બ્રિટન ક્રાઇમ ડાયરી

બ્રિટન ક્રાઇમ ડાયરી

 મહિલાનું અપહરણ કરી, તેને ગોંધી રાખી શારીરિક યાતનાઓ આપવા તેમજ દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં ઇસ્લવર્થ ક્રાઉન કોર્ટે 34 વર્ષીય ગગનદીપ સિંહને 34 વર્ષની જેલની સજા ફટકારી છે. ગગનદીપ સિંહને ફેબ્રુઆરીમાં દુષ્કર્મના બે ગુના, ગેરકાયદેસર રીતે ગોંધી રાખવા, અપહરણ અને ગંભીર શારીરિક ઈજા પહોંચાડવાના મામલે કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો.

અપહરણ અને બળાત્કાર કેસમાં ગગનદીપ સિંહને 34 વર્ષની કેદ

લંડનઃ મહિલાનું અપહરણ કરી, તેને ગોંધી રાખી શારીરિક યાતનાઓ આપવા તેમજ દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં ઇસ્લવર્થ ક્રાઉન કોર્ટે 34 વર્ષીય ગગનદીપ સિંહને 34 વર્ષની જેલની સજા ફટકારી છે. ગગનદીપ સિંહને ફેબ્રુઆરીમાં દુષ્કર્મના બે ગુના, ગેરકાયદેસર રીતે ગોંધી રાખવા, અપહરણ અને ગંભીર શારીરિક ઈજા પહોંચાડવાના મામલે કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. 12 જૂને સજાની સુનાવણી કરાઇ હતી જે અંતર્ગત 28 વર્ષની જેલની સજા અને ત્યારબાદ છ વર્ષનો એક્સટેન્ડેડ લાઇસન્સ પિરિયડ સામેલ છે. જૂન 2024માં પીડિત મહિલાને થાઇલેન્ડથી યુકે જતા સમયે અજાણી વસ્તુઓથી ભરેલી એક સૂટકેસ સાથે લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુમહિલાએ આ સૂટકેસ લઈ જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ જ્યારે તે બર્મિંગહામ એરપોર્ટ પર પહોંચી ત્યારે કેટલાક શખ્સોએ તેને જબરદસ્તીથી કારમાં બેસાડી દીધી હતી અને લંડન લઈ ગયા હતા. અપહરણકારો મહિલાને હેનવેલ સ્થિત એક મકાનમાં લઈ ગયા હતા, જ્યાં તેને લાંબા સમય સુધી અત્યંત ક્રૂર શારીરિક માનસિક યાતનાઓ આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગુનામાં ગગનદીપ સિંહ પણ સામેલ હતો અને તેણે મહિલાને ગોંધી રાખવા દરમિયાન બે વખત તેની પર દુષ્કર્મ આચર્યું હતું.

000000000000000000000000000000000000000000000000000

સાઉથોલમાં પંજાબી યુવક ગુરભેજસિંહની કરપીણ હત્યા, શંકાના આધારે 7ની ધરપકડ બાદ છુટકારો

લંડનઃ પશ્ચિમ લંડનના સાઉથોલમાં એક હિંસક અથડામણમાં ભારતના પંજાબ રાજ્યના 26 વર્ષીય યુવક ગુરભેજ સિંહની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવક મૂળ પંજાબના તરન તારન જિલ્લાના મેહદીપુર ગામનો વતની હતો. મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર 10 જૂનની વહેલી સવારે ડોર્મર્સ વેલ્સ લેન નજીક આવેલા નોર્થ રોડ પર છરીબાજીની ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ગુરભેજ સિંહને છરીના ગંભીર ઘા વાગ્યા હોવાથી ઘટનાસ્થળે જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 30 વર્ષનો અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થયો હતો જેને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી છે. આ મામલે લંડન પોલીસે તુરંત કાર્યવાહી કરીને હત્યાની આશંકાના આધારે સાત શંકાસ્પદ પુરુષોની ધરપકડ કરી હતી. જો કે, પ્રાથમિક પૂછપરછ બાદ તેમાંથી છ વ્યક્તિઓને કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી વિના મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે એક શંકાસ્પદ વ્યક્તિને વધુ તપાસ માટે જામીન પર મુક્ત કરાયો છે.

000000000000000000000000000000000000000000000000000

સાઉથ લંડનમાં કાર અકસ્માત સર્જનાર બિલાલ તાહિરને 15 વર્ષની કેદ

લંડનઃ ઓક્ટોબર 2022માં એમ20 મોટરવે પર 100 માઇલ પ્રતિ કલાકની ઝડપે કાર હંકારી અકસ્માત સર્જનાર બિલાલ તાહિરને 15 વર્ષની કેદની સજા ફટકારવામાં આ છે. આ ભયાનક અકસ્માતમાં એક ડોક્ટર સહિત બે મહિલાના મોત થયાં હતાં. ભારે વરસાદના કારણે માર્ગ પર પાણી ભરાઇ જતાં આ દુર્ઘટના સર્જાઇ હતી.

બિલાલ તાહિરે ડો. હબીબા હજાલી અને લિસા વેબરની કારોને ટક્કર મારી હતી. જેના કારણે ડો. હજાલી અને લિસા વેબરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે માર્ક હીપને ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. ઓલ્ડ બેઇલી કોર્ટે બિલાલને 15 વર્ષની કેદ ફટકારી આગામી 16 વર્ષ સુધી ડ્રાઇવિંગ પ્રતિબંધ મૂક્યો હતો.

000000000000000000000000000000000000000000000000000

નોટિંગહામના રાજ્યાશ્રયવાંચ્છુ બળાત્કારી શેરાઝ મલિકને 10 વર્ષની કેદ

લંડનઃ નૉટિંગહામશાયરના એક પાર્કમાં 18 વર્ષની યુવતી પર બળાત્કાર ગુજારનાર રાજ્યાશ્રયવાંચ્છુ 28 વર્ષીય શેરાઝ મલિકને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. મલિકે ગયા વર્ષે 29 જૂનના રોજ સટન-ઇન-એશફિલ્ડના સટન લોન પાર્કમાં પીડિતા પર હુમલો કર્યો હતો. આ ઘટનાના થોડા સમય પહેલા જ મલિક સાથે આવેલા અન્ય એક અજ્ઞાત શખ્સે પણ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો અને હાલ તે ફરાર છે. જાન્યુઆરી મહિનામાં બર્મિંગહામ ક્રાઉન કોર્ટની જ્યુરીએ મલિકને બળાત્કારના બે ગુનાઓમાં દોષિત ઠેરવ્યો હતો. ગુરુવારે કોર્ટે તેને 10 વર્ષની જેલની સજા અને ત્યારબાદ વધુ ચાર વર્ષ સુધી કડક દેખરેખ હેઠળ રાખવાનો આદેશ આપ્યો છે.

પાકિસ્તાનમાં જન્મેલો મલિક યુકેમાં રાજ્યાશ્રય ઇચ્છી રહ્યો છે. યુકે આવતા પહેલા ફ્રાન્સ, જર્મની અને ઇટાલીમાં રહી ચૂક્યો હતો અને બળાત્કારની ઘટનાના એક વર્ષથી પણ ઓછા સમય પહેલા યુકે આવ્યો હતો.

બ્રિટન ક્રાઇમ ડાયરી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.