ખંભાતના વટાદરા-વત્રા ગામની સીમમાં 200 બબલર પક્ષીનાં મોત, લીલો પાક પીળો પડ્યો

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વટાદરા અને વત્રા ગામની સીમ વિસ્તારમાં કથિત રીતે ઝેરી ગેસ છોડાતાં હાહાકાર મચી ગયો છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ ગેસના કારણે આસપાસના જનજીવન, પશુ-પક્ષીઓ તેમજ ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ઘટનામાં અંદાજે 200 જેટલાં જંગલી બબલર પક્ષીનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે.
ખંભાતઃ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વટાદરા અને વત્રા ગામની સીમ વિસ્તારમાં કથિત રીતે ઝેરી ગેસ છોડાતાં હાહાકાર મચી ગયો છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ ગેસના કારણે આસપાસના જનજીવન, પશુ-પક્ષીઓ તેમજ ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ઘટનામાં અંદાજે 200 જેટલાં જંગલી બબલર પક્ષીનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે.
ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ
ગેસના ફેલાવાના કારણે આસપાસના રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ, ગૂંગળામણ, ઊલટી અને આંખમાં બળતરાની ફરિયાદો સામે આવી હતી. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ડાંગરનો પાક પીળો પડ્યો, પક્ષીઓનાં મોત
ખેડૂતોના જણાવ્યા મુજબ ઝેરી ગેસ વાતાવરણમાં ફેલાયા બાદ ખેતરોમાં ઊભેલો લીલો ડાંગરનો પાક પીળો પડી ગયો હતો. ખેડૂતોના પ્રાથમિક અંદાજ મુજબ આશરે 400 વીઘા જેટલા પાકને નુકસાન થયું છે. કથિત ઝેરી ગેસના પ્રભાવવાળા વિસ્તારમાં ઝાડ પર બેઠેલાં પક્ષીઓ અચાનક તરફડાટ સાથે નીચે પડવા લાગ્યાં હતાં. થોડા જ સમયમાં મોટી સંખ્યામાં પક્ષીઓનાં મોત થતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી. સ્થળ પર તપાસ કરતાં ગેસની તીવ્ર દુર્ગંધ પણ અનુભવાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
સમગ્ર ઘટનાની જાણ જાગૃત નાગરિકો દ્વારા પ્રાંત અધિકારી તેમજ મામલતદારને ઈ-મેઇલ મારફતે કરાઈ છે. કથિત રીતે ઝેરી ગેસ છોડતી કંપનીઓ સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક તપાસ કરાવી જવાબદારો સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહીની માગ કરાઈ છે.
