એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ
ન્યૂયોર્કમાં થયેલા અકસ્માતમાં પોતાનો દીકરો ગુમાવનાર ભારતીય પરિવારે 105 મિલિયન ડોલરનો દાવો માંડ્યો છે. અમેરિકા ફરવા ગયેલો ભારતીય પરિવાર જૂન 2026માં સેન્ટ્રલ પાર્કમાં ઘોડાગાડીમાં બેઠો હતો તે દરમિયાન ઘોડાગાડી ચાલક પરિવારનો ફોટો લેવા નીચે ઉતર્યો ત્યારે ઘોડો ભડકીને દોડવા લાગતાં સર્જાયેલા અકસ્માતમાં બગીમાંથી પડી જવાથી રોમાંચ મહાજનનું મોત થયું હતું.
ન્યૂયોર્ક બગી દુર્ઘટનાઃ ભારતીય પરિવારનો 105 મિલિયન ડોલરનો દાવો
ન્યૂયોર્કઃ ન્યૂયોર્કમાં થયેલા અકસ્માતમાં પોતાનો દીકરો ગુમાવનાર ભારતીય પરિવારે 105 મિલિયન ડોલરનો દાવો માંડ્યો છે. અમેરિકા ફરવા ગયેલો ભારતીય પરિવાર જૂન 2026માં સેન્ટ્રલ પાર્કમાં ઘોડાગાડીમાં બેઠો હતો તે દરમિયાન ઘોડાગાડી ચાલક પરિવારનો ફોટો લેવા નીચે ઉતર્યો ત્યારે ઘોડો ભડકીને દોડવા લાગતાં સર્જાયેલા અકસ્માતમાં બગીમાંથી પડી જવાથી રોમાંચ મહાજનનું મોત થયું હતું. મૃતક રોમાંચ વતી તેના માતાપિતા દીપક અને ફ્રિયા મહાજન તથા નાના ભાઇ નાનિક દ્વારા ફાઇલ કરાયેલા દાવામાં જણાવાયું છે કે રોમાંચનું મોત અટકાવી શકાયું હોત.
00000000000000000000000000000000000000000000
ન્યૂજર્સીના ઇન્ડિયનના જ્વેલરી સ્ટોરમાં ધોળા દિવસે 1 મિલિયન ડોલરના દાગીનાની લૂટ
ન્યૂજર્સીઃ ન્યૂજર્સીના વૂડબ્રિજ સ્થિત ઇન્ડિયન જ્વેલરી સ્ટોરમાં ધોળા દિવસે એક મિલિયન ડોલરના દાગીનાની લૂટ ચલાવવામાં આવી હતી. ગત શનિવારે સાંજના સાડા સાત કલાકની આસપાસ નવલખા જ્વેલર્સ સ્ટોરમાં લૂટારાની એક ગેંગ ઘૂસી આવી હતી. માત્ર 45 સેકન્ડમાં આ ગેંગ આખો સ્ટોર લૂટીને ફરાર થઇ ગઇ હતી. સ્ટોરના ભાગીદાર સોનુ ચૌહાણે જણાવ્યું હતું કે, અમે ગયા વર્ષે જ તમામ બચત રોકીને આ બિઝનેસ શરૂ કર્યો હતો. રોબરી બાદ અમારી સ્થિતિ કફોડી બની છે. રોબરીમાં કુલ 6 લોકો સામેલ હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું છે.
00000000000000000000000000000000000000000000
પત્નીની હત્યા કરી નાસી છૂટવાનો પ્રયાસ કરતા અંકુર પટેલની શિકાગો એરપોર્ટ પરથી ધરપકડ
શિકાગોઃ અમેરિકાના શિકાગોમાં પત્નીની હત્યા કરી દેશમાંથી ફરાર થવાનો પ્રયાસ કરતા અંકુર પટેલ નામના ગુજરાતી યુવકની એરપોર્ટ ખાતે ધરપકડ કરાઇ હતી. આલ્બની પાર્કમાં રવિવારની મોડી રાત્રે અંકુર પટેલની પત્નીની લાશ મળી આવી હતી. પોલીસ પહોંચે તે પહેલાં અંકુર નાસી છૂટ્યો હતો. 9 કલાકની શોધખોળ બાદ પોલીસે તેને એરપોર્ટ ખાતેથી ઝડપી લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર અંકુરની પત્નીને તેનાથી 10 વર્ષ નાના યુવક સાથે અફેર હતું.
00000000000000000000000000000000000000000000
ફ્લોરિડાની જેલમાં ગુજરાતી ડોક્ટર ચિંતન શાહનું ભેદી સંજોગોમાં મોત
અલાઉચા કાઉન્ટીઃ અમેરિકાના ફ્લોરિડામાં જુલાઇ 2026માં ગંભીર આરોપ હેઠળ ધરપકડ કરાયેલા 40 વર્ષીય ચિંતન શાહ નામના ગુજરાતી ડોક્ટરનું જેલમાં ભેદી સંજોગોમાં મોત થયું છે. જેલના ઓફિસર રૂટિન ઇન્સ્પેક્શન માટે રાઉન્ડ પર નીકળ્યા ત્યારે ચિંતન શાહ તેમના સેલમાં નિશ્ચેત હાલતમાં મળી આવ્યા હતા. સેલમાં તેમની સાથે અન્ય કોઇ કેદી પણ નહોતો. તાત્કાલિક બોલાવાયેલી મેડિકલ ટીમે ચિંતન શાહને મૃત જાહેર કર્યા હતા. ચિંતન શાહ પર એઆઇનો ઉપયોગ કરી અશ્લિલ વીડિયો બનાવવા અને તેનો પ્રસાર કરવાનો આરોપ હતો. જો તેમને બોન્ડ પર મુક્ત કરાય તો તેઓ ભારત નાસી જાય તેવી સંભાવનાને પગલે કોર્ટે તેમને જેલમાંથી મુક્ત કરવાનો ઇનકાર કર્યો હતો. કેસની ટ્રાયલ શરૂ થાય તે પહેલાં જ તેમનું મોત થયું છે.
00000000000000000000000000000000000000000000
30 વર્ષથી અમેરિકામાં રહેતા ગ્રીન કાર્ડ ધારક ભારતીય મૂળના દાદીમાની ICE દ્વારા અટકાયત
વોશિંગ્ટન: યુએસએમાં છેલ્લા 30 વર્ષથી કાયદેસર રીતે વસવાટ કરતા અને વર્ષ 2013થી ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીય મૂળના શિક્ષિકા વેંકટા વાસમસેટ્ટીની યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા અટકાયત કરાઇ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે તેમની પુત્રી યશસ્વિની વાસમસેટ્ટી પોતે જ ટેક્સાસ અને ન્યૂજર્સીમાં લાઇસન્સ ધરાવતી ઇમિગ્રેશન વકીલ છે. કોરોના મહામારી દરમિયાન ભારત ગયેલા વેંકટાને પરત ફરવામાં વિલંબ થતાં તેમની સામે તપાસ શરૂ કરાઇ હતી. 11 ઓગસ્ટ, 2026ના રોજ નિયમિત હાજરી માટે પહોંચેલા વેંકટાને ICE અધિકારીઓએ અચાનક હાથકડી પહેરાવી જ્યોર્જિયાના ઇરવિન કાઉન્ટી ડિટેન્શન સેન્ટરમાં મોકલી આપ્યા હતા.
00000000000000000000000000000000000000000000
મેસેચ્યુસેટ્સમાં ભારતીય મૂળના સગીરે માતા અને ભાઇની હત્યા કરી
મેસેચ્યુસેટ્સઃ અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં ભારતીય મૂળના 17 વર્ષીય કિશોરે કથિત રીતે તેની માતા અને નાના ભાઈની હત્યા કરી નાખી હતી. એક્ટન શહેરના રહેવાસી આરોપી અર્જુન અરવિંદ વિરુદ્ધ હત્યાના બે ગુના, પરિવાર અથવા ઘરના સભ્ય પર હુમલો અને માર્જીનલ બેટરીના બે કેસ, તેમજ પરવાનગી વગર વાહનનો ઉપયોગ અને મોટર વ્હીકલની ચોરી સહિતના અનેક ગંભીર આરોપો દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે પોતાના 14 વર્ષીય ભાઈ સદ્ધાર્થ અરાવિંદ અને 45 વર્ષીય માતા સુધા વેંકટેશનની ક્રૂરતાપૂર્વક હત્યા કરીને તે ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ પોલીસે અર્જુનને ઝડપી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર હત્યાઓ માટે અર્જુને ચેટજીપીટીની મદદ લીધી હતી.
00000000000000000000000000000000000000000000
ન્યૂજર્સીમાં સગીરનું અશ્લીલ કન્ટેન્ટ રાખવા માટે ભારતીયને 20 વર્ષની કેદની સંભાવના
ન્યૂજર્સીઃ અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા ભારતીય મૂળના અભિષેક વિજયકુમારે સગીર બાળકના શોષણ અને અશ્લીલ સામગ્રી એક્સેસ કરવાના આરોપ કબૂલી લીધા છે. અભિષેક વિજયકુમારે માર્ચ 2024માં આ ગેરકાયદેસર અને આપત્તિજનક સામગ્રી જાણી જોઈને એક્સેસ કરી હતી. તપાસ સંસ્થાઓએ તેના ઈલેક્ટ્રોનિક ઉપકરણોની વિગતવાર ચકાસણી કરતા 200થી વધુ આપત્તિજનક તસવીરો મળી આવી હતી જેમાં ત્રણ વર્ષના માસૂમ બાળકના શોષણની તસવીર પણ સામેલ હતી. હવે આ કેસમાં 6 જાન્યુઆરી, 2027ના રોજ સજાની જાહેરાત કરવામાં આવશે. યુ.એસ. સેન્ટેન્સિંગ ગાઈડલાઈન્સ મુજબ આરોપીને મહત્તમ 20 વર્ષ સુધીની જેલની સજા ફટકારવામાં આવી શકે છે.
00000000000000000000000000000000000000000000
લાખો ડોલરના પાર્સલ કાંડમાં શ્રેયસ ચૌધરીને 9 વર્ષની કેદ અને 5.1 મિલિયન ડોલરનો દંડ
ક્લીવલેન્ડઃ અમેરિકાના ક્લીવલેન્ડમાં લાખો ડોલરના પાર્સલ કાંડમાં શ્રેયસ ચૌધરી નામના ગુજરાતીને 9 વર્ષની કેદ અને 5.1 મિલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગુજરાતના ગાંધીનગર જિલ્લાના અમરાપુર ગામના વતની શ્રેયસ ચૌધરીની સપ્ટેમ્બર 2024માં ધરપકડ કરાઇ હતી. તેની સાથે તૃષા ચૌધરી અને યશ રાવલ નામના બે વ્યક્તિની પણ ધરપકડ કરાઇ હતી. શ્રેયસે મની લોન્ડરિંગનું કાવતરું ઘડવાના આરોપની કબૂલાત કરી હતી. જેલની સજા પૂરી થયા બાદ તેને દેશનિકાલ કરી દેવાશે કારણ કે તેની પાસે અમેરિકામાં વસવાટ માટે કોઇ સ્ટેટસ નથી.
00000000000000000000000000000000000000000000
ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસાડનાર અમેરિકન મહિલાએ ગુનો કબૂલ્યો
ન્યૂયોર્કઃ ન્યૂયોર્કની 43 વર્ષીય રહેવાસી સ્ટેસી ટેલરે કેનેડા સરહદ પરથી ભારતીયો સહિતના અન્ય વિદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે બિનઅધિકૃત પ્રવેશ કરાવવાના આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. 20 જાન્યુઆરી 2025ના રોજ ન્યુ યોર્કના ચુરુબુસ્કો નજીક બોર્ડર પેટ્રોલિંગ એજન્ટોએ તેમના વાહનને અટકાવ્યું હતું, જેમાં ત્રણ ભારતીય અને એક કેનેડિયન નાગરિક મળી આવ્યા હતા. ટેલરને જીપીએસ દ્વારા માર્ગદર્શન આપીને જંગલ વિસ્તારમાંથી પગપાળા સરહદ પાર કરનારા આ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને વાહનમાં બેસાડીને અમેરિકાના આંતરિક વિસ્તારોમાં પહોંચાડવાની જવાબદારી સોંપાઈ હતી. આ કેસમાં 5 ડિસેમ્બરે સજાની જાહેરાત થશે, જેમાં તેને ઓછામાં ઓછી 5 વર્ષની જેલની સજા થઈ શકે છે.
00000000000000000000000000000000000000000000
ખોટી ઓળખ આપનાર હરિન્દરસિંહ સંઘેરા અમેરિકન નાગરિકતા ગુમાવશે
ન્યૂયોર્કઃ ખોટી ઓળખ આપીને નાગરિકત્વ મેળવવાના આરોપસર એક ભારતીય મૂળના વ્યક્તિનું નાગરિકત્વ રદ કરવા કેસ દાખલ કરાયો છે. યુએસ એટર્ની ઓફિસ, ડિસ્ટ્રિક્ટ ઓફ કેન્સાસ દ્વારા 7 ઓગસ્ટ, 2026ના રોજ હરિન્દર સિંહ ઉર્ફે રશપાલ સિંહ સામે આ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સરકારનો આરોપ છે કે સિંહે પોતાના ભૂતકાળના ઇમિગ્રેશન ઇતિહાસને છુપાવ્યો હતો અને નાગરિકત્વ મેળવતી વખતે ખોટી માહિતી પૂરી પાડી હતી. ઓક્ટોબર 2000માં હરિન્દર સિંહની ઓળખ હેઠળ ગ્રીન કાર્ડ મેળવ્યું હતું અને 2008માં તે અમેરિકી નાગરિક બન્યો હતો.
00000000000000000000000000000000000000000000
જર્મનીમાં કુરુક્ષેત્રના વિશુ શર્માની અજાણ્યા પુરુષોના જૂથ દ્વારા છરી મારીને હત્યા
ફ્રેન્કફર્ટઃ જર્મનીના ફ્રેન્કફર્ટમાં મંગળવારે ત્રણ અજાણ્યા પુરુષોના જૂથ દ્વારા કુરુક્ષેત્રના 25 વર્ષીય યુવકની કથિત રીતે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યા પાછળનું મુખ્ય કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મહાદેવ મોહલ્લાના રહેવાસી વિશુ શર્માએ સોમવારે છેલ્લી વાર પરિવાર સાથે વાત કરી હતી. વિશુના પરિવારે જણાવ્યું હતું કે તે નવેમ્બર 2022માં પોર્ટુગલ ગયો હતો અને એક વર્ષ પછી વિશુ ફ્રાન્સ શિફ્ટ થયો હતો જ્યાં તેણે છ મહિનાની સૈન્ય તાલીમ લીધી અને લગભગ એક વર્ષ સુધી ફ્રેન્ચ આર્મીમાં સેવા આપી જર્મની ગયો હતો અને ડિલિવરી સેક્ટરમાં કામ શરૂ કર્યું હતું. પિતા નીરજ શર્માએ જણાવ્યું હતું કે, તેમના પુત્રએ ડિલિવરી વર્કર્સની એક ટીમ બનાવી હતી જે તેના સુપરવિઝન હેઠળ કામ કરતી હતી.
00000000000000000000000000000000000000000000
કેનેડાના સરેમાં યુવતીની છેડતી માટે જગેન્દર ખુરાનાની ધરપકડ
સરેઃ કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેના પબ્લિક પાર્કમાં યુવતીની કથિત જાતીય સતામણી કરવા બદલ 40 વર્ષીય ભારતીય મૂળના જગેન્દર ખુરાનાની ધરપકડ કરવામાં આવી છે. બ્રિટિશ કોલંબિયા પ્રોસિક્યુશન સર્વિસે ખુરાના વિરુદ્ધ જાતીય હુમલો અને જાતીય દખલગીરીના બે ગુનાહિત આરોપ મંજૂર કર્યા છે. પીડિત યુવતે જણાવ્યું હતું કે, એક અજાણ્યા પુરુષે તેની સાથે છેડતી કરી હતી અને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. પીડિતાએ કરેલા વર્ણનને આધારે પોલીસે 12 ઓગસ્ટના રોજ જગેન્દર ખુરાનાની અટકાયત કરી હતી.
00000000000000000000000000000000000000000000
ન્યૂયોર્કના ટ્રાય-સ્ટેટમાં ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સાથે સંપન્ન
ન્યૂયોર્ક: ન્યૂ યોર્કના ટ્રાય-સ્ટેટ વિસ્તારમાં ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે એક નવો વિશ્વ રેકોર્ડ સર્જાયો છે. અમેરિકાની 250મી સ્થાપના જયંતીની યાદમાં 1300થી વધુ અમેરિકી ધ્વજ અને તેની ચારેય બાજુ ભારતીય ત્રિરંગા ગોઠવીને "250" નો આંકડો તૈયાર કરવામાં આવ્યો હતો.
ન્યૂ જર્સીના પાર્સિપેની સ્થિત વેટરન્સ મેમોરિયલ પાર્ક ખાતે ભારતના 80મા સ્વતંત્રતા દિવસ અને અમેરિકાની 250મી વર્ષગાંઠની સંયુક્ત ઉજવણી દરમિયાન સૌથી મોટા ફ્લેગપોલ નંબર માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો.
આ કાર્યક્રમનું આયોજન ન્યૂયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ અને ભારતીય ટેકનોલોજી કંપની ઝોહોના સહયોગથી કરવામાં આવ્યું હતું.
00000000000000000000000000000000000000000000
