10 ટકા ગ્લોબલ ટેરિફ આખી દુનિયાને નડશે

ટ્રેડ વોરના મોરચે અમેરિકાની ફેડરલ અપીલ્સ કોર્ટ દ્વારા ટ્રમ્પને જ્યાં સુધી અંતિમ ચૂકાદો ન આવે ત્યાં સુધી 10 ટકા ગ્લોબલ ટેરિફ વસૂલવા છૂટ અપાઇ છે.
વોશિંગ્ટનઃ ટ્રેડ વોરના મોરચે અમેરિકાની ફેડરલ અપીલ્સ કોર્ટ દ્વારા ટ્રમ્પને જ્યાં સુધી અંતિમ ચૂકાદો ન આવે ત્યાં સુધી 10 ટકા ગ્લોબલ ટેરિફ વસૂલવા છૂટ અપાઇ છે. આમ વેપાર યુદ્ધનાં મોરચે ટ્રમ્પની મોટી જીત થઈ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ મુદ્દે કોઈ અંતિમ ચૂકાદો ન આવે ત્યાં સુધી સરકાર આ ટેક્સ વસૂલી શકશે. આ નિર્ણયથી ભારત સહિત વિશ્વબજારમાં હલચલ વધી ગઈ છે. 10 ટકા ગ્લોબલ ટેક્સની આખા વિશ્વનાં વેપાર પર માઠી અસર પડવાની છે.
ગ્લોબલ ટેક્સને લગતો આખો વિવાદ ગયા મહિને શરૂ થયો હતો જેમાં ન્યૂયોર્કની ઈન્ટરનેશનલ ટ્રેડ કોર્ટ દ્વારા ટ્રમ્પનાં 10 ટકા ગ્લોબલ ટેરિફને ગેરકાયદે ઠરાવાયો હતો. કોર્ટે કહ્યું હતું કે ટેરિફ લાગૂ કરવામાં ટ્રમ્પે અમેરિકાની સંસદનાં અધિકારોનો ભંગ કર્યો છે. વોશિંગ્ટનની કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટ દ્વારા તેનાં પર સ્ટે લગાવાયો હતો. કોર્ટે કહ્યું કે આ મુદ્દે ટ્રમ્પ સરકારનો પક્ષ મજબૂત લાગી રહ્યો છે જેથી જ્યાં સુધી કેસની અંતિમ સુનાવણી ન થાય અને અંતિમ ચૂકાદો ન આવે ત્યાં સુધી ટેરિફ વસૂલી શકાશે.
