કેસો પાછા ખેંચવા અમેરિકા સાથે અદાણી જૂથની કોઇ ડીલ નથી થઇ
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ યુએસ કોર્ટમાં સોગંદનામુ રજૂ કરીને સ્પષ્ટતા કરી છે કે તેમની સામેના કેસોને પાછા ખેંચવાના બદલામાં સરકારના કોઇ વિભાગ સાથે કોઇ જ ડીલ નથી થઈ. કેસોને લઈને અમેરિકી સરકાર સાથે કોઇ જ નાણાકીય લેવડદેવડ પણ નથી થઇ.
વોશિંગ્ટન: અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ યુએસ કોર્ટમાં સોગંદનામુ રજૂ કરીને સ્પષ્ટતા કરી છે કે તેમની સામેના કેસોને પાછા ખેંચવાના બદલામાં સરકારના કોઇ વિભાગ સાથે કોઇ જ ડીલ નથી થઈ. કેસોને લઈને અમેરિકી સરકાર સાથે કોઇ જ નાણાકીય લેવડદેવડ પણ નથી થઇ. અગાઉ રિપોર્ટ હતા કે અદાણી ગ્રૂપ દ્વારા અમેરિકામાં 10 બિલિયન ડોલરના રોકાણનું વચન અપાયું છે બદલામાં અદાણી સામેના કેસો બંધ કરાશે. જોકે આ રિપોર્ટને નકારતા અદાણીએ કોર્ટમાં સ્પષ્ટતા કરી છે કે રોકાણની આ યોજના તો આરોપો લગાવાયા તે પહેલા 13 નવેમ્બર 2024ના રોજ જાહેર કરી દેવાઇ હતી.
ન્યૂયોર્કની ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા અદાણીને આદેશ અપાયો હતો કે તેઓ કેસ પાછા ખેંચવા અંગે થયેલી કોઇ ડીલ અંગે માહિતગાર છે કે કેમ તે સોગંદનામા દ્વારા જણાવે. જે બાદ ગૌતમ અદાણી દ્વારા કોર્ટમાં સોગંદનામુ રજુ કરીને તમામ આરોપો અને દાવાને નકાર્યા હતા.
અદાણીએ કહ્યું હતું કે કેસો પાછા ખેંચવા મુદ્દે નાણાં અપાયા કે લેવાયા નથી, અમેરિકી સરકાર સાથે આ મુદ્દે કોઈ વાતચીત પણ નથી થઇ. અમેરિકામાં રોકાણનું કોઈ વચન પણ આપવામાં આવ્યું નથી.
