એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ
અમેરિકા સાથેના સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે કેનેડાએ લોસ એન્જલસમાં કોન્સુલ જનરલ તરીકે ઇન્ડો કેનેડિયન કમલ ખેરાની નિમણૂક કરી છે.
ઇન્ડો કેનેડિયન કમલ ખેરાની લોસ એન્જલસમાં કેનેડાના કોન્સુલ જનરલ તરીકે નિયુક્તિ
ટોરન્ટોઃ અમેરિકા સાથેના સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે કેનેડાએ લોસ એન્જલસમાં કોન્સુલ જનરલ તરીકે ઇન્ડો કેનેડિયન કમલ ખેરાની નિમણૂક કરી છે. પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને વર્તમાન વડાપ્રધાન માર્ક કાર્નીના શાસનકાળ દરમિયાન વિવિધ મહત્વના મંત્રાલયો સંભાળનાર કમલ ખેરાની આ નિમણૂક અમેરિકાને કેન્દ્રમાં રાખીને લેવાયેલા શ્રેણીબદ્ધ રાજદ્વારી નિર્ણયો અંતર્ગત કરવામાં આવી છે. વ્યવસાયે નર્સ રહી ચૂકેલા ખેરા વર્ષ 2015માં બ્રેમ્પટન વેસ્ટ મતવિસ્તારમાંથી પ્રથમ વખત હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા હતા. ત્યારબાદ 2019 અને 2021માં તેઓ ફરીથી ચૂંટાયા હતા. તેમણે વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ મંત્રી તરીકે પ્રથમ વખત કેબિનેટમાં સ્થાન મેળવ્યું હતું. તેમનો છેલ્લો પોર્ટફોલિયો આરોગ્ય મંત્રાલયનો હતો.
0000000000000000000000000000000000000000000000000000
ઉદય રુદ્દારાજુની ઓપનએઆઇમાં ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે બઢતી
ન્યૂયોર્કઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રની અગ્રણી કંપની ઓપનએઆઈએ ભારતીય મૂળના ટેક એક્ઝિક્યુટિવ ઉદય રુદ્દારાજુને કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર ઓફ કોમ્પ્યુટ તરીકે પ્રમોટ કર્યા છે. નોંધનીય છે કે તેઓ માત્ર એક વર્ષ પહેલા જ ઇલોન મસ્કની એઆઈ કંપની એક્સએઆઇ છોડીને ઓપનએઆઈમાં જોડાયા હતા. ઉદય રુદ્દારાજુએ જણાવ્યું છે કે, અમારું લક્ષ્ય વિશ્વનું સૌથી મોટું કોમ્પ્યુટ ફૂટપ્રિન્ટ તૈયાર કરવાનું છે જેથી ફ્રન્ટિયર એઆઈ દરેક વ્યક્તિ અને દરેક કાર્યપ્રણાલી સુધી પહોંચી શકે. આ માટે અમારે લાર્જ સ્કેલ ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમ્સ, હાર્ડવેર, મેન્યુફેક્ચરિંગ અને સિવિલ, મિકેનિકલ તેમજ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રે ઘણું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે.
0000000000000000000000000000000000000000000000000000
યુટાહમાં "શું તું મુસ્લિમ છે?" પૂછીને ભારતીય યુવકને ચપ્પુના 15 ઘા ઝીંકી દીધાં
વોશિંગ્ટનઃ અમેરિકાના યુટાહના એક શોપિંગ મોલની અંદર ધર્મના નામે એક કિયોસ્ક કર્મચારી પર જીવલેણ હુમલો થવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. 48 વર્ષીય હુમલાખોર પીટર માઈકલ લાર્સને તપાસકર્તાઓ સમક્ષ કબૂલાત કરી છે કે તેણે પીડિતને જાણીજોઈને નિશાન બનાવ્યો હતો કારણ કે તે મુસ્લિમ હતો અને તેનો હેતુ મુસ્લિમોને જાનથી મારી નાખવાનો છે. આરોપી લાર્સન વેસ્ટ વેલી સિટીમાં આવેલા વેલી ફેર મોલમાં કામ કરતા કર્મચારી સોહેલ પાસે ગયો હતો અને વાતચીત શરૂ કરીને તેના ધર્મ વિશે પૂછ્યા બાદ અચાનક હિંસક હુમલો કરી દીધો હતો. સત્તાવાળાઓએ લાર્સન સામે હત્યાના પ્રયાસ અને ગેરકાયદેસર ખતરનાક હથિયાર રાખવા અંગેના ગુના દાખલ કરી તેને સોલ્ટ લેક કાઉન્ટી જેલમાં મોકલી આપ્યો છે.
0000000000000000000000000000000000000000000000000000
કેલિફોર્નિયામાં 3નાં મોત નિપજાવનાર ટ્રક ડ્રાઇવર જશનપ્રીત સિંહને 4 વર્ષ 8 મહિનાની કેદ, હળવી સજાના કારણે જનતામાં આક્રોશ
કેલિફોર્નિયાઃ 2025માં ઓન્ટારિયો ફ્રી વે પર ભીષણ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજાવવા માટે ટ્રક ડ્રાઇવર જશનપ્રીત સિંહને 4 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. જશનપ્રીતે ગુનો કબૂલ્યા બાદ તેને સંભળાવવામાં આવેલી સજાને લઈને જનતામાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ઘણા લોકો આ સજાને ખૂબ જ હળવી ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો કેલિફોર્નિયાની ઇમિગ્રેશન નીતિઓ અને કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાના નિયમો સામે સવાલો ઉઠાવી રહ્યા છે. સેન બર્નાર્ડિનો કાઉન્ટીની કોર્ટના જજે 21 વર્ષીય જશનપ્રીતને ઘોર બેદરકારી સાથે માનવવધના ત્રણ કેસમાં દોષિત ઠેરવીને ચાર વર્ષ અને આઠ મહિનાની જેલની સજા ફટકારી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના જણાવ્યા મુજબ સિંહ ભારતનો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ છે, જે 2022માં દક્ષિણ સરહદ ઓળંગીને યુએસમાં દાખલ થયો હતો.
0000000000000000000000000000000000000000000000000000
અમેરિકાના પેન્સિલવેનિયામાં મૂળ મહેસાણાના ક્રિશ પટેલની ગોળી મારી હત્યા
પેન્સિલવેનિયાઃ અમેરિકામાં સેટલ થયેલા મૂળ મહેસાણાના પરિવારના યુવા દીકરા 21 વર્ષીય ક્રિશ પટેલની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. ક્રિશ પટેલ તેના મિત્રો સાથે બહાર ફરવા ગયો હતો ત્યારે કોઇ અજાણ્યા શખ્સે તેના પર ગોળીબાર કર્યો હતો. હત્યા પાછળનો ઇરાદો શું હતો તે હજુ સ્પષ્ટ થયું નથી. જુવાનજોધ દીકરાની હત્યા થતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. તેની અંતિમવિધિ 17 જુલાઇના રોજ લેવિટટાઉનમાં કરાઇ હતી.
0000000000000000000000000000000000000000000000000000
ન્યૂજર્સીમાં 6.20 લાખ ડોલરનું કૌભાંડ આચરનાર કિર્તન પટેલને અઢી વર્ષની જેલ
ન્યૂજર્સીઃ 6.20 લાખ ડોલરના કૌભાંડમાં ન્યૂજર્સીના કિર્તન પટેલને અઢી વર્ષની જેલ અને 12.40 લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રીન કાર્ડ સ્ટેટસ ધરાવતો કિર્તન પટેલ ન્યૂજર્સીમાં પોતાની માલિકીની ફાર્મસી ધરાવે છે. એલનટાઉનમાં રહેતા 34 વર્ષના કિર્તન પટેલે નવેમ્બર 2020માં ઓડિટ માટે એક હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીમાં ફેક ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા હતા. ડોક્યુમેન્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે, કિર્તનની ફાર્મસી અમુક પ્રકારના પ્રિસ્ક્રિપ્શન્સ માટે ઓથોરાઇઝ્ડ છે પરંતુ એવું કંઇ નહોતું. કિર્તન ફેક પ્રિસ્ક્રિપ્શન અને પીક અપ રેકોર્ડ્સ દ્વારા કસ્ટમર્સ તેની ફાર્મસીમાંથી દવા લઇ ગયા હોવાનું સાબિત કરતો હતો. પરંતુ હકીકતમાં તેણે કાગળ પર જ કસ્ટમર્સ ઊભા કર્યા હતા. કિર્તને તેના એક મિત્ર સમક્ષ દાવો કર્યો હતો કે તે આ ફ્રોડ દ્વારા મહિને આઠથી દસ હજાર ડોલરની કમાણી કરી લે છે.
0000000000000000000000000000000000000000000000000000
અગ્રણી ભારતીય મૂળના વૈજ્ઞાનિક પર જાતીય ગેરરિતીના આરોપ, રાજીનામુ
લા જોલાઃ કેલિફોર્નિયાની પ્રતિષ્ઠિત સાલ્ક ઇન્સ્ટિટ્યૂટના અગ્રણી ભારતીય મૂળના વૈજ્ઞાનિક સચિન પાંડાએ કાર્યસ્થળ પર જાતીય ગેરવર્તણૂકના આક્ષેપો બાદ સંસ્થામાંથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ આ નામાંકિત સંશોધન કેન્દ્રમાં તેમની 22 વર્ષ લાંબી કારકિર્દીનો અંત આવ્યો છે. લેબોરેટરીમાં કામ કરતી એક મહિલા રિસર્ચ આસિસ્ટન્ટ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ સંસ્થાએ તાજેતરમાં જ પાંડાને રજા પર ઉતારી દીધા હતા. સાલ્ક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં આ મામલાની પુષ્ટિ કરતા જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષના માર્ચ મહિનામાં એક સ્ટાફ રિસર્ચ આસિસ્ટન્ટ દ્વારા સંસ્થાની સત્તાવાર રિપોર્ટિંગ ચેનલો મારફતે કાર્યસ્થળ પર ગેરવર્તણૂક અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. બીજી તરફ, વૈજ્ઞાનિક સચિન પાંડાએ પોતાની સામે લાગેલા તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.
0000000000000000000000000000000000000000000000000000
કેનેડાના હેમિલ્ટનમાં ભારતીય ટ્રક ડ્રાઇવર તરણપ્રીતની રહસ્યમય હત્યા
હેમિલ્ટનઃ કેનેડાના હેમિલ્ટનમાં ભારતીય ટ્રક ડ્રાઇવર 29 વર્ષીય તરણપ્રીત સિદ્ધુની હત્યા કરી નાખવામાં આવી છે. બુધવારે હેમિલ્ટનની ગટરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તરણપ્રીત સિંહ સિદ્ધુ ગ્રેટર ટોરન્ટો એરિયાના બ્રેમ્પટનનો રહેવાસી હતો. સિદ્ધુ વર્ષ 2022માં ભારતથી કેનેડા આવ્યો હતો અને અહીં ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. પ્રાથમિક તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે, સિદ્ધુનું મૃત્યુ હત્યાના કારણે થયું છે. જોકે તપાસ હજુ ચાલુ હોવાથી પોલીસે હાલ મૃત્યુના ચોક્કસ કારણનો ખુલાસો કર્યો નથી. પોલીસને શંકા છે કે સિદ્ધુની અન્ય સ્થળે હત્યા કરી અહીં મૃતદેહ ફેંકી દેવાયો હતો.
0000000000000000000000000000000000000000000000000000
સિંગાપોરમાં બે લાખ ડોલરના હીરાની ચોરી કરનાર ગુજરાતીને બે વર્ષની કેદ
સિંગાપોરઃ સિંગાપોરમાં 2 લાખ સિંગાપોર ડોલરના મૂલ્યના હીરાની ચોરી માટે ભારતીય નાગરિક માંગરોલિયા મનોજકાર કુરજીભાઇને બે વર્ષ અને બે મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે. માંગરોલિયાએ ચાઇના ટાઉન જ્વેલરી સ્ટોરમાંથી લગભગ દોઢ લાખ અમેરિકન મૂલ્યના હીરાની ચોરી કરી હતી. તેની સાથે સંડોવાયેલા અન્ય ભારતીય સેરાસિયા મિલન રમણિકભાઇને હવે પછી સજાની સુનાવણી કરાશે.
0000000000000000000000000000000000000000000000000000
રાજસ્થાનના સાઇકલિસ્ટે અમેરિકાના એક છેડાથી બીજા છેડા સુધીની કપરી સફર પૂર્ણ કરી
વોશિંગ્ટનઃ રાજસ્થાનના સાઇકલિસ્ટ નિતિન સૈનીએ આ વર્ષની અલ્ટ્રા-એન્ડ્યુરન્સ ઇવેન્ટમાં માત્ર 28 દિવસમાં પેસિફિક કોસ્ટથી વોશિંગ્ટન ડી.સી. સુધીની સફર ખેડીને અત્યંત કપરી ગણાતી ટ્રાન્સ એમ બાઇક રેસ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. સૈનીએ 7 જૂનના રોજ ઓરેગોનના એસ્ટોરિયાથી આ રેસની શરૂઆત કરી હતી અમેરિકાના 11 રાજ્યોમાંથી પસાર થઈને આશરે 3,500 માઇલનું અંતર કાપીને તેઓ 5 જુલાઈએ વોશિંગ્ટન સ્થિત ઐતિહાસિક લિંકન મેમોરિયલ ખાતે પહોંચ્યા હતા. આ વૈશ્વિક સ્પર્ધામાં અમેરિકા, યુરોપ અને ભારત સહિત વિશ્વભરમાંથી આશરે 30 સાઇકલિસ્ટે ભાગ લીધો હતો. સૈનીએ જણાવ્યું હતું કે, આ સફર તેમની અપેક્ષા કરતા ઘણી વધુ પડકારજનક હતી. ટ્રાન્સ એમ બાઇક રેસ એક વાર્ષિક સેલ્ફ-સપોર્ટેડ એન્ડ્યુરન્સ ઇવેન્ટ છે, જે સમગ્ર અમેરિકાને સાંકળતા ટ્રાન્સકોન્ટિનેન્ટલ રૂટને અનુસરે છે. આ રેસમાં નેવિગેશન, ભોજન, રિપેરિંગ અને આરામની સંપૂર્ણ જવાબદારી રાઇડર્સની પોતાની હોય છે અને કોઈ પણ પ્રકારની બહારની સહાય મેળવવાની મંજૂરી હોતી નથી.
0000000000000000000000000000000000000000000000000000
ઉઝબેકિસ્તાનમાં કેરળની મેડિકલ વિદ્યાર્થિનીની હત્યા, સહાધ્યાયી સામે ગુનો દાખલ
ઉઝબેકિસ્તાનઃ ઉઝબેકિસ્તાનમાં કેરળની 22 વર્ષીય મેડિકલ વિદ્યાર્થિનીના રહસ્યમય સંજોગોમાં થયેલા મોત મામલે કેરળ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. આ કેસમાં આરોપી પીડિતાનો સહાધ્યાયી છે, જે મલપ્પુરમનો રહેવાસી છે. ઉગ્ર દલીલો દરમિયાન આરોપીએ વિદ્યાર્થિનીના માથા પર પ્રહાર કર્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ છે. ડીવાયએસપી બિનુકુમારે કાનૂની પ્રક્રિયા સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, ગુનો ભલે દેશની બહાર ઉઝબેકિસ્તાનમાં થયો હોય, પરંતુ ભારતમાં આ મામલે કેસ નોંધવાની કાયદાકીય જોગવાઈઓ ઉપલબ્ધ છે. જો ત્યાંના સ્થાનિક સત્તાવાળાઓ તપાસ બાદ આરોપી સામે કાનૂની કાર્યવાહી હાથ ધરશે તો ભારતમાં નોંધાયેલો કેસ બંધ કરવામાં આવશે. જો ત્યાં કોઈ કાનૂની પગલાં નહીં લેવાય તો અમે અહીં તપાસ આગળ ધપાવીશું.
0000000000000000000000000000000000000000000000000000
