ડીસામાં સાકાર થશે એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ ઝૂ

સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA)એ બનાસકાંઠાના જૂના ડીસા ખાતે વિકસાવાઈ રહેલા મહત્ત્વાકાંક્ષી ‘ડેઝર્ટ ઝૂઓલોજિકલ પાર્ક અને નાઇટ સફારી’ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ આશરે 103 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો હશે અને તેની અંદાજિત કિંમત રૂ. 542.14 કરોડ છે. ગુજરાત વનવિભાગ દ્વારા તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વન્યજીવ સંરક્ષણની સાથે સાથે ઇકો-ટૂરિઝમને પણ વેગ આપવાનો છે. જૂના ડીસા ખાતે બનનારો આ પ્રોજેક્ટ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા મુજબ તૈયાર કરાયો છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ સમાચાર સત્તાવાર રીતે જાહેર કર્યા છે.
ડીસાઃ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA)એ બનાસકાંઠાના જૂના ડીસા ખાતે વિકસાવાઈ રહેલા મહત્ત્વાકાંક્ષી ‘ડેઝર્ટ ઝૂઓલોજિકલ પાર્ક અને નાઇટ સફારી’ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ આશરે 103 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો હશે અને તેની અંદાજિત કિંમત રૂ. 542.14 કરોડ છે. ગુજરાત વનવિભાગ દ્વારા તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વન્યજીવ સંરક્ષણની સાથે સાથે ઇકો-ટૂરિઝમને પણ વેગ આપવાનો છે. જૂના ડીસા ખાતે બનનારો આ પ્રોજેક્ટ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા મુજબ તૈયાર કરાયો છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ સમાચાર સત્તાવાર રીતે જાહેર કર્યા છે.
સમૃદ્ધ પ્રાણી-પક્ષીઓનું ઘર બનશે
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, આ ઝૂમાં આશરે 83 પ્રજાતિનાં 2,700 જેટલાં દેશી અને વિદેશી પ્રાણી-પક્ષીઓ રખાશે. ઝૂ માત્ર પ્રવાસન સ્થળ નહીં પરંતુ વન્યજીવ સંરક્ષણ, પ્રજનન, રેસ્ક્યૂ, પુનર્વસન અને પર્યાવરણીય શિક્ષણ માટેની આધુનિક સુવિધા તરીકે પણ વિકસાવાશે.
સૂર્યાસ્ત બાદ નાઇટ સફારીનો રોમાંચ
પ્રોજેક્ટનું સૌથી મોટું આકર્ષણ ડ્રાઇવ-થ્રુ નાઇટ સફારી રહેશે. સૂર્યાસ્ત બાદ મુલાકાતીઓ ખાસ ડિઝાઇન કરાયેલા એન્ક્લોઝરમાં નિશાચર અને અન્ય વન્યજીવોને નજીકથી નિહાળી શકશે. અહીં અલગ ડે ઝૂ ઉપરાંત નાઇટ સફારી માટે પાંચ સમર્પિત એન્ક્લોઝર બનાવાશે. આ પ્રોજેક્ટ એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ આધારિત ઝૂ અને વિશ્વનું ચોથું નાઇટ સફારી ઝૂ બનવા જઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતના પ્રવાસન સર્કિટમાં આ સ્થળ મહત્ત્વનું આકર્ષણ બની શકે છે.
વૈવિધ્યસભર વન્યજીવોનું નિવાસસ્થાન
ઝૂમાં ભારતીય રણ અને અર્ધ-રણ વિસ્તારમાં જોવા મળતાં પ્રાણીઓ સાથે વિદેશી પ્રજાતિઓને પણ સ્થાન અપાશે. ભારતીય પ્રજાતિઓમાં ચિંકારા, કાળિયાર, ભારતીય ઘુડખર, ભારતીય વરુ, શિયાળ, ઝરખ, કેરેકલ, ભારતીય રણ લોમડી, ડેઝર્ટ હેર, શાહુડી, સસલું અને રીંછ સહિતનાં પ્રાણીઓનો સમાવેશ થશે. આફ્રિકન રણની પ્રજાતિઓમાં એંગોલન જિરાફ, ગ્રેવીઝ ઝેબ્રા, સિમિટાર ઓરિક્સ, આફ્રિકન કુડુ, સ્પ્રિંગબોક, અદ્રા ગેઝેલ, બ્લેક રાઇનોસરોસ, ચિમ્પાન્ઝી, મીરકાટ, આફ્રિકન ચિત્તો, આફ્રિકન સિંહ અને શાહમૃગ મુખ્ય આકર્ષણ રહેશે. ઓસ્ટ્રેલિયન રણનાં પ્રાણીઓમાં કાંગારુ, એમુ અને વોલાબી પણ મુલાકાતીઓને જોવા મળશે.
આધુનિક સુવિધાઓ અને ટેક્નોલોજી
પ્રોજેક્ટમાં વિવિધ પ્રજાતિઓ માટે અલગ-અલગ એન્ક્લોઝર ઉપરાંત પક્ષીઘર, સરિસૃપ ઘર, બટરફ્લાય પાર્ક, રેપ્ટાઇલ સફારી, રેઇન ફોરેસ્ટ બાયોમ અને એક્વેરિયમ પણ બનાવાશે. મુલાકાતીઓ માટે ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ફૂડ કોર્ટ, સુવેનિયર શોપ અને ગોલ્ફ કાર્ટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે. પ્રકૃતિને નુકસાન ન થાય તે માટે પ્રોજેક્ટમાં વર્ષાજળ સંચય, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અને સોલાર એનર્જી જેવી પર્યાવરણીય અનુકૂળ ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે.
