ટાટા સન્સના ચેરમેનપદેથી ચંદ્રશેખરનનું રાજીનામુંઃ અનુગામી તરીકે ટાટા સ્ટીલના નરેન્દ્રનનું નામ મોખરે

400 બિલિયન ડોલરના ટાટા ગ્રૂપની પ્રિન્સિપાલ હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને બુધવારે હોદ્દા પરથી રાજીનામું આપી દેતાં ભારતીય ઉદ્યોગ સમૂહમાં હલચલ મચી ગઇ છે. જોકે, ચંદ્રશેખરન તેમની ટર્મ પૂરી કરશે અને ફેબ્રુઆરી 2027 સુધી તેઓ ટાટા સન્સના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળશે. ચંદ્રશેખરનના ત્રીજા કાર્યકાળ મુદ્દે ટાટા ટ્રસ્ટ સાથે સહમતિ સધાઈ શકી નહોતી. નવા ઉદ્યોગોમાં જંગી રોકાણ, તેમના પ્રદર્શન અને ટાટા સન્સના ભવિષ્ય મુદ્દે મતભેદો ચંદ્રશેખરનના રાજીનામાનું કારણ બન્યા છે. તેમના રાજીનામાને પગલે ટાટા ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરોમાં કડાકો બોલી ગયો હતો.
મુંબઇ: 400 બિલિયન ડોલરના ટાટા ગ્રૂપની પ્રિન્સિપાલ હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને બુધવારે હોદ્દા પરથી રાજીનામું આપી દેતાં ભારતીય ઉદ્યોગ સમૂહમાં હલચલ મચી ગઇ છે. જોકે, ચંદ્રશેખરન તેમની ટર્મ પૂરી કરશે અને ફેબ્રુઆરી 2027 સુધી તેઓ ટાટા સન્સના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળશે. ચંદ્રશેખરનના ત્રીજા કાર્યકાળ મુદ્દે ટાટા ટ્રસ્ટ સાથે સહમતિ સધાઈ શકી નહોતી. નવા ઉદ્યોગોમાં જંગી રોકાણ, તેમના પ્રદર્શન અને ટાટા સન્સના ભવિષ્ય મુદ્દે મતભેદો ચંદ્રશેખરનના રાજીનામાનું કારણ બન્યા છે. તેમના રાજીનામાને પગલે ટાટા ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરોમાં કડાકો બોલી ગયો હતો.
ચંદ્રશેખરને રાજીનામું આપતાં જણાવ્યું હતું કે, ‘ટાટા સન્સના ચેરમેન તરીકેનો મારો વર્તમાન કાર્યકાળ 20 ફેબ્રુઆરી, 2027ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ દ્વારા સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કરીને મારો કાર્યકાળ વધુ પાંચ વર્ષ માટે લંબાવવાની ભલામણ કરાઈ હતી. તેને ટાટા સન્સની નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટી અને બોર્ડ દ્વારા નોંધીને આગળ વધારવાની ભલામણ કરાઈ હતી. ત્યારબાદ, આ પ્રસ્તાવ ગત 24 ફેબ્રુઆરીના રોજ ટાટા સન્સના બોર્ડ સમક્ષ મૂકાયો હતો. જોકે, તે આગળ વધી શક્યો નહીં કારણ કે બોર્ડના એક સભ્યે તેનું સમર્થન કર્યું નહોતું. સર્વસંમતિ ન થતાં મેં આ નિર્ણયને મોકૂફ રાખવાનો વિકલ્પ પસંદ કર્યો. તે બોર્ડ મીટિંગને 6 મહિના વીતી ચૂક્યા છે અને આજદિન સુધી કોઈ નિર્ણય થઈ શક્યો નથી. ટાટા સન્સ એક ખૂબ જ મોટી સંસ્થા છે અને અનેક મોટા વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ અત્યારે મહત્ત્વના વળાંક પર છે. ફેબ્રુઆરી 2027 પછી ગ્રૂપનું નેતૃત્વ કરવા માટે માત્ર એક લીડરનું હોવું જ જરૂરી નથી પરંતુ કર્મચારીઓ, રોકાણકારો, પાર્ટનર્સ અને બાકીના સ્ટેકહોલ્ડર્સ માટે લીડરશિપને લઈને સ્પષ્ટતા હોવી પણ ખૂબ જ જરૂરી છે.’
ચંદ્રશેખરને 2017માં સુકાન સંભાળ્યા બાદ ટાટા ગ્રૂપનો વ્યાપ ઘણો વધ્યો છે. તેમણે 9 વર્ષમાં ગ્રૂપની રેવન્યૂ 16.24 લાખ કરોડે પહોંચાડી છે. તેમણે ટાટા ગ્રૂપને એવિએશન, સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, બેટરી અને ડિજિટલ બિઝનેસ જેવા નવા ક્ષેત્રોમાં ઉતારીને સફળ નેતૃત્વ કર્યું હતું.
નાણાકીય વર્ષ 2020માં ટાટા ગ્રૂપની રેવન્યૂ રૂ. 7.89 લાખ કરોડ હતી, જે 2026માં વધીને રૂ. 16.24 લાખ કરોડે પહોંચી છે. ગ્રૂપનો નફો 2020માં રૂ. 32,000 કરોડ હતો, જે 2026માં વધીને રૂ. 1.71 લાખ કરોડ થયો. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 2020ના રૂ. 9.31 લાખ કરોડથી વધીને 2026માં રૂ. 24.39 લાખ કરોડ પહોંચી ગયું છે.
ચંદ્રશેખરનના કાર્યકાળમાં ચાર કંપનીના શેરમાં 1000 ટકા ઉછાળો
ચંદ્રશેખરને 21 ફેબ્રુઆરી 2017થી ટાટા સન્સના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ 1987માં ગ્રૂપમાં જોડાયા હતા અને 2009થી ટીસીએસના સીઇઓ બન્યા હતા. તેમણે કાર્યભાર સંભાળ્યો ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે આશરે નવ વર્ષના સમયગાળામાં જૂથની ચાર કંપનીના શેરના ભાવમાં 1,000 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો, જેમાં ટ્રેન્ટ, નાલ્કો, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન અને ટાઇટનનો સમાવેશ થાય છે.
ટાટા ગ્રૂપના રૂ. 11 લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ સામે સવાલ
ચંદ્રશેખરનના જવાથી ટાટા સમૂહના 11 લાખ કરોડ રૂપિયાના રોકાણ કાર્યક્રમના ભવિષ્ય પર સવાલો ઊભા થઈ ગયા છે. આગામી 5 વર્ષમાં થનારા આ રોકાણમાં સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક વાહન, બેટરી, વિમાન ઉદ્યોગ અને એઆઈ ડેટા સેન્ટર વગેરે સામેલ છે. હવે કેટલાક પ્રોજેક્ટ ધીમા પડી શકે છે. તેમનું કદ ઘટાડી શકાય છે અથવા સમયમર્યાદા વધી શકે છે.
ચંદ્રશેખરનની જાહેરાત પહેલા જ ટાટા સન્સનું બોર્ડ રોકાણની રણનીતિ પર ફરીથી વિચાર શરૂ કરી ચૂક્યું હતું. બોર્ડે મેનેજમેન્ટ પાસે સૌથી વધુ મૂડી માગનારા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવાનું કે તેમની ઝડપ ઓછી કરવા કહ્યું છે. આમાં સેમિકન્ડક્ટર, એરલાઇન બિઝનેસ અને કન્ઝ્યુમર ટેકનોલોજી બિઝનેસ સામેલ છે. બોર્ડ ઈચ્છે છે કે નવા રોકાણને મંજૂરી આપતા પહેલા વર્તમાન રોકાણમાંથી ફાયદો થવાનો નક્કર પુરાવો મળવો જોઇએ.
નવા ચેરમેનની તલાશ શરૂ
ટાટા ટ્રસ્ટે ગુરુવારે જણાવ્યું હતું કે, ટાટા સન્સના આગામી ચેરમેનની ભલામણ કરવા માટે એક પસંદગી સમિતિની રચના કરશે. ટાટા સન્સના વિદાય લઇ રહેલા ચેરમેન ચંદ્રશેખરનના સ્થાને ટાટા ગ્રૂપ સાથે 40 વર્ષ કરતાં વધુ સમયથી જોડાયેલા ટાટા સ્ટીલના વર્તમાન મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર ટી.વી. નરેન્દ્રન્ ફ્રન્ટરનર હોવાની અટકળો થઈ રહી છે.
61 વર્ષીય નરેન્દ્રન્ વર્ષોથી ટાટા ગ્રૂપ સાથે સંકળાયેલા છે. 1988માં, તેઓ ટાટા સ્ટીલમાં જોડાયા હતા, તેમની કારકિર્દી ભારત અને વિદેશમાં માર્કેટિંગ અને સેલ્સ, આંતરરાષ્ટ્રીય વેપાર, સપ્લાય ચેઈન અને પ્લાનિંગ તેમ જ ઓપરેશન્સ અને જનરલ મેનેજમેન્ટ સહિત ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલી છે. બીજી જૂન 1965ના રોજ તમિલનાડુમાં જન્મેલા નરેન્દ્રન નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી - તિરુચિરાપલ્લીમાંથી ગ્રેજ્યુએશન કર્યા થયા બાદ કોલકતા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ)માંથી એમબીએ કરવા માટે ગયા હતા.
