રૂ. 60 લાખથી વધુના સોના સાથે યુવક ઝડપાયો
સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ સોનાની દાણચોરીનો મોટો પર્દાફાશ કર્યો છે.
અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ સોનાની દાણચોરીનો મોટો પર્દાફાશ કર્યો છે. શારજાહથી આવેલા ગીર સોમનાથના વેરાવળના વતની 22 વર્ષીય સિરાજ સલીમભાઈ સલાટ પાસેથી અંદાજે રૂ. 60.24 લાખની કિંમતનું 600 ગ્રામથી વધુ વજનનું સોનું જપ્ત કરી તેની ધરપકડ કરી છે. એર અરેબિયાની ફ્લાઇટ નંબર G9-418 દ્વારા શારજાહથી અમદાવાદ આવેલા આ મુસાફર પર કસ્ટમ્સ અધિકારીઓને શંકા ગઈ હતી. મુસાફરોના પ્રોફાઇલિંગ અને ગુપ્ત ઇનપુટ્સના આધારે અધિકારીઓએ તેને ગ્રીન ચેનલથી બહાર નીકળતી વખતે રોક્યો હતો. તેના લગેજની તપાસ કરતાં ટ્રોલી બેગમાં સંતાડેલા હૂક્સ મળી આવ્યાં હતાં. જપ્ત કરાયેલા સોનાનું કુલ વજન 600.240 ગ્રામ છે. જેમાં 18 કેરેટ (750 શુદ્ધતા) અને 14 કેરેટ (588 શુદ્ધતા)ના હૂક્સ સામેલ છે. આ સાથે સિરાજ સલાટ અહીં આ સોનું કોને વેચવાનો હતો અને તેણે અગાઉ આ કામ કર્યું છે કે નહીં તેની તપાસ હાથ ધરાઈ છે.
