સનાતનનું આપબળ એટલે કાર્ડિફ ધર્મમંડળ

સનાતનનું આપબળ એટલે કાર્ડિફ ધર

ગત ગુરુવારે સમાજને સતત જાગ્રત કરનારા ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ની યાત્રા વેલ્સની રાજધાની કાર્ડિફ પહોંચી હતી. સુંદર, ઐતિહાસિક અને બહુસાંસ્કૃતિક એવા કાર્ડિફ શહેરમાં ગુજરાતી સમાજે પણ પોતાની સંસ્કૃતિ અને સંસ્થાઓ દ્વારા આગવી ઓળખ ઊભી કરી છે.

ગત ગુરુવારે સમાજને સતત જાગ્રત કરનારા ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ની યાત્રા વેલ્સની રાજધાની કાર્ડિફ પહોંચી હતી. સુંદર, ઐતિહાસિક અને બહુસાંસ્કૃતિક એવા કાર્ડિફ શહેરમાં ગુજરાતી સમાજે પણ પોતાની સંસ્કૃતિ અને સંસ્થાઓ દ્વારા આગવી ઓળખ ઊભી કરી છે.
કાર્યક્રમની રૂપરેખા આપતાં પૂજાબહેન રાવલે કહ્યું, આજે આપણા કાર્ડિફની એવી સંસ્થાની સફર જાણવા જઈ રહ્યા છીએ, જેની સ્થાપના 1980માં થઈ હતી. આ સંસ્થા માત્ર મંદિર પૂરતી સીમિત ન રહી, પરંતુ સેવા, સંસ્કૃતિ, પરંપરાં, એકતા અને માનવતાનું કેન્દ્ર બની રહી છે - કાર્ડિફ ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર. આ સંસ્થાએ કાર્ડિફની હિન્દુ કોમ્યુનિટીને જોડવામાં, આપણી સંસ્કૃતિ અને હિન્દુ પરંપરાઓને જાળવી રાખવામાં અને સમગ્ર કાર્ડિફ સમાજ સાથે સુંદર સંબંધો સ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આજે આપણે માત્ર એક સંસ્થાની વાત નથી કરી રહ્યા, પરંતુ તેની ભૂમિકામાં રહેલા નેતૃત્વ કરનારા લોકોની નિષ્ઠા, સેવા, સમર્પણ અને પ્રેમની એક આખી સફર આપણે જાણવા જઈ રહ્યા છીએ.
આ સંસ્થાને વર્ષોથી આગળ વધારવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા માનનીય આગેવાનો કાર્ડિફ મંદિરનાં જનરલ સેક્રેટરી વિમળાબહેન પટેલ - MBE, ડો. હસમુખભાઈ શાહ – BEM, સંધ્યાબહેન ગજ્જર અને વ્રજેશભાઈ સંઘાણી આપણી સાથે છે. આ મહાનુભાવો સાથે સંસ્થા અને સંસ્થાની બહાર જે લોકો સમાજ અને સમુદાય માટે પ્રવૃત્તિ અને સેવાકીય કાર્યો કરે છે તે અંગે ચર્ચા કરીશું.
વર્ષોથી કાર્ડિફ ધર્મમંડળ અને એલ્ડરલી ડે સેન્ટરના સંચાલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારાં વિમળાબહેન પટેલને વર્ષ 2010માં સમાજ માટેની સેવાને પ્રશંસારૂપ MBE ઇલકાબથી સન્માનવામાં આવ્યાં છે. વિમળાબહેન કાર્ડિફ ધર્મ મંડળની શરૂઆત અને તેના સફર અંગે જણાવો.
વિમળાબહેનઃ અમારી આ સફર અંગે સૌપ્રથમ સંપાદક-તંત્રી સી.બી. પટેલનો ખૂબ-ખૂબ આભાર માનું છું. અમારા મંદિર પર દેવું હતું. મને યાદ છે આ દરમિયાન સી.બી. પટેલ કાર્ડિફ મંદિરે આવ્યા હતા અને પાંચ હજાર પાઉન્ડનો ચેક આપી કહ્યું હતું કે, ‘કોઈપણ મંદિરમાં એક વર્ષથી વધુનું દેવું ન જ હોવું જોઈએ.’ તેમની આ વાતને ધ્યાને લઈ અમે સખત મહેનત કરીને પણ અમારા મંદિરનું દેવું બને ત્યાં સુધી ઝડપથી પૂર્ણ કરી દીધું હતું.
અમારા વડીલો જ્યારે યુગાન્ડાથી અહીં આવ્યા ત્યારે ઘરમાં બેસી તેઓ કંટાળી જતા હતા, જે બાદ સત્સંગના કાર્યક્રમની શરૂઆત થઈ. સૌપ્રથમ સત્સંગ અહીં પુષ્પાબહેન લાખાણીના ઘરે દર ગુરુવારે થતો હતો. આ સમયે અમને થતું હતું કે આપણને કોઈ મોટો હોલ મળે તો વધારે સારું. આ સમયે કાર્ડિફ કાઉન્સિલના મિસ્ટર મુનિરામે અમને નિઃશુલ્ક હોલ આપ્યો, બસ ત્યારથી અમારા તમામ ઉત્સવો અને સત્સંગના કાર્યક્રમો ત્યાં થવાના શરૂ થયા.
થોડા સમયમાં આ સ્થળની પાસે અન્ય એક જગ્યા વેચાણમાં ઉપલબ્ધ થતાં મિસ્ટર મુનિરામે અમને કહ્યું કે, અમે તો તમને જગ્યા આપી રહ્યા છીએ, પરંતુ તમે પોતાની જ જગ્યા લઈ લો તો વધારે સારું, તપાસે કોઈ રિસ્ટ્રિક્શન્સ નહીં નડે. આ સમયે અમારી પાસે માત્ર આઠ હજાર પાઉન્ડ હતા અને એ મકાન અમે 100,000નું લીધું હતું. આ સમયે અનેક કમિટી મેમ્બરને આ જોખમ ન લેવા જેવું લાગ્યું હતું. જો કે એમાંના અનેક લોકો એવા હતા, જેમણે તાત્કાલિક સકારાત્મક અભિગમ દાખવ્યો અને અમે મકાન લઈ ટૂંક સમયમાં તમામ દેણાં ભરપાઈ કરી દીધાં. કાર્ડિફના તમામ ગુજરાતી-ભારતીયો દ્વારા ખૂબ મદદ કરી ડોનેશન આપ્યું હતું અને અમે તે લોન પૂરી કરી દીધી હતી.
એ કમિટી ક્યારેય ન ભૂલી શકાય, તેમાં હતા હંસરાજભાઈ પટેલ, જયંતીભાઈ રયાણી, રમણભાઈ પટેલ, અમૃતભાઈ મોદી, સુરેશભાઈ ઉપાધ્યાય, ગૌતમભાઈ પિત્રોડા, મારા પતિ હર્ષદભાઈ પટેલ અને હું, શારદાબહેન, સવિતાબહેન પટેલ. આ તમામની હિંમતથી અમે આગળ વધ્યા. પહેલું મંદિર લીધું ત્યારબાદ 2011માં મોટી ઇમારત પણ લીધી. નવું મંદિર અમારું 18 હજાર સ્ક્વેર ફૂટનું છે, જેમાં 4 મોટા હોલ છે.
હાલની કમિટી મેમ્બર અને સ્વયંસેવકો ખૂબ મહેનત કરીએ છીએ. અમે કોઈપણ વ્યક્તિને પગાર પર નથી રાખી, ત્યાં સુધી કે અમે બ્રાહ્મણ પણ નથી રાખ્યા. તમામ કામ અમે જાતે જ કરી લઈએ છીએ. અમારા ટ્રસ્ટીમાં રોહિતભાઈ છોટાભાઈ પટેલ, વિનોદભાઈ છોટાભાઈ પટેલ, હરીશભાઈ પટેલ, ડો. હસમુખભાઈ શાહ અને હિંમતભાઈ પટેલનો સમાવેશ થાય છે. ડો. વિનોદભાઈ પટેલ પ્રેસિડેન્ટ, જનરલ સેક્રેટરી તરીકે હું, આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે સુધાબહેન ભટ્ટ, ટ્રેઝરર તરીકે અરજણભાઈ પટેલ, આસિસ્ટન્ટ ટ્રેઝરર પંકજભાઈ ગજ્જર છે. આ સિવાય મેમ્બર્સમાં અલ્પેશભાઈ પટેલ, વ્રજેશભાઈ સંઘાણી, સંધ્યાબહેન ગજ્જર, દિલીપભાઈ પટેલ, રમેશભાઈ પટેલ અને વિક્રમભાઈ વર્માનો સમાવેશ થાય છે.
અમારી સંસ્થામાં સ્વાસ્થ્યને લગતી વિવિધ એક્ટિવિટી પણ થાય છે, જેને સુધાબહેન ભટ્ટ દ્વારા સંભાળવામાં આવે છે. આ સિવાય હેલ્થ સેશન્સ, પિકનિક અને ઉત્સવોનું પણ આયોજન કરીએ છીએ. ગઈકાલે અમે ઇન્ડિપેન્ડેન્સ ડે પણ ઊજવ્યો.
હિન્દુ કોમ્યુનિટીનાં કાર્યો સિવાય સંસ્થા દ્વારા ઇન્ડિયન સોલ્જર્સ મેમોરિયલ, ગાંધીપ્રતિમા, લેટ રોડ્રી મોર્ગન સ્ટેચ્યૂનું પદાર્પણ જેવાં કાર્યો સાથેનું સંસ્થાનું જોડાણ કેવી રીતે મજબૂત કરો છો?
વિમળાબહેનઃ કાર્ડિફમાં વર્ષો પહેલાં સ્કંદાવેલમાં ગાયની હત્યા થતી હતી ત્યારે હિન્દુ કાઉન્સિલ ઓફ યુકેથી મિસ્ટર જગતિયાને બોલાવ્યા હતા. આ સમયે અમને લાગ્યું કે કાર્ડિફમાં અનેક સંસ્થાઓ છે પણ અમ્બ્રેલા બોડી તરીકે નથી. આ કારણથી અમે નક્કી કર્યું કે આપણે હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સ બનાવવું જોઈએ, જેની સ્થાપના મેં અને નિમાબહેન પિસાવાડિયા દ્વારા વર્ષ 2011માં કરી. અમે નક્કી કર્યું કે શું-શું કરવું જોઈએ. અમે ગાંધીજીની પ્રતિમા મૂકવાનું નક્કી કર્યું, જેથી તમામના વિચારો શુદ્ધ કરી શકાય. આ સ્ટેચ્યૂની સ્થાપના વર્ષ 2017માં કરવામાં આવી. આજે પણ લંડન અને લેસ્ટરથી અનેક કોચમાં આવતા પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ તેની મુલાકાત લે છે અને સ્કૂલ વિઝિટ પણ ત્યાં થાય છે. આ તમામ લોકોને ગાંધીજીની ઓળખ આપવામાં આવે છે. ગાંધીજીના અમારા પેટ્રન હતા રોડ્રી મોર્ગન, તે અમારા તે સમયના ફર્સ્ટ મિનિસ્ટર હતા.
ગાંધીપ્રતિમાના વિચારથી જ તેઓ ઉત્સાહિત હતા. અમે પેટ્રન બનાવવાનો તેમને પ્રસ્તાવ કરતાં જ તેઓ ખુશ થઈ ગયા હતા અને તેમાં હામી ભરી હતી.
ભારતથી સ્ટેચ્યૂ આવ્યું, જેની સ્થાપનાને ત્રણ મહિનાનો સમય હતો ત્યારે જ તેઓનું નિધન થયું હતું. જોકે બાદમાં તેમનાં પત્ની અને મિનિસ્ટર એવાં જુલી મોર્ગન પેટ્રન બન્યાં. બાદમાં જુલી અને અમારા દ્વારા રોડ્રી મોર્ગનનું સ્ટેચ્યૂ પણ રાખવાનું નક્કી કરાયું હતું, કારણ કે તેઓ પણ મહાન વ્યક્તિત્વના ધની હતા. ફાધર ઓફ નેશન તરીકે ઓળખાતા રોડ્રી ડિવોલ્યુશનની શરૂઆત 20 વર્ષ પહેલાં કરી હતી.
કમિટીએ આ અંગે વિચાર કરતાં જુલીએ મને બાદમાં તેની એમ્બેસેડર બનવાનો પ્રસ્તાવ મૂક્યો. આમ હું અને હસમુખભાઈ તેમાં એમ્બેસેડર હતાં અને 140,000 ફંડ એકત્ર કરીને તેમને આપ્યું હતું, આમ 9 જુલાઈએ તેમની પ્રતિમાની સ્થાપના થઈ.
અમારો બીજો કાર્યક્રમ હતો વોર મેમોરિયલ, જે હિન્દુ, મુસ્લિમ, ગુરખા ફેમિલી અને શીખ કાઉન્સિલ ઓફ વેલ્સ ચાર સંસ્થા ભેગી થઈને વોર મેમોરિયલ કરીએ છીએ. અમને કાઉન્સિલે સકારાત્મક જવાબ આપ્યો છે કે અમે તમને જગ્યા આપીશું અને બનાવીને પણ આપીશું, પરંતુ તમારે તેના માટે ભંડોળ એકત્ર કરવું પડશે. આ અમારો નેક્સ્ટ પ્રોજેક્ટ છે.
હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સે અસ્થિ વિસર્જનનો પ્રોજેક્ટ શીખ કોમ્યુનિટી સાથે કર્યો હતો, કારણ કે બંને કોમ્યુનિટીની એક જ ડિમાન્ડ છે કે કોઈનાં પણ મરણ બાદ અસ્થિને છેક ભારત લઈ જવાતા, અથવા અહીં છૂપી રીતે અસ્થિ પધરાવી દેવાતા. શીખ કોમ્યુનિટી દ્વારા આ અંગેની ડિમાન્ડ થતાં અમે કાઉન્સિલ પાસે આ અંગેની માગ કરી હતી. કોવિડ સમયે અહીં ઘણા લોકોનાં મોત થયાં હતાં, જેથી અમે કાઉન્સિલ પર થોડું દબાણ વધાર્યું હતું. જેને વશ થઈ કાઉન્સિલે અમને કોવિડના સમયમાં અસ્થિ પ્રોજેક્ટની શરૂઆત કરવાની રજા આપી હતી અને 31 જુલાઈ 2021માં અમે તેની સ્થાપના કરી હતી. જેનો હિન્દુ, શીખો અને ખ્રિસ્તીઓ દ્વારા પણ લાભ લેવામાં આવી રહ્યો છે.
આપણા બીજા મહેમાન છે પ્રો. હસમુખભાઈ શાહ – BEM. તેઓ યુકેમાં આવી એનએચએસમાં 50 વર્ષથી વધુ સમયથી સેવા આપી રહ્યા છે. તેઓ બ્રિટિશ એસોસિયેશન્સ ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન – BAPIO ના વેલ્સ વિભાગના સેક્રેટરી અને યુકેના ડેપ્યુટી જોઇન્ટ સેક્રેટરી છે. આ ઉપરાંત તેઓ BAPIO યુકેમાં કાર્યરત્ ભારતીય મૂળના તબીબોનું પ્રતિનિધિત્વ કરે છે. 2020થી 2021 દરમિયાન તેઓ વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટરના કોવિડ-19ના રિસ્ક એસેસમેન્ટ ગ્રૂપના એક્સપર્ટ મેમ્બર તરીકે રહ્યા અને અનેક લોકોનાં જીવન બચાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમને વર્ષ 2018માં એશિયન વોઇસ - ગુજરાત સમાચાર દ્વારા લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અને 2024માં કાર્ડિફ ખાતે લાઇફ ટાઇમ સર્વિસ ટુ ઇક્વાલિટી ડાઇવર્સિટી એન્ડ ઇન્ક્લુએન્ઝિવ એવોર્ડ અને 2018માં બ્રિટિશ એમ્પાયર મેડલ સહિત અનેક સન્માન પ્રાપ્ત થયાં છે.
હસમુખભાઈ સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર કાર્ડિફના મુખ્ય ઉદ્દેશ્ય, મિશન અને પ્રવૃત્તિઓ અંગે ઝાંખી કરાવો.
હસમુખભાઈઃ અમારા સનાતન ધર્મ મંડળનો ઉદેશ્ય હિન્દુ કલ્ચરલ અને સોશિયલ એક્ટિવિટી માત્ર હિન્દુઓ માટે જ નહીં તમામ ધર્મના લોકો માટે છે. અમારા દ્વારા અપાતા રિલિજિયસ એજ્યુકેશનથી લોકોમાં સ્ટ્રેસ અને માંદગીમાં ફાયદો થાય છે. અમારા મંદિરનો ઉદ્દેશ્ય છે તમામને સમાન તક, એટલે કે નાના-મોટા, પુરુષ અને સ્ત્રી તમામને સમાન તક આપીને આપણા કલ્ચરનો ફેલાવો કરવો.
સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓનો શું પ્રતિભાવ મળે છે?
હસમુખભાઈઃ ચેરિટી કમિશન અને અમારા એસ્ટિમેટ પ્રમાણે અમારી પાસે 55 સ્વયંસેવકો છે, જે પૈકી મોટાભાગના ફુલટાઇમ અથવા પાર્ટટાઇમ જોબ કરે છે, છતાં સ્વયંસેવક તરીકે તેઓ સદાય હાજર અને તત્પર રહે છે. નાનામાં નાના કામમાં તેઓ સતત મદદ કરે છે. હરીશભાઈ અને વિમળાબહેન દ્વારા કરાતા અદભુત સ્વાગત અંગે લોકોએ મને કહ્યું છે કે, તેમનો આટલો સારો સ્વભાવ અને આતિથ્ય સત્કારથી અમને ફરી આવવાનું મન થાય છે. આ ઉપરાંત લોકોનો જ ફીડબેક છે કે અહીં સ્વચ્છતાનું ખૂબ ધ્યાન અપાય છે, અહીં અમને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. આ ફીડબેક અમારું મિશન છે અને તે અમારી સફળતા દર્શાવે છે.
આપણા ત્રીજાં મહેમાન છે સંધ્યાબહેન ગજ્જર. જેઓ સનાતન ધર્મ મંડળનાં બોર્ડ મેમ્બર અને સમર્પિત સ્વયંસેવક છે. મંદિરના કાર્યક્રમમાં તેઓ ખૂબ સમર્પિત થઈ સેવા આપે છે. આપના દ્વારા મંદિરમાં કરાતા શણગારનાં ખૂબ વખાણ થાય છે. મંદિરની સજાવટ શ્રદ્ધા, ભાવના, સમય અને પ્રેમ માગી લે છે, જે આપ કરો છો.
સંધ્યાબહેન વારે-તહેવારે મંદિરની સજાવટની પરંપરા આપ જાળવો છો, તેની પ્રેરણા આપને ક્યાંથી મળે છે?
સંધ્યાબહેનઃ ભગવાન અને મંદિરનો શણગાર આપણને ભગવાનની વધુ નજીક લાવે છે. મૂર્તિમાં સાક્ષાત ભગવાન છે તે ભાવ લઈ આવવાથી આપણી ભક્તિ અને શ્રદ્ધા વધે છે. જે ભગવાન અને મંદિરના શણગારથી જ થઈ શકે, જેમાં અમારા સ્વયંસેવક ભાઈ-બહેનો મોટો ભાગ ભજવે છે. કાર્ડિફ મંદિરમાં 24 દેવ-દેવીઓ બિરાજમાન છે. જે પૈકી 6 ચલિત મૂર્તિ અને શિવાલયમાં 3 મૂર્તિ છે. સવારથી પહોંચી અમારે તૈયારી આદરવી પડે છે. પહેલાં અમે અમારા વડીલો પાસેથી ભગવાનના સ્નાન અને શણગારની પ્રવૃત્તિઓ શીખતાં હતાં. બાદમાં બંગાળથી એક પ્રભુજી આવ્યા હતા, જેમણે અમને ઘણું શીખવાડ્યું કે ભગવાનનો શણગાર કેવી રીતે કરવો અને કેવી રીતે લાડ લડાવવા. આ સિવાય તે કરવાનું કારણ પણ તેમણે અમને સમજાવ્યું. આ પ્રભુજીએ અમને ખૂબ પ્રોત્સાહન આપ્યું. જે મુજબ આજે અમે વહેલા મંદિરે પહોંચી ભગવાનને સ્નાન કરાવી વિવિધ વાઘા પહેરાવીએ.
આજે હું લોકોને ભગવાનના વાઘા અંગે સમજાવું છું અને ન આવડતાં તેને સિવતાં પણ શીખવું છું. ભગવાનની માળા અહીંના સ્મિતાબહેનનાં માતા મીનાબહેન રાયજાદા રાજકોટથી અમને મોકલાવે છે. આમ તમામ ભગવાનના એકસરખા વાઘા, એકસરખા શણગાર અને હાર બધુ એકસરખું જ જોવા મળે. આજે બધા એક જ કહે છે કે તમારા ભગવાન કેટલા સુંદર લાગે છે! તમે જેવા મંદિરમાં પ્રવેશ કરો ત્યારે ભગવાન તમારી સમક્ષ છે તે ભાવ ખૂબ જરૂરી છે, જે ભાવ અમને ભગવાનના શણગારથી પ્રાપ્ત થાય છે.
હરીશભાઈ દ્વારા અમને ખૂબ મદદ પ્રાપ્ત થાય છે. તેઓ અડધી રાત્રે પણ અમને પડતી તકલીફો અંગે વિચારે અને તમામ પ્રકારનાં મદદરૂપ કાર્ય માટે તત્પર રહે છે. આ સાથે અમારા ઘરના સભ્યો પણ અમને ભગવાનનાં કાર્ય માટે શક્તિ, ભક્તિ અને મંજૂરીનો હાર પહેરાવી જ આપે છે. પરિવાર દ્વારા મને ખૂબ પીઠબળ છે.

અમારા આજના ચોથા મહેમાન છે વ્રજેશભાઈ સંઘાણી. જેઓ મંદિરના ટેકનિકલ સપોર્ટ પ્રોગ્રામ, ઓર્ગેનાઇઝેશન અને સ્વયંસેવકોની પ્રવૃત્તિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. કોઈપણ સફળ કાર્યક્રમમાં આપણે માત્ર મંચ પરની દેખાતી વ્યવસ્થા જ જોઈએ છીએ, પરંતુ તેની પાછળ અનેક લોકોની મહેનત અને આયોજન હોય એ આપણને જોવા મળતા નથી, જે વ્રજેશભાઈ કરે છે.
વ્રજેશભાઈ કોઈપણ મંદિરનો કાર્યક્રમ સફળતાથી પૂર્ણ થાય તેની પાછળની આપની તૈયારી જણાવો.
વ્રજેશભાઈઃ મંદિરના કાર્યક્રમોમાં ટેકનિકલ કાર્યો પણ મહત્ત્વનાં છે. કાર્યક્રમોમાં સપોર્ટ સિસ્ટમ ગણાતા કેબલ, માઇક અને સાઉન્ડ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે તે જરૂરી હોય છે. ચાલુ કાર્યક્રમમાં કોઈ રૂકાવટ ઊભી ન થાય તે માટે અમે ટેસ્ટ રન કરતા હોઈએ છીએ. અમારો મુખ્ય કાર્યક્રમ દિવાળીનો હોય છે, જેમાં 400થી વધુ લોકો હાજર રહે છે અને 20થી વધુ પર્ફોર્મન્સ કરવામાં આવે છે. આવા કાર્યક્રમમાં અનેક વીવીઆઇપીઓ પણ હાજર રહે છે, જેમાં સ્થાનિક એમપી અને મેયર પણ હોય છે. આવા તબક્કે આપણે ઇચ્છીએ કે સાઉન્ડ સિસ્ટમથી લઈ બધું સ્મૂધ ચાલે, જેની અમારા દ્વારા પૂર્વ તૈયારી કરવામાં આવે છે.
આવનારી પેઢીને સાથે જોડવા માટે શું કરી શકાય?
વ્રજેશભાઈઃ નવી પેઢીના યુવાનો જોડાવા માગતા હોય તો અમે તેમને પહેલાં અમારી સાથે રાખીએ છીએ. તે અમારા સપોર્ટમાં જ હોય છે, પરંતુ તેઓ અમારી સાથે રહીને જોવે અને શીખે તે અમારો ઉદ્દેશ્ય છે. અમે જેમ અમારા વડીલોને જોઈને શીખ્યા, તેમ અમે ઇચ્છીએ કે તેઓ અમારી સાથે રહીને જુએ અને શીખે. આમ અમે યૂથને અમારી સાથે જોડીએ છીએ. નવરાત્રીમાં લાઇવ બેન્ડ પર્ફોર્મન્સ થાય છે, જેમાં ઢોલક સહિતનાં વાદ્યો સાથે કેવી રીતે કામ થાય તેઓ જુએ. અમે જ્યારે કોઈ કામઅર્થે બહાર હોઈએ ત્યારે કાર્યક્રમમાં આ યુવાનોનો અનુભવ કામ આવે છે. આમ તેઓ પ્રોત્સાહિત થાય છે અને વધુને વધુ જોડાતા જાય છે.
વિમળાબહેન તમારાં સેવાકાર્યો અને યુવાનોને જોડવાનું પ્રોત્સાહન આપને ક્યાંથી પ્રાપ્ત થાય છે?
વિમળાબહેનઃ ભગવાનનું કાર્ય કરતા હોઈએ ત્યારે ભગવાન જ આપણો પ્રેરણાસ્રોત બને છે. નોરતાં હોય ત્યારે નાનાં બાળકોને નાનાં-નાનાં તબલાં આપીએ છીએ, જેથી તેઓને એમ જ લાગે કે જે સંગીત વાગે છે તે તેઓ જ વગાડી રહ્યા છે. અમે ક્યારેય બહારથી મ્યુઝિક પાર્ટી બોલાવતા જ નથી, અમારા હાજર સંસાધનો અને લોકો જ તેના માટે પૂરતા છે. વ્રજેશ જેવા લોકો જે બાળકો હતાં અને વગાડતા તેઓ આજે પ્રોફેશનલી આ કામ કરે છે. અમારા સ્વયંસેવકોનો અમને ખૂબ સાથ છે, જેમાં અમે નવા લોકોને પણ આવકારીએ છીએ. અમારા મંદિરની સુંદરતા એ છે કે અમે કોઈને પગાર નથી આપતા. કોઈપણ માણસ કોઈપણ કાર્ય કરે તે અમારા માટે નહીં પોતાના માટે કામ કરે છે.
કાર્યક્રમને સમાપન તરફ લઈ જતાં ભારતીબહેન પંકજ વોરાએ જણાવ્યું કે, આજે આપણે સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટરની વિગતવાર વાત કરી અમને જકડી રાખ્યા. તમને ખબર છે સોનેરી સંગતમાં બે યાત્રા સાથોસાથ ચાલી રહી છે, એક સ્થળની યાત્રા જેમ કે લેસ્ટર, પ્રેસ્ટન, બ્રાઇટન અને આજે કાર્ડિફ. અને બીજી ભાવની યાત્રા, જે ભાષા, સંસ્કૃતિ, સ્વાતંત્ર્યસેવા અને સાહિત્યને સથવારે ચાલે છે.

સનાતનનું આપબળ એટલે કાર્ડિફ ધર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.