મારા માટે એવોર્ડ કરતાં અભિવ્યક્તિની સ્વતંત્રતા વધુ મહત્વની છેઃ લોર્ડ રેમી રેન્જર

મારા માટે એવોર્ડ કરતાં અભિવ્યક્તિની સ્વતંત્રતા વધુ મહત્વની છેઃ લોર્ડ રેમી રેન્જર

કન્ઝર્વેટિવ પાર્ટીના અગ્રણી બ્રિટિશ ભારતીય નેતા લોર્ડ રેમી રેન્જર (MBE) એ તેમનો ‘CBE’ (કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર) ખિતાબ રદ કરવાના સ્ટાર્મર સરકારના નિર્ણય સામે અભૂતપૂર્વ કાનૂની લડત શરૂ કરી છે. બ્રિટિશ સરકાર દ્વારા કોઈ રાજવી સન્માન પરત ખેંચવા સામે કોર્ટના દ્વાર ખખડાવનારા તેઓ દેશના પ્રથમ વ્યક્તિ બન્યા છે. 

કન્ઝર્વેટિવ પાર્ટીના અગ્રણી બ્રિટિશ ભારતીય નેતા લોર્ડ રેમી રેન્જર (MBE) એ તેમનો ‘CBE’ (કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર) ખિતાબ રદ કરવાના સ્ટાર્મર સરકારના નિર્ણય સામે અભૂતપૂર્વ કાનૂની લડત શરૂ કરી છે. બ્રિટિશ સરકાર દ્વારા કોઈ રાજવી સન્માન પરત ખેંચવા સામે કોર્ટના દ્વાર ખખડાવનારા તેઓ દેશના પ્રથમ વ્યક્તિ બન્યા છે. લોર્ડ રેન્જરે હાઈકોર્ટમાં વડાપ્રધાન કેર સ્ટાર્મર સામે કાનૂની કાર્યવાહી શરૂ કરતાં દલીલ કરી છે કે તેમનો ખિતાબ છીનવી લેવાનો નિર્ણય સંપૂર્ણપણે ગેરકાનૂની છે. એશિયન વોઇસ અને ગુજરાત સમાચારને આપેલા એક વિશેષ ઇન્ટરવ્યુમાં લોર્ડ રેન્જરે આ કાનૂની લડત પાછળના મુખ્ય કારણો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના બંધારણીય મહત્વ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

લોર્ડ રેન્જરે જણાવ્યું હતું કે, મારું સન્માન રદ કરવા પાછળના કારણો તદ્દન હાસ્યાસ્પદ છે. શું એક સંસદસભ્ય તરીકે મને મારો પક્ષ રજૂ કરવાનો અધિકાર નથી? શું કોઈ સન્માન મળવાનો અર્થ એવો થાય કે વ્યક્તિએ વાણી સ્વાતંત્ર્ય ગુમાવી દેવું પડે? વહીવટીતંત્રે મુખ્યત્વે ત્રણ મુદ્દાઓને ટાંક્યા છે. પ્રથમ, ખાલિસ્તાની ઉગ્રવાદીઓ સામે મારો વિરોધ. હું પોતે શીખ છું અને બ્રિટિશ શીખ એસોસિએશનનો અધ્યક્ષ છું, તો હું કઈ રીતે શીખ વિરોધી હોઈ શકું? બીજો મુદ્દો, બીબીસીની પક્ષપાતી ડોક્યુમેન્ટ્રી 'ધ મોદી ક્વેશ્ચન' સામે મારો વિરોધ. અને ત્રીજો મુદ્દો, ભારતીય-પાકિસ્તાની પ્રવાસી સમુદાયો અંગે મેં કરેલી ટિપ્પણીઓ.

તેમણે ઉમેર્યું હતું કે, મેં કોઈ કાયદાનું ઉલ્લંઘ કર્યું નથી. સત્તાવાળાઓ એવો દાવો કરે છે કે સન્માન પરત ખેંચવું તે સંપૂર્ણપણે તેમના અબાધિત અધિકારક્ષેત્રમાં આવે છે, જેની સાથે હું અસહમત છું. મારી સામે કરાયેલો બદનક્ષીનો કેસ અદાલતે ફગાવી દીધો હોવા છતાં સત્તાવાળાઓએ પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ મને દોષિત માની લીધો હતો.

પોતાના વિચારોની અભિવ્યક્તિ અંગે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, જાહેર જીવનમાં વિવાદો અનિવાર્ય છે. જો સન્માન મેળવવાની શરત મારી સ્વતંત્રતા છોડવાની હોત, તો મેં તે ક્યારેય સ્વીકાર્યું જ ન હોત. જો મેં કોઈ ગુનો કર્યો હોત, તો હું આ નિર્ણય સ્વીકારી લેત. પરંતુ માત્ર વ્યક્તિગત મતભેદોના આધારે સન્માન છીનવી લેવું એ લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે.

તેમણે પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, જવાબદારી વિના કાયદાનું શાસન ટકી શકતું નથી. ખાલિસ્તાની કાર્યકરોના પત્રોના આધારે મારો પક્ષ સાંભળ્યા વિના જ વહીવટી અમલદારોએ ઉચ્ચ સત્તાવાળાઓને ગેરમાર્ગે દોર્યા છે.

લોર્ડ રેન્જરે અંતમાં જણાવ્યું હતું કે, મેં યુકેમાં હજારો લોકોને રોજગારી આપી છે, મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવામાં સહયોગ આપ્યો છે અને શાંતિ પહેલોને પ્રોત્સાહિત કરી છે. આ બધું જ નજરઅંદાજ કરવામાં આવ્યું. છેલ્લા 56 વર્ષથી આ દેશમાં રહ્યા પછી મારા માટે અભિવ્યક્તિની સ્વતંત્રતા પવિત્ર અને સર્વોપરી છે, જેની સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં.

મારા માટે એવોર્ડ કરતાં અભિવ્યક્તિની સ્વતંત્રતા વધુ મહત્વની છેઃ લોર્ડ રેમી રેન્જર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.