ભારતે LoC પર સ્ક્રીન લગાવી PoK પ્રદર્શન લાઇવ બતાવતાં પાકિસ્તાન અકળાયું
એલઓસી પર ભારતે પાકિસ્તાનની બર્બરતા પીઓકે (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)ના રહેવાસીઓને બતાવવા હવે ડિજિટલ મોરચો ખોલ્યો છે. ભારતીય સેનાએ કાશ્મીરના કેરન સેક્ટરમાં ઝીરો લાઇનથી 75 મીટર દૂર એક વિશાળ એલઇડી સ્ક્રીન લગાવી છે. આ સ્ક્રીન પર પીઓકેમાં ચાલતાં પ્રદર્શનો અને પ્રદર્શનકારીઓ પર થતા અત્યાચારના વીડિયો બતાવાયા.
નવી દિલ્હીઃ એલઓસી પર ભારતે પાકિસ્તાનની બર્બરતા પીઓકે (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)ના રહેવાસીઓને બતાવવા હવે ડિજિટલ મોરચો ખોલ્યો છે. ભારતીય સેનાએ કાશ્મીરના કેરન સેક્ટરમાં ઝીરો લાઇનથી 75 મીટર દૂર એક વિશાળ એલઇડી સ્ક્રીન લગાવી છે. આ સ્ક્રીન પર પીઓકેમાં ચાલતાં પ્રદર્શનો અને પ્રદર્શનકારીઓ પર થતા અત્યાચારના વીડિયો બતાવાયા.
આ એલઇડી સ્ક્રીન એટલી મોટી છે કે તેના પર ચાલતાં લાઇવ પ્રદર્શનો પીઓકેમાં રહેતા લોકો પણ જોઈ શકે છે. ભારતના આ પગલાંથી પાકિસ્તાન અકળાયું છે. શરૂઆતના તબક્કે આ પગલું ભરવા બદલ ભારત પર પાકિસ્તાન વિરોધી ભાવનાઓ ભડકાવવાના આરોપો લગાવાયા. પીઓકેમાં છેલ્લા લગભગ 3 મહિનાથી ઇન્ટરનેટ બંધ છે, જેથી ત્યાંના લોકોની સ્થિતિની માહિતી મળવી મુશ્કેલ બની છે. કેરન મેમોરિયલ પાસે લગાવેલી આ સ્ક્રીન પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ દરમિયાન શરૂ કરાઈ હતી. ભારત દ્વારા લેવાયેલા આ પગલાનું મહત્ત્વ એટલા માટે પણ ખૂબ વધારે છે, કારણ કે પીઓકેમાં પ્રદર્શનો વચ્ચે પાકિસ્તાને ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેવામાં એલઓસી પર ભારતીય સેના તરફથી લગાવાયેલી વિશાળ સ્ક્રીને પાકિસ્તાનની સેન્સરશિપને પડકાર આપ્યો છે.
સ્વતંત્રતા દિવસ નિમિત્તે કેરનમાં ભારતીય પ્રશાસને તિરંગા રેલી કાઢી હતી. આમાં હજારો કાશ્મીરીઓ અને સરહદી વિસ્તારના લોકો સામેલ થયા હતા. લોકો તિરંગો લઈને એલઓસીની ઝીરો લાઇને પહોંચ્યા અને ‘પીઓકે બનશે હિન્દુસ્તાન’ તથા ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા’ ના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પીઓકેમાં પેટાચૂંટણી બાદ પણ શાંતિ સ્થપાઈ નથી.
