્તિઓ કરી રહી છે તેમાં સિડની મુકામે ભારતીય વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ક્લાસીસ અને વન ડોલર ફૂડ ડ્રાઇવ મુખ્ય છે.
