ભારતીય નૌસેનાને 2030 સુધીમાં હાઇટેક ડ્રોન અને લેટેસ્ટ બ્રહ્મોસથી સજ્જ કરાશે

સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળના જહાજોને લોઇટરિંગ મ્યુનિશન એટલે કે કામિકાઝ ડ્રોનથી સજ્જ કરવા નિર્ણય કર્યો છે. આ માટે રૂ. 18,000 કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઇ છે. આ ઉપરાંત નૌકાદળને ‘બ્રહ્મોસ’ની નવી આવૃત્તિ વડે સજ્જ કરવાની યોજના પણ છે. આમ નૌકાદળ 2030 સુધીમાં અત્યાધુનિક ડ્રોન અને મિસાઇલથી સજ્જ થઇ જશે.
નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળના જહાજોને લોઇટરિંગ મ્યુનિશન એટલે કે કામિકાઝ ડ્રોનથી સજ્જ કરવા નિર્ણય કર્યો છે. આ માટે રૂ. 18,000 કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઇ છે. આ ઉપરાંત નૌકાદળને ‘બ્રહ્મોસ’ની નવી આવૃત્તિ વડે સજ્જ કરવાની યોજના પણ છે. આમ નૌકાદળ 2030 સુધીમાં અત્યાધુનિક ડ્રોન અને મિસાઇલથી સજ્જ થઇ જશે. નૌકાદળના જણાવ્યા મુજબ આ કામિકાઝ ડ્રોન એક પ્રકારનું આત્મઘાતી ડ્રોન છે, જે લક્ષ્ય પર ટકરાઇને વિસ્ફોટ કરે છે. આ ડ્રોન યુદ્ધજહાજમાંથી છોડી શકાશે. તે સમુદ્રની અંદરના અને જમીન પર એમ બંને લક્ષ્યાંકો પર હુમલા કરી શકશે. આ સિસ્ટમની લઘુત્તમ રેન્જ 1,000 કિમીની હશે. તેના કારણે લાંબા અંતર સુધી પ્રહાર કરવાની નૌકાદળની ક્ષમતા નવા જ સ્તરે પહોંચશે. આ ઉપરાંત નૌકાદળ સમુદ્રની અંદર પેટ્રોલિંગ પણ વધારી શકશે. આ ડ્રોન સળંગ નવ કલાક સુધી તેના લક્ષ્યાંકની ઉપર મંડરાતા રહી શકશે, તેની ક્રૂઝિંગ સ્પીડ 75 નોટ એટલે કે 138 કિમીથી વધુ અને ટર્મિનલ એટેક સ્પીડ 200 નોટ એટલે કે પ્રતિ કલાક 370 કિમી હશે.
આ ડ્રોન ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ અને ઇન્ફ્રારેડ ઇઓ-આઇઆર સીકરથી સજ્જ હશે. તેના પગલે દિવસ-રાત નિરીક્ષણ કરવાની સાથે ચોકસાઈપૂર્વક હુમલો પણ કરી શકાશે. 15 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી શકતા આ ડ્રોનની ખરીદીમાં પણ ભારતીય ઉદ્યોગ અને સ્વદેશી એકમોને પ્રાથમિકતા અપાશે.
