ભારતના 80મા સ્વતંત્રતા દિવસની હાઇ કમિશન ખાતે અનોખી ઉજવણી

લંડન સ્થિત ભારતીય હાઇકમિશને શનિવારે પરંપરાગત ધ્વજવંદન કાર્યક્રમની સાથે ઉગતા સૂર્યની સાથે આગળ વધતી ‘સૂર્યપથ તિરંગા’ ગ્લોબલ રિલે દ્વારા ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. જેમાં ભારતીય સમુદાયના સભ્યો અને ભારત શૂભચિંતકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર વાતાવરણ ભારતીય રંગો અને રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.
લંડનઃ લંડન સ્થિત ભારતીય હાઇકમિશને શનિવારે પરંપરાગત ધ્વજવંદન કાર્યક્રમની સાથે ઉગતા સૂર્યની સાથે આગળ વધતી ‘સૂર્યપથ તિરંગા’ ગ્લોબલ રિલે દ્વારા ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. જેમાં ભારતીય સમુદાયના સભ્યો અને ભારત શૂભચિંતકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર વાતાવરણ ભારતીય રંગો અને રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત 'વંદે માતરમ્'ના દેશભક્તિપૂર્ણ ગાન સાથે થઈ હતી, ત્યારબાદ ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાઈ કમિશનર પી. કુમારને ભારતના રાષ્ટ્રપતિનો દેશજોગ સંદેશો વાંચી સંભળાવ્યો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત 'નૃત્ય ટેલ્સ યુકે' દ્વારા 'વંદે માતરમ્' પર 'વિવિધતામાં એકતા' વિષય આધારિત વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ઉપરાંત, ઓડિસી, ભરતનાટ્યમ અને કથક નૃત્યોના સંગમ દ્વારા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત તેમજ શાંતિ અને એકતાનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો.
ભારતના હાઇકમિશ્નર પી. કુમારને લંડનસ્થિત ઇન્ડિયા હાઉસ ખાતે ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત આ ઉજવણીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે વિવિધ ક્ષેત્રોમાં ભારતીય ડાયસ્પોરાની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. ગયા મહિને અમલમાં આવેલા ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરારનો ઉલ્લેખ કરતા તેમણે ભારત-બ્રિટન સંબંધોની મજબૂતી પર ખાસ ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે હાઇકમિશ્નર કુમારને જણાવ્યું કે, લંડનમાં હાઇકમિશ્નર તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ આ મારી પ્રથમ સ્વતંત્રતા દિવસની ઉજવણી છે. અહીં સ્થાયી થયેલા ભારતીય સમુદાયના સભ્યોને મળવું અને તેમની સિદ્ધિઓને બિરદાવવી એ એક અદ્ભુત અનુભવ છે. 'સૂર્યપથ તિરંગા' એ વિશ્વભરમાં તબક્કાવાર રીતે સ્વતંત્રતા દિવસ મનાવવાનો એક પ્રયાસ છે, જે પૂર્વથી પશ્ચિમ સુધી સૂર્યની ગતિ સાથે સમગ્ર વિશ્વના ભારતીય સમુદાયને એકતાના તાંતણે બાંધે છે.
દ્વિપક્ષીય ભાગીદારી અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, ભારત અને યુકે વચ્ચેના ઐતિહાસિક સંબંધો એક આધુનિક અને બહુપક્ષીય ભાગીદારીમાં પરિવર્તિત થયા છે. તાજેતરમાં અમલમાં આવેલો વ્યાપક આર્થિક અને વ્યાપાર કરાર આગામી વર્ષોમાં બંને દેશોને પ્રગતિના પંથે આગળ લઈ જવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ કરારથી વ્યાપાર અને રોકાણમાં વધારો થશે, ઉત્પાદન સપ્લાય ચેઇન્સ વધુ મજબૂત બનશે અને સંશોધન તથા વિકાસ ક્ષેત્રે સહયોગ વધશે.
આ ઉજવણી દરમિયાન સેંકડો લોકોએ એકત્ર થઈને રાષ્ટ્રગીત 'જન ગણ મન' અને 'વંદે માતરમ'ના ગાનમાં ભાગ લીધો હતો, જેના પછી ભારતના સ્વતંત્રતા સંગ્રામની ભાવનાને દર્શાવતા પરંપરાગત સંગીત અને નૃત્યના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
કાર્યક્રમ દરમિયાન હાઇકમિશ્નરે 'ભારત કો જાનીએ' ઓનલાઇન ક્વિઝના વિજેતાઓને ઇનામો આપ્યા હતા. આ ઉપરાંત, 2026 બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરનાર 17 વર્ષીય શ્રેયસ રોયલ અને 11 વર્ષીય બોધાના શિવાનંદનનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
