કેન્યાના પ્રમુખપદની ઈલેક્શન તારીખ ગેરબંધારણીય
કેન્યા હાઈ કોર્ટે દેશના પ્રમુખપદ માટે 2027ની ઈલેક્શન તારીખને ગેરબંધારણીય જાહેર કરી છે. હાઈ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે બંધારણ હેઠળ કેન્યાના પ્રમુપદની ચૂંટણી મંગળવાર 11 ઓગસ્ટ 2026ના રોજ થવી જોઈતી હતી. જોકે, કોર્ટે ઈલેક્શન કમિશનને તાત્કાલિક ચૂંટણી યોજવાની ફરજ પાડવાનો ઈનકાર પણ કર્યો છે.
નાઈરોબીઃ કેન્યા હાઈ કોર્ટે દેશના પ્રમુખપદ માટે 2027ની ઈલેક્શન તારીખને ગેરબંધારણીય જાહેર કરી છે. હાઈ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે બંધારણ હેઠળ કેન્યાના પ્રમુપદની ચૂંટણી મંગળવાર 11 ઓગસ્ટ 2026ના રોજ થવી જોઈતી હતી. જોકે, કોર્ટે ઈલેક્શન કમિશનને તાત્કાલિક ચૂંટણી યોજવાની ફરજ પાડવાનો ઈનકાર પણ કર્યો છે.
માલિન્ડી ખાતે 7 ઓગસ્ટે ચુકાદો આપતાં લેડી જસ્ટિસ એમ. થાન્ડેએ ઠરાવ્યું હતું કે ઈલેક્શન કમિશન દ્વારા આગામી સામાન્ય ચૂંટણી 10 ઓગસ્ટ 2027ના રોજ યોજવાની જાહેરાત કરાઈ છે તે બંધારણના ખોટા અર્થઘટન હેઠળ કરાઈ છે. બંધારણના આર્ટિકલ 136(2)(a) હેઠળ ગત સામાન્ય ચૂંટણીના પાંચમા વર્ષની અંદર ઓગસ્ટના બીજા મંગળવારે ચૂંટણી થવી જોઈએ, પાંચમા વર્ષ પછી નહિ. બંધારણ દ્વારા પ્રેસિડેન્શિયલ ઈલેક્શનની તારીખ પૂર્વનિર્ધારિત જ છે અને તે ઈલેક્શન કમિશનની વિવેકબુદ્ધિને આધીન નથી. લેડી જસ્ટિસે સમયની ગણતરી માટે બંધારણના આર્ટિકલ 259(5)(c)નો આધાર લઈ ઠરાવ્યું હતું કે ગત જનરલ ઈલેક્શન 9ઓગસ્ટ 2022ના દિવસે યોજાયું હતું અને 9 ઓગસ્ટ 2026થી પાંચમું વર્ષ શરૂ થઈ જાય છે.
કોર્ટે આ અર્થઘટનથી પ્રેસિડેન્ટને પાંચ વર્ષની મુદતની ગેરન્ટીના ઈનકારની દલીલ ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે બંધારણના આર્ટિકલ 142માં પ્રેસિડેન્ટને પાંચ વર્ષની ગેરન્ટી અપાઈ નથી, પરંતુ તેમની શપથવિધિની તારીખથી અન્ય ચૂંટાયેલા પ્રમુખની શપથવિધિ સુધીના સમયની જોગવાઈ છે.
