‘કોકરોચ’ હવે કેનેડા પહોંચ્યા કે શું?! ભારતીય વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન
ભારતમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)નાં બેનર હેઠળ થયેલા દેખાવોની જેમ કેનેડામાં પણ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સડકો પર ઉતરી આવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં સૌથી વધારે પંજાબ રાજ્યનાં વિદ્યાર્થીઓ સામેલ છે.
કેલગરીઃ ભારતમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)નાં બેનર હેઠળ થયેલા દેખાવોની જેમ કેનેડામાં પણ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સડકો પર ઉતરી આવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં સૌથી વધારે પંજાબ રાજ્યનાં વિદ્યાર્થીઓ સામેલ છે.
આ વિવાદ પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (પીજીડબલ્યુપી) અંગે છે. પરમિટની અરજીઓ મોટા પાયે રિજેક્ટ થવાનાં વિરોધમાં 1000થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેલગરીની સડકો પર ઉતરી આવ્યા હતા.આ વિદ્યાર્થીઓ દસ દિવસથી દેખાવો કરી રહ્યાં છે અને વારાફરતી ભૂખ હડતાળ કરી રહ્યાં છે. આ દરમિયાન દેખાવોવાળી જગ્યાએ કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી (સીબીએસએ)એ દરોડા પાડતા અરાજકતા ફેલાઈ હતી. કેનેડા બોર્ડર સર્વિસ એજન્સીનાં અધિકારીઓએ કેલગરીમાં વિદ્યાર્થીઓ દેખાવો કરી રહ્યાં હતાં તે સ્થળે અચાનક દરોડા પાડયા હતાં.
અધિકારીઓએ તમામ દેખાવકારોનાં ઈમિગ્રેશન દસ્તાવેજોની તપાસ કરી હતી. આ કાર્યવાહી સમગ્ર કેનેડામાં ઇમિગ્રેશન કાયદાઓનો કડક અમલ કરવા, નિયમોનાં ભંગની તપાસ કરવા માટે કરવામાં આવી હતી. નિયમોનો ભંગ કરનારાઓ સામે ડિપોર્ટેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે પોસ્ટ ગ્રેજયુએશન વર્ક પરમિટ અરજીઓ મોટા પ્રમાણમાં રિજેક્ટ થવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓનાં જણાવ્યા અનુસાર તેમના પરિવારોએ તેમને વિદેશ મોકલવા મોટા પ્રમાણમાં આર્થિક રોકાણ કર્યું છે.
વિદ્યાર્થીઓએ એ વિશ્વાસ સાથે ભારે ભરખમ ટયુશન ફી ભરી હતી અને કોર્સ પૂર્ણ કર્યો હતો કે કોર્સ પૂર્ણ કર્યા પછી તેમને વર્ક પરમિટ મળી જશે.
વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યાં છે કે તેમની અરજીઓ પર ફરીથી વિચાર કરવામાં આવે. આ સમગ્ર સ્થિતિનો સંબધ આંશિક રીતે પંજાબનાં જલંધરની એક ઈમિગ્રેશન કંપની સાથે બતાવવામાં આવી રહ્યો છે.
