રક્ષાબંધન - એક પવિત્ર અભિવ્યક્તિ

શ્રાવણી પૂનમ એ ભારતીય સંસ્કૃતિમાં મહત્વનો દિવસ છે. બધાં જાણે છે તેમ રક્ષાબંધન કે બળેવના નામે પ્રચલિત આ દિવસે માનવ સંસ્કૃતિના સૌથી પવિત્ર, નિર્મળ, શાશ્વત, શુદ્ધ, નિસ્વાર્થ, નિષ્કલંક, અદભુત તેમજ સાત્વિક પ્રેમ સાથે જોડાયેલી પરંપરા નિભાવવામાં આવે છે. આ પરમ પૂર્ણ પ્રેમ આ દિવસે સાંસ્કૃતિક રીતિરિવાજ પ્રમાણે વધુ દ્રઢ થતો હોય છે. ભાઈ-બહેનના રક્ષાબંધનના આ તહેવારને ઋષિ-તર્પણી કે રાખી-પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે. આ દિવસે બલરાજ જયંતી આવતી હોવાથી બલરામની પૂજા પણ કરાય છે.

શ્રાવણી પૂનમ એ ભારતીય સંસ્કૃતિમાં મહત્વનો દિવસ છે. બધાં જાણે છે તેમ રક્ષાબંધન કે બળેવના નામે પ્રચલિત આ દિવસે માનવ સંસ્કૃતિના સૌથી પવિત્ર, નિર્મળ, શાશ્વત, શુદ્ધ, નિસ્વાર્થ, નિષ્કલંક, અદભુત તેમજ સાત્વિક પ્રેમ સાથે જોડાયેલી પરંપરા નિભાવવામાં આવે છે. આ પરમ પૂર્ણ પ્રેમ આ દિવસે સાંસ્કૃતિક રીતિરિવાજ પ્રમાણે વધુ દ્રઢ થતો હોય છે. ભાઈ-બહેનના રક્ષાબંધનના આ તહેવારને ઋષિ-તર્પણી કે રાખી-પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે. આ દિવસે બલરાજ જયંતી આવતી હોવાથી બલરામની પૂજા પણ કરાય છે. શ્રાવણ મહિનો એ શિવ આરાધના માટેનો શ્રેષ્ઠ કાલ-ખંડ ગણાય. આ માસમાં જ કૃષ્ણ-જન્માષ્ટમી આવે અને આ મહિનામાં શક્તિસમાન પવિત્ર બહેનના પવિત્ર સંબંધની ઉજવણી આવે. એમ જણાય છે કે શૈવ - વૈષ્ણવ - શાક્ત : એ ત્રણેય સંપ્રદાયની ભાવાત્મક આધ્યાત્મિક બાબતો આ મહિનામાં સમાવિષ્ટ થઈ જાય છે.

પરંપરા મુજબ ભાઈ નાહીધોઈને, સજ્જ થઈને, બાજોઠ પર બેસે. બહેન તેને કંકુ-અક્ષતનું તિલક કરે, તેની સામે દીવો પ્રગટાવી ભાઈના જમણા હાથે અપાર ભાવથી ‘રક્ષા’ બાંધી ભાઈની આરતી ઉતારે. પછી શુકન માટે ભાઈનું મીઠું મોં કરાવી ઓવરણા લે. ભાઈ ઉંમરમાં મોટો હોય તો ચરણ-વંદના પણ કરે. સામે ભાઈ અખૂટ આશીર્વાદના પ્રતીક સમાન બહેનને ‘ખુશી-ભેટ’ આપી સામે મોં મીઠું કરાવે. આ બધું જ બાળકો - વડીલોની હાજરીમાં, ઉત્સવ જેવાં માહોલમાં, સ્વચ્છ-સુઘડ વાતાવરણમાં ઘટિત થાય. આ આખા પ્રસંગમાં માત્ર પવિત્ર ભાવનાનું જ સ્થાન હોય, અહીં કોઈપણ ભૌતિક બાબતનું મહત્વ ન હોય. અહીં પ્રેમમય માહોલ હોય, અકલ્પનીય સાત્વિકતા હોય, દૈવી શક્તિની હાજરી હોય, પવિત્રતાનું પ્રભુત્વ હોય અને માત્ર પ્રદાન કરવાની ઈચ્છા હોય. અહીં વિશ્વાસની સ્થાપના હોય અને નિષ્ઠાની ખાતરી હોય.

બહેન આમ તો જન્મથી જ ‘સહોદરા’ હોય તો પણ તે પારકી થાપણ ગણાય છે. આ ‘પારકી થાપણ’ જ રક્ષાબંધનના દિવસે જાણે સૌથી નજીકની ‘આપ્તજન’ બની જાય છે. બહેન સાથેનાં સંબંધમાં જે નિષ્પાપતા અને નિષ્કલંકતા છે તે આ દિવસે જાણે માનવ જાતને પવિત્રતાનો મહત્વનો બોધ આપે છે. ભાઈ-બહેનના સંબંધમાં નિસ્વાર્થતાની જાણે પરાકાષ્ઠા વ્યક્ત થતી હોય છે અને આ પરાકાષ્ઠાની મજબૂતાઈ એક ધાગા થકી પણ વ્યક્ત થઈ જાય. ભાઈ-બહેનનો સંબંધ અપેક્ષાઓથી પર રહે, માંગ્યા વગર લૂંટાવી દેવાની ભાવના તેમાં હોય. આ દિવસે આ પવિત્ર સંબંધનાં મૂળ ઊંડા કરવામાં આવે છે, નવી પેઢીને તેનું મહત્ત્વ સમજાવવામાં આવે છે, કોઈપણ પ્રકારના આડંબર વગર ભાઈ-બહેન વચ્ચેની પરસ્પરની નિષ્ઠા દર્શાવવામાં આવે છે અને તે બધાં સાથે સંસ્કૃતિનું રક્ષણ કરવાની ભાવના પણ હોય છે. આ બધી જ બાબતોને એક સુતર કે રેશમના તાંતણા સાથે જોડાયેલ પરંપરાથી સહજમાં વ્યક્ત કરી દેવાતી હોય છે.
અહીં ભાઈ તરફથી બહેનને દરેક પ્રકારની રક્ષાનું વચન અપાતું હોય છે. આ રક્ષા શારીરિક, વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક, આર્થિક, આધ્યાત્મિક કે બૌદ્ધિક પણ હોઈ શકે. આ રક્ષા સ્થૂળ વિશ્વનાં અનુસંધાનમાં, સૂક્ષ્મ અસ્તિત્વના વ્યાપમાં તથા કારણ અસ્તિત્વના મૂળ સુધી પણ જતી હોય. આ એક સંપૂર્ણ રક્ષા કવચ છે, જે ભાઈ સિવાય અન્ય કોઈ ન આપી શકે, દેવતા પણ નહીં. બહેન પણ સામે પોતાની સુક્ષ્મ ભાવનાઓના પ્રતાપે, પોતાનાં પ્રેમના બળથી ભાઈની રક્ષા માટે ચિંતન અને પ્રાર્થના કરે. બંનેના અસ્તિત્વમાં, અસ્તિત્વના સ્વરૂપમાં રહેલી ભિન્નતાને કારણે બંનેને જુદાં જુદાં પ્રકારનાં રક્ષણની આવશ્યકતા હોય, જે અહીં પૂરી કરવા માટે પ્રતિબદ્ધતા સ્થાપિત થાય. તેથી જ રક્ષાબંધન વિશ્વ માટે ઉદાહરણ સ્વરૂપ છે. ભાઈનું ભાઈ તરીકે મહત્ત્વ બહેનને કારણે જ સ્થાપિત થતું હોય છે અને બહેનની નિષ્પાપ પ્રેમની પ્રતીતિ ભાઈને કારણે સમજી શકાતી હોય છે. આમ, ભાઈ અને બહેન પરસ્પરના પૂરક પણ છે અને પ્રેરક પણ છે.

યમ અને યમી ભાઈ-બહેનની કથા પ્રત્યેક સનાતની, અને અન્ય સમુદાયના લોકો પણ જાણે છે. તે સિવાય કૃષ્ણ-દ્રૌપદીની વાત પણ પ્રચલિત છે. વળી મહાભારતમાં જણાવ્યા પ્રમાણે કુંતા માતાએ પણ અભિમન્યુને હાથમાં રક્ષા બાંધી હતી. સિકંદરના પત્ની શેકશોના અને રાજા પૌરવ વચ્ચે પણ ભાઈ-બહેનના સંબંધના પ્રતિક સમાન રક્ષા-વ્યવહાર થયો હતો. આમ રક્ષાબંધન એ ભાઈ-બહેનના સંબંધ ઉપરાંતની પણ રમ્ય ઘટના છે. ઇતિહાસ સાક્ષી છે કે, કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર ‘શક્તિ’ પ્રત્યેના સન્માન અને પ્રેમને વ્યક્ત કરવા પણ ‘રક્ષા’નો ઉપયોગ થતો હોય છે.

સૂતર કે રેશમી તાંતણે બંધાવવાનો આ રિવાજ આમ તો ‘બંધન’ સમાન છે એમ કહી શકાય, પણ વાસ્તવિકતામાં નિષ્કામ ભાવથી ઉત્તરદાયિત્વ નિભાવવાની આ પ્રક્રિયા મુક્તિ તરફના માર્ગની સમજ આપી શકવા સમર્થ છે. આ ઉત્સવમાં વ્યક્ત થઈ પરસ્પરની ભાવના પ્રમાણે કર્મ કરવાથી બંધન મુક્ત સ્થિતિ સુધી પહોંચી શકાય. નિયત થયેલ કોઈ કર્મ નિષ્કામ ભાવે કેવી રીતે કરી શકાય તેની સમજ આ દિવસે જાણે વધુ સ્પષ્ટ રીતે જાણી શકાય. સનાતની સંસ્કૃતિની આવી ભવ્ય પરંપરાને કારણે તો આજની તારીખ સુધી તે હિંસક આક્રમણખોરો સામે ટકી રહી છે.

દૂર હોવાં છતાં પણ જેની ઓથ, જેની લાગણીઓ સતત વર્તાયા કરે તે બહેનની રક્ષા બાંધવાની પ્રક્રિયામાં હવે ઓનલાઈન સવલતો પણ મળી રહે છે. હવે તો દૂર રહ્યાં રહ્યાં પણ ભાઈને રાખડી મોકલી શકાય છે - પરંપરાગત ભાવથી રક્ષાબંધન ઉજવી શકાય છે. આ માટે તૈયાર સુશોભિત પાર્સલમાં કંકુ, ચોખા, દીવડો, રક્ષા, મીઠાઈ બધું જ પહોંચાડી શકાય છે. સનાતની પરંપરાની આ તાકાત છે કે તેની ઉજવણીમાં વિક્ષેપ ન પડે તે માટે બહુરાષ્ટ્રીય કંપનીઓએ આવી સગવડતા ઉભી કરી આપવી પડી છે.

પ્રચલિત પરંપરા પ્રમાણે આ તહેવારે ભાઈ પોતાની બહેનને અપાતું અભય આધિદૈવિક - આધિભૌતિક રક્ષા-કવચ ફરીથી પુનઃ કથિત કરે છે. આધુનિક સમયમાં આ રક્ષાના ક્ષેત્રનો વ્યાપ વધતો જ જાય છે. બહેન આમ પણ લાગણીશીલ હોવાથી તે અનિચ્છનીય લાગણીઓમાં ક્યાંક ફસાઈ પણ જાય. તેવાં સમયે ભાઈએ સમતા રાખીને રક્ષાની જવાબદારી નિભાવવી પડે. એક રીતે જોતાં બહેનને એ રીતે તૈયાર કરવી જોઈએ કે તેને અન્ય પ્રકારની રક્ષાની પાછળથી જરૂર ન પડે. રક્ષા લેવાની પરિસ્થિતિ ઉભી જ ન થાય એ જ સાચી અને પૂર્ણ રક્ષા છે. તેથી જ, સ્થાપિત સાંસ્કૃતિક પરંપરા અને તેનાં મૂલ્યોનું મહત્વ સમજવું અને અનુસરવું જરૂરી ગણાય.

રક્ષાબંધન - એક પવિત્ર અભિવ્યક્તિ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.