કેન્યાના સ્પીકર મોઝેસ વેટાન્ગુલા ભારતની મુલાકાતે

કેન્યાના સ્પીકર મોઝેસ વેટાન્ગુલા ભારતની મુલાકાતે

કેન્યાની નેશનલ એસેમ્બલીના સ્પીકર મોઝેસ વેટાન્ગુલા કેન્યા-ભારત પાર્લામેન્ટરી સંબંધો અને દ્વિપક્ષી સહકારને વધુ ગાઢ બનાવવા લોકસભાના સ્પીકર ઓમ બિરલાના આમંત્રણ થકી 13 ઓગસ્ટે નવી દિલ્હીની સત્તાવાર મુલાકાતે આવી પહોંચ્યા હતા.

નવી દિલ્હી,નાઈરોબીઃ કેન્યાની નેશનલ એસેમ્બલીના સ્પીકર મોઝેસ વેટાન્ગુલા કેન્યા-ભારત પાર્લામેન્ટરી સંબંધો અને દ્વિપક્ષી સહકારને વધુ ગાઢ બનાવવા લોકસભાના સ્પીકર ઓમ બિરલાના આમંત્રણ થકી 13 ઓગસ્ટે નવી દિલ્હીની સત્તાવાર મુલાકાતે આવી પહોંચ્યા હતા.

વેટાન્ગુલાએ X પર જણાવ્યું હતું કે કેન્યા અને ભારત દીર્ઘકાલીન મૈત્રી ધરાવે છે અને સંસદીય વિનિમય બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે જણાવ્યું હતું કે ભારતસ્થિત કેન્યાના મિશનના ડેપ્યુટી વડા એમ્બેસેડર મેરી મુટુકુ અને ભારતની લોકસભાના સાંસદ ઉમેશભાઈ બાબુભાઈ પટેલે નવી દિલ્હીમાં તેમનું સ્વાગત કર્યું હતું. તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન સી.પી. રાધાકૃષ્ણનને પણ મળ્યા હતા. સ્પીકર વેટાન્ગુલાએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિની મુલાકાત લઈ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે પાર્લામેન્ટ હાઉસ કોમ્પ્લેક્સ ખાતે કેન્યાના સ્પીકર મોઝેસ વેટાન્ગુલાને મળતી વેળાએ જણાવ્યું હતું કે ભારત અને કેન્યા હજારો વર્ષથી ઐતિહાસિક અને બહુપરિમાણીય સંબંધો ધરાવે છે તેમજ દ્વિપક્ષી સંબંધો મજબૂત બનાવવા ઉચ્ચસ્તરીય ડેલિગેશન્સ મળતા રહે છે. તેમણે કાયદા, લેજિસ્લેશન અને જાહેર વહીવટના ક્ષેત્રોમાં સ્પીકર વેટાન્ગુલાના સઘન અનુભવને બિરદાવ્યો હતો. કેન્યાના સ્પીકરે યુએનની સુરક્ષા સમિતિમાં ભારતના કાયમી સભ્યપદની તરફેણ પણ કરી હતી.

સ્પીકર મોઝેસ વેટાન્ગુલાની મુલાકાત પાર્લામેન્ટરી નેતાઓ સાથે થઈ હતી. બંને પક્ષોએ સંસદીય સહકાર વધારી શકાય તેવા ક્ષેત્રોની ખોજ કરી હતી. આ મુલાકાતમાં ભારત અને કેન્યાએ સંસદીય પ્રક્રિયાઓ, ધારાકીય રીતરસમો અને રાષ્ટ્રીય વિકાસમાં લેજિસ્લેચર્સની ભૂમિકાના અનુભવોનું પણ આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું.

કેન્યા અને ભારત વચ્ચે દાયકાઓથી મજબૂત રાજદ્વારી સંબંધો તેમજ વેપાર, ઈન્વેસ્ટમેન્ટ્સ, એજ્યુકેશન, હેલ્થ, ટેકનોલોજી અને વિકાસ સહિતના ક્ષેત્રોમાં સહકાર છે. કેન્યા અને ભારત વચ્ચે આર્થિક અને રાજદ્વારી સંબંધોમાં વૃદ્ધિની પશ્ચાદભૂ મધ્યે આ મુલાકાત યોજાઈ હતી. ભારત વેપાર, ઈન્વેસ્ટમેન્ટ્સ અને વિકાસ સહકારમાં કેન્યાનું મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે જ્યારે કેન્યા ઈસ્ટ આફ્રિકામાં ભારત માટે ચાવીરૂપ આર્થિક અને રાજદ્વારી પાર્ટનર છે. બંને દેશોના લોકો વચ્ચે ગાઢ સંબંધો રહેવા સાથે દીર્ઘકાલીન શિક્ષણ, બિઝનેસ, હેલ્થકેર અને સાંસ્કૃતિક સંપર્કો પણ છે.

કેન્યાના સ્પીકર મોઝેસ વેટાન્ગુલા ભારતની મુલાકાતે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.