યુકેમાં 71 ટકા લોકો ભારત પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છેઃ પ્યૂ રિસર્ચ

પ્યૂ રિસર્ચ સેન્ટરના તાજેતરના સરવે અનુસાર આઝાદીના 80મા વર્ષમાં પ્રવેશેલા ભારત પ્રત્યે વૈશ્વિક સ્તરે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. વિશ્વના 36 દેશોમાં હાથ ધરાયેલા આ સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે સરેરાશ 45 ટકા લોકો ભારત પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે, જ્યારે 41 ટકા લોકો નકારાત્મક અભિપ્રાય ધરાવે છે. દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વમાં ભારત પ્રત્યેના દ્રષ્ટિકોણમાં મોટો તફાવત જોવા મળ્યો છે.
લંડનઃ પ્યૂ રિસર્ચ સેન્ટરના તાજેતરના સરવે અનુસાર આઝાદીના 80મા વર્ષમાં પ્રવેશેલા ભારત પ્રત્યે વૈશ્વિક સ્તરે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. વિશ્વના 36 દેશોમાં હાથ ધરાયેલા આ સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે સરેરાશ 45 ટકા લોકો ભારત પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે, જ્યારે 41 ટકા લોકો નકારાત્મક અભિપ્રાય ધરાવે છે. દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વમાં ભારત પ્રત્યેના દ્રષ્ટિકોણમાં મોટો તફાવત જોવા મળ્યો છે.
સૌથી શ્રીલંકાના 79 ટકા લોકો ભારત પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે. યુકે, કેન્યા, જર્મની, ઇટાલી, સ્વીડન, ઇઝરાયેલ, જાપાન અને થાઇલેન્ડમાં બહુમતી લોકો ભારતને સાનુકૂળ ગણાવે છે. યુકેમાં 71 ટકા લોકો ભારત પ્રત્યે સકારાત્મક અભિગમ ધરાવે છે જ્યારે અમેરિકામાં ફક્ત 45 ટકા લોકો ભારતની તરફેણ કરે છે.
પાકિસ્તાનમાં માત્ર 7 ટકા લોકો ભારત પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે. આ સિવાય તુર્કીમાં 15 ટકા અને વેસ્ટ બેંક તથા પૂર્વ જેરૂસલેમમાં 18 ટકા સાથે ભારત પ્રત્યે નકારાત્મક વલણ પ્રબળ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં 10 દેશોમાં ભારતની છબીમાં નોંધપાત્ર ફેરફાર નોંધાયો છે, જેમાંથી 7 દેશોમાં ભારતની લોકપ્રિયતા ઘટી છે. તુર્કી અને નાઇજીરિયામાં સકારાત્મક અભિપ્રાય ધરાવતા લોકોમાં 10 ટકાનો ઘટાડો થયો છે. બાંગ્લાદેશમાં પણ 15 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત અમેરિકા, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, મેક્સિકો અને દક્ષિણ કોરિયામાં પણ ભારતની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે.
જેની સામે બ્રિટનમાં 11 ટકા, શ્રીલંકામાં 14 ટકા અને જર્મનીમાં 6 ટકાનો વધારો નોંધાયો છે. યુરોપના દેશો જેવા કે જર્મની અને ફ્રાન્સમાં કોરોના મહામારી પછી ભારત પ્રત્યેના દ્રષ્ટિકોણમાં સતત સુધારો જોવા મળ્યો છે.
